સ્પોર્ટસ

ઇન્ટરનેશનલ માસ્ટર્સ લીગનો સૌપ્રથમ તાજ સચિનની ટીમના શિરે, લારાની ટીમ રનર-અપ…

જાણો કોને ઇનામમાં કેટલી રકમ મળી...

રાયપુર: નિવૃત્ત અને પીઢ ક્રિકેટરો વચ્ચેની ઇન્ટરનેશનલ માસ્ટર્સ લીગ (આઈએમએલ)ની સૌપ્રથમ સીઝનનું ટાઈટલ સચિન તેન્ડુલકરની કેપ્ટન્સી હેઠળની ઇન્ડિયા માસ્ટર્સ ટીમે ઑલરાઉન્ડ પર્ફોર્મન્સની મદદથી જીતી લીધું છે. રવિવારે રાયપુરમાં 50,000 પ્રેક્ષકોની હાજરીમાં રમાયેલી રોમાંચક ફાઈનલમાં ભારતીય ટીમે બ્રાયન લારાની વેસ્ટ ઈન્ડિઝ માસ્ટર્સ ટીમને છ વિકેટે હરાવી દીધી હતી.

Also read : WPL ટ્રોફી જીત્યા બાદ MIના ખેલાડીઓએ કરી શાનદાર ઉજવણી, નીતા અંબાણી પણ જોડાયા

વેસ્ટ ઈન્ડિઝની ટીમ 20 ઓવરમાં સાત વિકેટે 148 રન બનાવી શકી હતી. ભારતીય ટીમે 17.1 ઓવરમાં માત્ર ચાર વિકેટના ભોગે 149 રનનો લક્ષ્યાંક મેળવી લીધો હતો.

અંબાતી રાયુડુ (74 રન, 50 બૉલ, ત્રણ સિક્સર, નવ ફોર) આ ફાઇનલનો સુપર હીરો હતો. તેની અને કેપ્ટન સચિન તેન્ડુલકર (પચીસ રન, 18 બૉલ, એક સિક્સર, બે ફોર) વચ્ચે 47 બૉલમાં 67 રનની ઓપનિંગ પાર્ટનરશિપ થઈ હતી. ગુરકીરત સિંહે 14 રન બનાવ્યા બાદ સ્ટુઅર્ટ બિન્ની બે સિક્સરની મદદથી બનેલા 16 રને અને યુવરાજ સિંહ 13 રને અણનમ રહ્યા હતા. યુસુફ પઠાણ શૂન્યમાં જ વિકેટ ગુમાવી બેઠો હતો.

લારાની ટીમ વતી ટીમ વતી ઍશલી નર્સે બે વિકેટ તેમ જ ટિનો બેસ્ટ અને સુલિમન બેને એક-એક વિકેટ લીધી હતી. રવિ રામપૉલ તથા જેરોમ ટેલરને વિકેટ નહોતી મળી.

એ પહેલાં, બ્રાયન લારાના સુકાનમાં વેસ્ટ ઇન્ડિઝ માસ્ટર્સે પ્રથમ બૅટિંગ પસંદ કરીને 20 ઓવરમાં સાત વિકેટે 148 રન બનાવ્યા હતા. એમાં લેન્ડલ સિમોન્સના 41 બૉલમાં બનેલા 57 રન હાઇએસ્ટ હતા. ઓપનર ડવેઇન સ્મિથે 35 બૉલમાં 45 રન બનાવ્યા હતા. ખુદ કૅપ્ટન લારા ઓપનિંગમાં રમ્યો હતો અને ફક્ત છ રન બનાવીને વિનય કુમારના બૉલમાં પવન નેગીના હાથમાં કૅચઆઉટ થયો હતો. વિનય કુમારે ત્રણ તેમ જ શાહબાઝ નદીમે બે અને સ્ટુઅર્ટ બિન્ની તથા પવન નેગીએ એક-એક વિકેટ લીધી હતી. ધવલ કુલકર્ણીને 19 રનમાં તેમ જ મુખ્ય બોલર ઇરફાન પઠાણને 47 રનમાં એક પણ વિકેટ નહોતી મળી.

આ સ્પર્ધામાં છ દેશની ટીમે ભાગ લીધો હતો. સેમિ ફાઇનલમાં ઇન્ડિયા માસ્ટર્સનો ઑસ્ટ્રેલિયા માસ્ટર્સ સામે 94 રનથી અને વેસ્ટ ઇન્ડિઝ માસ્ટર્સનો શ્રીલંકા માસ્ટર્સ સામે છ રનથી વિજય થયો હતો.

Also read : IPL 2025: GT પહેલી મેચ કોની સામે રમશે? આવી હોઈ શકે છે પ્લેઇંગ ઇલેવન…

કોને ઇનામમાં કેટલા પૈસા મળ્યા?

(1) ચેમ્પિયન ઇન્ડિયા માસ્ટર્સ ટીમ: એક કરોડ રૂપિયા
(2) રનર-અપ વેસ્ટ ઇન્ડિઝ માસ્ટર્સ ટીમ: 50 લાખ રૂપિયા
(3) મૅન ઑફ ધ ફાઈનલ: અંબાતી રાયુડુ… 50,000 રૂપિયા
(4) માસ્ટર સ્ટ્રોક ઑફ ધ મૅચ: અંબાતી રાયુડુ… 50,000 રૂપિયા
(5) મોસ્ટ સિક્સીસ ઑફ ધ ફાઈનલ: અંબાતી રાયુડુ…50,000 રૂપિયા
(6) મોસ્ટ ફોર્સ ઑફ ધ સીઝન: કુમાર સંગકારા (38 ફોર)… પાંચ લાખ રૂપિયા
(7) મોસ્ટ સિકસીસ ઑફ ધ સીઝન: શેન વોટ્સન (પચીસ સિક્સર)… પાંચ લાખ રૂપિયા

નોંધ: ગેમ ચેન્જર ઑફ ધ મૅચનો પુરસ્કાર શાહબાઝ નદીમ (ચાર ઓવરમાં 2/12)ને મળ્યો હતો. નદીમને મોસ્ટ ઇકોનોમિકલ બોલર (3.00નો ઇકોનોમી રેટ)નો અવૉર્ડ પણ અપાયો હતો.

શું તમે જાણો છો?

(1) આઈએમએલની આ પહેલી ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન (361) શેન વોટ્સનના હતા. ભારતીયોમાં યુવરાજ સિંહ (166 રન) મોખરે હતો.
(2) ટૂર્નામેન્ટમાં સૌથી વધુ (10) વિકેટ ઓસ્ટ્રેલિયાના ઝેવિયર ડુઅર્ટીએ લીધી. ભારતીયોમાં પવન નેગી (આઠ વિકેટ) મોખરે હતો.
(3) ઇંગ્લેન્ડનો બેન ડન્ક (અણનમ 132) હાઈએસ્ટ વ્યક્તિગત સ્કોર સાથે પ્રથમ હતો. ભારતીયોમાં સ્ટુઅર્ટ બિન્નીના 68 રન હાઈએસ્ટ હતા.
(4) ટૂર્નામેન્ટમાં શેન વોટ્સનની હાઈએસ્ટ પચીસ સિક્સર સામે ભારતીયોમાં યુવરાજ સિંહ 13 છગ્ગા સાથે મોખરે હતો.
(5) આખી ટૂર્નામેન્ટમાં કુલ સાત સેન્ચુરી ફટકારવામાં આવી હતી, પણ એમાં ઇન્ડિયા માસ્ટર્સના એકેય બૅટરની સદી નહોતી.
(6) ભારત વતી બૅ ટેસ્ટ રમનાર ભૂતપૂર્વ સ્પિનર શાહબાઝ નદીમે આઈએમએલની આ પ્રથમ સીઝનમાં ઓવર દીઠ 5.10નો સર્વશ્રેષ્ઠ ઇકોનોમી રેટ નોંધાવ્યો હતો. આખી સ્પર્ધામાં એકમાત્ર નદીમનો ઇકોનોમી રેટ 6.00થી નીચે હતો.
(7) શ્રીલંકા માસ્ટર્સના અસેલા ગુણરત્નેએ ત્રણ હાફ સેન્ચુરી ફટકારી હતી જે તમામ ખેલાડીઓમાં સૌથી વધુ હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button