
અમદાવાદઃ કેપ્ટન રોહિત શર્મા વર્લ્ડ કપ 2023 ની ફાઇનલમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટોસ હારી ગયો. પેટ કમિન્સે ટૉસ જીત્યા બાદ પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કર્યું. આ નિર્ણય યોગ્ય છે કે નહી તે અલગ બાબત છે, પરંતુ ભારત ટોસ હારી જતાં ભારતીય ચાહકો ખુશ હતા. તેનું કારણ પણ ઐતિહાસિક છે.
ભારતે અત્યાર સુધી વર્લ્ડ કપ ફાઇનલમાં ટોસ હારીને ટ્રોફી ઉપાડી છે. અને જ્યારે ટોસ જીતવામાં આવે છે, ત્યારે ભારત મેચ હારી જાય છે. તેથી તમામ ચાહકો પ્રાર્થના કરી રહ્યા હતા કે રોહિત આ વખતે ટોસ હારી જાય. એ પ્રાર્થના સફળ થઈ હતી.
1983ના વર્લ્ડ કપની ફાઇનલમાં ભારત ટૉસ હારી ગયું હતું અને વર્લ્ડ કપ જીતી લીધો હતો.
2003ના વર્લ્ડ કપની ફાઇનલમાં ભારત ટૉસ જીતી ગયું હતું અને વર્લ્ડ કપ હારી ગયું હતું.
2011ની વર્લ્ડ કપની ફાઇનલમાં ભારત ટૉસ હારી ગયું હતું અને વર્લ્ડ કપ જીતી ગયું હતું.
અને હવે 2023ની વર્લ્ડ કપની ફાઇનલમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટૉસ હારીને શુકન કરાવી દીધા છે.
ટૉસ બાદ ભારતીય વાયુસેનાની સૂર્ય કિરણ ટીમે હવાઈ પ્રદર્શન કર્યું હતું. જેના કારણે સ્ટેડિયમમાં રહેલા ચાહકોની નજર આકાશ તરફ મંડાયેલી હતી. મેચની વાત કરીએ તો ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરનાર ઓસ્ટ્રેલિયાએ ભારતને પ્રથમ ઝટકો આપ્યો હતો. સ્ટાર્કે શુભમન ગિલને 4 રને આઉટ કર્યો હતો. પરંતુ તે પછી રોહિત શર્મા અને વિરાટ કોહલીએ જોરદાર બેટિંગ કરી અને ભારતને 8ની એવરેજથી રન અપાવ્યા.પરંતુ પોતાની અડધી સદી સુધી પહોંચેલો રોહિત શર્મા 31 બોલમાં 47 રન બનાવીને આઉટ થયો હતો. તેને ગ્લેન મેક્સવેલે આઉટ કર્યો હતો. શ્રેયસ અય્યરે પણ બાઉન્ડ્રી ફટકારી અને તરત જ પેટ કમિન્સ દ્વારા આઉટ થયો.