સ્પોર્ટસ

ઈડનમાં ભારત મુશ્કેલીમાં: ચોથી વિકેટ પડી, ગિલ રિટાયર્ડ હર્ટ

કોલકાતા: ઈડન ગાર્ડન્સની પ્રથમ ટેસ્ટમાં સાઉથ આફ્રિકાને શુક્રવારે પહેલા દાવમાં 159 રનમાં ઑલઆઉટ કર્યા પછી ખુદ ભારતીય ટીમ મુશ્કેલીમાં આવી ગઈ છે. આજે ભોજનના વિશ્રામ વખતે ભારત (India)નો સ્કોર 4/138 હતો.

આજના બીજા દિવસે ભારતે 40મી ઓવરમાં ઓપનર કે. એલ. રાહુલની વિકેટ ગુમાવી હતી અને ત્યારે તેની ત્રીજી વિકેટ વખતે સ્કોર 3/109 રન હતો.

ગઈ કાલથી ક્રીઝમાં અડીખમ ટકી રહેલા રાહુલે (Rahul) 119 બૉલની લાંબી ઇનિંગ્સમાં 39 રન કર્યા હતા જેમાં એક છગ્ગો અને ચાર ચોક્કા સામેલ હતા. સ્પિનર કેશવ મહારાજના બૉલમાં સ્લિપમાં એઇડન માર્કરમે થોડા ફમ્બલ થયા બાદ નીચો કૅચ ઝીલ્યો હતો અને મહારાજને રાહુલની પ્રાઈઝ વિકેટ અપાવી હતી.

Image credit: BCCI

એ પહેલાં, વનડાઉન બૅટ્સમૅન વૉશિંગ્ટન સુંદરે 82 બૉલની લાંબી ઇનિંગ્સમાં એક સિક્સર અને બે ફોરની મદદથી 29 રન કર્યા બાદ ઑફ સ્પિનર સાઇમન હાર્મરના બૉલમાં વિકેટ ગુમાવી હતી. તેનો કૅચ પણ માર્કરમે (Markram)જ ઝીલ્યો હતો.

સુંદરની વિકેટ પડ્યા બાદ કેપ્ટન શુભમન ગિલ બૅટિંગમાં આવ્યો હતો, પરંતુ ત્રણ જ બૉલ રમ્યા બાદ તે રિટાયર હર્ટ થયો હતો. તેણે એક ફોર ફટકારી હતી અને સ્વીપ શૉટ પછી તેને અચાનક ગરદનમાં દુખાવો થયો હતો જેને લીધે તેણે પોતાના ચાર રનના સ્કોર પર હાલપૂરતી બૅટિંગ છોડી દીધી હતી.

ગિલ પૅવિલિયનમાં પાછો ગયો ત્યાર બાદ વિકેટકીપર રિષભ પંત બૅટિંગમાં આવ્યો હતો અને 24 બૉલની ટૂંકી અને આક્રમક ઇનિંગ્સમાં બે સિક્સર અને બે ફોરની મદદથી 27 રન કર્યા બાદ તે કોર્બીન બોશ્ચના બૉલમાં વિકેટકીપર કાઇલ વેરાઇનના હાથમાં કૅચઆઉટ થયો હતો. પંતની વિકેટ વખતે ભારતનો સ્કોર 4/132 હતો અને ત્યારે રવીન્દ્ર જાડેજા 11 અને અને ધ્રુવ જુરેલ પાંચ રને રમી રહ્યા હતા.

Image credit: BCCI

સાઉથ આફ્રિકાના 159 રનના સ્કોર સામે ભારત હવે સરસાઈની તૈયારીમાં જ છે.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button