સ્પોર્ટસ

બુમરાહના તરખાટ બાદ ભારતે બીજા દાવમાં 90 રનમાં બે વિકેટ ગુમાવી

લીડ્સઃ ભારતે અહીં ઇંગ્લૅન્ડ સામેની પ્રથમ ટેસ્ટ (બપોરે 3.30 વાગ્યાથી)માં રવિવારના ત્રીજા દિવસે છ રનની નજીવી સરસાઈ (lead)મેળવી ત્યાર બાદ ખરાબ શરૂઆત કરી હતી, પરંતુ પછીથી ઓપનર કેએલ રાહુલે (KL RAHUL) ફરી એકવાર સાધારણ ભાગીદારી કરીને ટીમને થોડી સારી સ્થિતિ અપાવી હતી. રમત બંધ રહી ત્યારે ભારતનો બીજા દાવનો સ્કોર બે વિકેટે 90 રન હતો. રાહુલ 47 રને અને કૅપ્ટન શુભમન ગિલ છ રને રમી રહ્યો હતો. ભારત (India)ના 471 રનના જવાબમાં યજમાન બ્રિટિશ ટીમે 465 રન કર્યા હતા.

પ્રથમ દાવનો સેન્ચુરિયન યશસ્વી જયસ્વાલ બીજા દાવમાં ચાર જ રન બનાવીને પૅવિલિયન ભેગો થયો હતો. ત્યાર બાદ રાહુલે પહેલી ટેસ્ટ રમી રહેલા સાઇ સુદર્શન સાથે 66 રનની ભાગીદારી કરી હતી. પેસ બોલર બેન સ્ટૉક્સે સતત બીજા દાવમાં આઇપીએલ-2025ના સર્વશ્રેષ્ઠ બૅટ્સમૅન સુદર્શનને આઉટ કર્યો હતો. સુદર્શન 48 બૉલમાં ચાર ફોરની મદદથી 30 રન કરી શક્યો હતો.
એ પહેલાં, ઇંગ્લૅન્ડે 465 રન કર્યા હતા. જસપ્રીત બુમરાહે (24.4-5-85-5) પાંચ વિકેટ તેમ જ પ્રસિદ્ધ ક્રિષ્નાએ ત્રણ અને મોહમ્મદ સિરાજે બે વિકેટ લીધી હતી. જોકે ભારતીય બોલર્સ ખર્ચાળ સાબિત થયા હતા.

આ પણ વાંચો -‏‏‎ બુમરાહે એક જ ઇનિંગ્સમાં બે મોટી સિદ્ધિ મેળવી

ક્રિષ્નાની 20 ઓવરમાં 128 રન થયા હતા જેને લીધે બ્રિટિશરો 450-પ્લસ રન કરી શક્યા અને ભારતને છ રનની મામૂલી સરસાઈ મળી હતી. સિરાજની 27 ઓવરમાં 122 રન બન્યા હતા. રવીન્દ્ર જાડેજાને 68 રનમાં અને શાર્દુલ ઠાકુરને 38 રનમાં વિકેટ નહોતી મળી.
ભારતીય ટીમ જો બીજા દાવમાં સારું રમીને 350 જેટલો લક્ષ્યાંક બ્રિટિશરોને આપશે તો મૅચ (test match)નો અંત રોમાંચક થઈ જશે અને ભારતને જીતવાનો સારો મોકો મળશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.
Back to top button