2036ની ઑલિમ્પિક્સ ભારતમાં યોજવા માટે મંત્રણા સતત ચાલુ જ છે અને અમદાવાદ… | મુંબઈ સમાચાર
નેશનલસ્પોર્ટસ

2036ની ઑલિમ્પિક્સ ભારતમાં યોજવા માટે મંત્રણા સતત ચાલુ જ છે અને અમદાવાદ…

નવી દિલ્હીઃ 2036ની ઑલિમ્પિક ગેમ્સ ભારતમાં યોજવા વિશે કેન્દ્ર સરકારની ઇન્ટરનૅશનલ ઑલિમ્પિક કમિટી (IOC)ના ભાવિ આયોજન પંચ સાથે સતત મંત્રણા ચાલુ જ છે, એવી જાણકારી ખેલકૂદ પ્રધાન મનસુખ માંડવિયા (MANSUKH MANDAVIYA)એ સોમવારે લોકસભામાં આપી હતી.

આમ આદમી પાર્ટી (AAP)ના સંગરૂરના સંસદસભ્ય ગુરમીત સિંહ હેયર (HAYER)ના સવાલના જવાબમાં માંડવિયાએ એવું પણ કહ્યું હતું કે ` 11 વર્ષ પછીની ઑલિમ્પિક્સને લગતી ભારતની બિડ વિશેની સમગ્ર પ્રક્રિયા ઇન્ડિયન ઑલિમ્પિક ઍસોસિયેશન (IOA) દ્વારા હાથ ધરવામાં આવી રહી છે. આઇઓએ દ્વારા આઇઓસીને ઇરાદા પત્ર સુપરત કરી દેવામાં આવ્યો છે અને એ સંબંધમાં મંત્રણા સતત ચાલુ જ છે.’

આપણ વાંચો: ક્રિકેટને ઑલિમ્પિક્સમાં ફરી પ્રવેશ તો મળ્યો, પણ કઈ ટીમોને ક્વૉલિફાય કરવી એ મોટી મૂંઝવણ

જોકે ભારતમાં ઑલિમ્પિક્સની હરીફાઈઓ કયા વિવિધ સ્થળે રાખવાની યોજના છે? એવા ગુરમીત સિંહ હેયરના સવાલનો માંડવિયાએ જવાબ નહોતો આપ્યો.

હેયરે એવો સવાલ પૂછ્યો હતો કે 2036ની ઑલિમ્પિક્સનું ભારતને યજમાનપદ મળે તો હૉકી ભુવનેશ્વરમાં, રૉવિંગ ભોપાલમાં, કૅનોઇંગ/કાયાકિંગ પુણેમાં અને ક્રિકેટ મુંબઈમાં યોજવાનો સરકારનો વિચાર છે? આ સવાલના જવાબમાં માંડવિયાએ એટલું જ કહ્યું હતું કે ` ભારતમાં ઑલિમ્પિક્સ યોજવાની જવાબદારી આઇઓએની છે.

આપણ વાંચો: 2036ની ઑલિમ્પિક્સ અમદાવાદમાં રાખવા ભારતનો સત્તાવાર દાવો

સામાન્ય રીતે આયોજન સંબંધિત સ્થળોના સિલેક્શનની સમીક્ષા કર્યા પછી જ આઇઓસી દ્વારા મંજૂરી આપવામાં આવતી હોય છે.’

ભારતને 2036ની ઑલિમ્પિક્સ યોજવા માટે મંજૂરી મળે તો એ દેશના કયા શહેરમાં યોજાશે એનું નામ ભારતે સત્તાવાર રીતે આઇઓસીને હજી નથી આપ્યું, પરંતુ આઇઓસી સાથેની મંત્રણામાં ગુજરાત સરકાર અગ્રેસર છે અને રાજ્યના ખેલકૂદ પ્રધાન હર્ષ સંઘવી તાજેતરમાં આઇઓસી સાથે યોજાયેલી મંત્રણા વખતે ભારતીય પ્રતિનિધિમંડળમાં સામેલ હતા. એવું મનાય છે કે 2036ની ઑલિમ્પિક્સ અમદાવાદમાં યોજવા ભારત સરકાર પ્રયત્નશીલ છે.

11 વર્ષ પછીની ઑલિમ્પિક્સ યોજવા માટેની રેસમાં ભારતે કતાર તેમ જ તુર્કેઇની હરીફાઈનો સામનો કરવો પડી રહ્યો છે. આઇઓસીના નવા પ્રમુખ કર્સ્ટી કૉવેન્ટરીએ ઑલિમ્પિક્સના યજમાન નક્કી કરવા સંબંધિત સિલેક્શનની પ્રક્રિયા હાલમાં થંભાવી દીધી છે.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button