ભારતે ICC વર્લ્ડ કપ 2023માં સતત 5મી જીત હાંસલ કરી છે. રવિવારે ટીમે ન્યૂઝીલેન્ડ સામે 4 વિકેટે જીત મેળવી હતી. જોકે, પ્રથમ ચાર મેચમાંથી બહાર રાખવામાં આવેલા ખેલાડીએ ભારતની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ ખેલાડી છે ઝડપી બોલર મોહમ્મદ શમી. શાર્દુલ ઠાકુરની જગ્યાએ શમીને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. શમીએ તકનો ફાયદો ઉઠાવ્યો હતો અને 5 વિકેટ પોતાના નામે કરી હતી. ઘણા અદ્ભુત રેકોર્ડની સાથે તેમણે મેન ઓફ ધ મેચ એવોર્ડ પણ જીત્યો હતો.
આ વર્લ્ડ કપમાં શમીને અત્યાર સુધી અવગણવામાં આવ્યો હતો. શમી ન્યૂઝીલેન્ડ સામેની મેચ પહેલા ચાર મેચમાં રમી શક્યો નહોતો. ટીમ કોમ્બિનેશનના કારણે તેમને જગ્યા મળી ન હતી. શમીની જગ્યાએ મોહમ્મદ સિરાજને સતત તક આપવામાં આવી રહી છે અને સિરાજ પણ સારું પ્રદર્શન કરી રહ્યો છે. શમીએ ન્યુઝીલેન્ડ સામે તબાહી મચાવી હતી. તેમણે જોરદાર વાપસી કરી અને પાંચ વિકેટ પોતાના નામે કરી હતી. શમીએ 10 ઓવરમાં 54 રન આપીને પાંચ વિકેટ લીધી હતી.
કેપ્ટન રોહિતે શમીને 9મી ઓવરમાં બોલિંગ કરવા માટે બોલાવ્યો હતો. શમીએ આ વર્લ્ડ કપમાં પોતાના પહેલા જ બોલ પર વિકેટ લીધી હતી. તેણે કિવી ઓપનર વિલ યંગને ક્લીન બોલ્ડ કર્યો હતો. યંગ 27 બોલમાં 17 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. વર્લ્ડ કપના ઈતિહાસમાં શમીની આ 32મી વિકેટ હતી. તે ટુર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લેનારો તે ત્રીજો ભારતીય બોલર બન્યા હતા. તેણે અનિલ કુંબલેને પાછળ છોડી દીધા છે.. ટૂર્નામેન્ટના ઈતિહાસમાં બે વખત 5 કે તેથી વધુ વિકેટ લેનાર તેઓ એકમાત્ર ભારતીય બોલર બન્યા છે. શમીએ ગત વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડ સામે 5 વિકેટ ઝડપી હતી.
આવું કરનાર શમી પ્રથમ ભારતીય બોલર બન્યા છે, જેણે વર્લ્ડ કપમાં બે વખત 5 વિકેટ ઝડપી છે. આ ઉપરાંત શમીએ વર્લ્ડ કપમાં પાંચમી વખત મેચમાં ચાર કે તેથી વધુ વિકેટ લીધી હતી. આ મામલે તે સંયુક્ત રીતે બીજા સ્થાને છે.
શમીએ દક્ષિણ આફ્રિકાના પૂર્વ સ્પિનર ઈમરાન તાહિરની બરાબરી કરી હતી. હવે માત્ર ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્ક તેમનાથી આગળ છે. તેમણે છ વખત આવું કર્યું છે. તેમના પહેલા કપિલ દેવ સહિત કોઈ ભારતીય બોલર આવું કરી શક્યો નથી. કપિલ દેવ સહિત શમી પહેલા વેંકટેશ પ્રસાદ, રોબિન સિંહ, આશિષ નેહરા અને યુવરાજ સિંહ એવા ખેલાડીઓ છે જેમણે વર્લ્ડ કપમાં ભારત માટે પાંચ-પાંચ વિકેટ લીધી હતી.