સ્પોર્ટસ

ભારત ઘરઆંગણે સતત આટલી સિરીઝ જીત્યા બાદ પહેલી વાર હાર્યું, ન્યૂ ઝીલૅન્ડે આટલા દાયકે રચ્યો ઇતિહાસ

પુણે: ભારતનો અહીં ત્રીજા દિવસે ન્યૂ ઝીલૅન્ડ સામેની બીજી ટેસ્ટમાં 113 રનથી પરાજય થયો એ સાથે ટીમ ઇન્ડિયા માટે ખરાબ અને કિવીઓની ટીમ માટે ઐતિહાસિક કહી શકાય એવા વિક્રમો રચાયા. ઘરઆંગણે ભારત લાગલગાટ 18 ટેસ્ટ-સિરીઝ જીત્યા પછી પહેલી વાર શ્રેણી હાર્યું છે. 2012ની સાલથી ઘરઆંગણે ભારતનું વર્ચસ્વ હતું અને વર્તમાન સિરીઝ પહેલાંની તમામ ટેસ્ટ-સિરીઝ જીત્યું હતું, પરંતુ 12 વર્ષનો એ સિલસિલો ટૉમ લૅથમની ટીમે તોડ્યો છે અને હોમ-ગ્રાઉન્ડ પર ભારતીયોએ 2012 પછી પહેલી વાર શ્રેણી-પરાજય જોવો પડ્યો છે. બીજી બાજુ, ન્યૂ ઝીલૅન્ડ બન્ને દેશ વચ્ચેના 70 વર્ષના ટેસ્ટ-ઇતિહાસમાં પહેલી જ વખત ભારતની ધરતી પર ટેસ્ટ-શ્રેણી જીતવામાં સફળ થયું છે.
ભારતને જીતવા 359 રનનો લક્ષ્યાંક મળ્યો હતો, પરંતુ રોહિતસેના 245 રનના સ્કોર પર ઑલઆઉટ થઈ જતાં કિવીઓએ યાદગાર સેલિબ્રેશન શરૂ કરી દીધું હતું.

2012-’13માં એમએસ ધોનીના સુકાનમાં ભારતનો ઘરઆંગણે ઇંગ્લૅન્ડ સામે પરાજય થયો ત્યાર પછી છેક હવે રોહિત શર્માની ટીમે શ્રેણીની હાર સ્વીકારવી પડી છે.
ન્યૂ ઝીલૅન્ડની ટીમ ગયા અઠવાડિયે ભારતમાં 36 વર્ષે પહેલી વાર ટેસ્ટ-મૅચ જીતવામાં સફળ રહી ત્યાર બાદ હવે એણે ઐતિહાસિક શ્રેણી-વિજય પણ હાંસલ કરી જ લીધો. આ ત્રણ મૅચની સિરીઝ છે અને ભારતીય ટીમે હવે પહેલી નવેમ્બરે વાનખેડે સ્ટેડિયમમાં શરૂ થનારી છેલ્લી ટેસ્ટમાં પરાજય ટાળવો પડશે. નહીં તો, કિવીઓ ભારતમાં 3-0ની ઐતિહાસિક ક્લીન સ્વીપ પણ કરી જશે.

એકવીસમી સદીમાં ભારતની ધરતી પર ટેસ્ટ-શ્રેણી જીતનાર ન્યૂ ઝીલૅન્ડ ત્રીજો દેશ છે. આ પહેલાં, ભારતના આંગણે ઇંગ્લૅન્ડે (2012માં 2-1થી) અને ઑસ્ટ્રેલિયાએ (2004માં 2-1થી) ટેસ્ટ-સિરીઝની ટ્રોફી મેળવી હતી.
2013થી 2024 સુધીમાં ઘરઆંગણે સતત 18 ટેસ્ટ-શ્રેણીમાં ભારતે જે લાગલગાટ જીત મેળવી હતી એ ટેસ્ટના ઇતિહાસમાં સર્વશ્રેષ્ઠ છે. એમાં ભારતે ઑસ્ટ્રેલિયાનો 1994-2001 દરમ્યાનનો સતત 10 શ્રેણી-વિજયનો રેકૉર્ડ તોડ્યો હતો.
ન્યૂ ઝીલૅન્ડે વર્તમાન સિરીઝની ટ્રોફી 2-0ની સરસાઈ સાથે કબજામાં કરી લીધી છે. ભારતે બેન્ગલૂરુની પ્રથમ ટેસ્ટ 46 રનના પ્રથમ દાવના ધબડકા બાદ છેવટે આઠ વિકેટે ગુમાવી હતી. અહીં પુણેમાં ભારતની 113 રનથી હાર થઈ છે.

પ્રથમ દાવમાં ન્યૂ ઝીલૅન્ડની ટીમ વૉશિંગ્ટન સુંદરની સાત અને આર. અશ્ર્વિનની ત્રણ વિકેટને લીધે 259 રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી. જોકે કિવી સ્પિનર મિચલ સૅન્ટનરની સાત અને બીજા સ્પિનર ગ્લેન ફિલિપ્સની બે તેમ જ પેસ બોલર ટિમ સાઉધીની એક વિકેટને કારણે ભારતની ઇનિંગ્સ ફક્ત 156 રનમાં સમેટાઈ ગઈ હતી.

શુક્રવારના બીજા દિવસે 14 વિકેટ પડી હતી અને ન્યૂ ઝીલૅન્ડનો બીજો દાવ રમતને અંતે પાંચ વિકેટે 198 રન હતો. શનિવારના ત્રીજા દિવસે કુલ 15 વિકેટ પડી. વૉશિંગ્ટન સુંદર (56 રનમાં ચાર વિકેટ)ના બીજા દાવના પણ તરખાટ ઉપરાંત રવીન્દ્ર જાડેજા (72 રનમાં ત્રણ વિકેટ) અને આર. અશ્ર્વિન (97 રનમાં બે વિકેટ)ના અસરદાર પર્ફોર્મન્સને લીધે ન્યૂ ઝીલૅન્ડે બાકીની પાંચ વિકેટ ગુમાવી અને એનો બીજો દાવ 255 રનના સ્કોર પર સમેટાઈ ગયો હતો અને ભારતને 359 રનનો લક્ષ્યાંક મળ્યો હતો.

બીજા દાવમાં રોહિત શર્મા (આઠ રન)એ ફરી સસ્તામાં વિકેટ ગુમાવી હતી, પરંતુ યશસ્વી જયસ્વાલ (77 રન, 65 બૉલ ત્રણ સિક્સર, નવ ફોર) આક્રમક ઇનિંગ્સ રમ્યો, પરંતુ અપેક્ષા જેટલું આગળ ન વધી શક્યો અને મિચલ સૅન્ટનરના બૉલમાં ડેરિલ મિચલના હાથમાં કૅચઆઉટ થઈ ગયો હતો. ત્યાર પછી બધા સ્ટાર-બૅટર્સ ફ્લૉપ ગયા અને વૉશિંગ્ટન સુંદર (47 બૉલમાં 21 રન) તથા અશ્ર્વિન (34 બૉલમાં 18 રન) ઉપરાંત ખાસ કરીને રવીન્દ્ર જાડેજા (42 રન, 84 બૉલ, 99 મિનિટ, બે ફોર)એ કિવી બોલર્સને જોરદાર લડત આપી હતી, પણ 61મી ઓવરમાં જાડેજા 10મી વિકેટના રૂપમાં આઉટ થતાં ભારતે હાર સ્વીકારી લેવી પડી હતી.

લેફ્ટ-આર્મ સ્પિનર મિચલ સૅન્ટનરે પ્રથમ દાવની સાત વિકેટ બાદ બીજા દાવમાં છ વિકેટ લીધી હતી. બે વિકેટ બીજા લેફ્ટ-આર્મ સ્પિનર ઍજાઝ પટેલે અને એક વિકેટ ઑફ-સ્પિનર ગ્લેન ફિલિપ્સે લીધી હતી.
સૅન્ટનરને આખી મૅચમાં કુલ 13 વિકેટ લેવા બદલ મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ આપવામાં આવ્યો હતો.

Back to top button
ભારતના ચેમ્પિયન કેપ્ટન સાથે હંમેશા થાય છે આવું પ્રેમભર્યો સ્પર્શ કરી શકે છે આ ચમત્કાર દિવાળી પર 40 વર્ષ બાદ થશે શુક્ર-ગુરુની યુતિ, ચાર રાશિના જાતકોને ચાંદી જ ચાંદી… આ ફૂલ કે જડીબુટ્ટી

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker