હૉકીના એશિયા કપમાં ભારત સતત બીજી મૅચ જીતીને સુપર-ફોરમાં
કૅપ્ટન હરમનપ્રીત સિંહ ચીન પછી જાપાનને પણ ભારે પડ્યો

રાજગીર (બિહાર): રાજકીય અને ખેલકૂદ સ્તરે એક અજબ સંયોગ જોવા મળ્યો. એક તરફ વડા પ્રધાન નરેન્દ્ર મોદી જાપાન અને ચીનના સફળ પ્રવાસે ગયા અને આ બાજુ બિહારમાં ભારતની મેન્સ હૉકી ટીમે એ બન્ને દેશની ટીમને જોરદાર લડત આપીને પરાજિત કરી દીધી અને સુપર-ફોર (Super Four) રાઉન્ડમાં પ્રવેશ કરી લીધો.
એશિયા કપ હૉકીમાં યજમાન ભારતે રવિવારે જાપાન (Japan)ની દમદાર ટીમ સામે શાનદાર પ્રદર્શન કરીને એને 3-2થી હરાવી દીધી હતી. એ સાથે, ભારતે આ ટૂર્નામેન્ટમાં જીતની લય જાળવી રાખી છે. ભારતે (India) પ્રથમ મૅચમાં ચીન (China)ને 4-3થી હરાવ્યું હતું.

આપણ વાંચો: મેન્સ હૉકીમાં ભારતે વર્લ્ડ ચૅમ્પિયન જર્મનીને હરાવ્યું
ચીન સામેના ચારમાંથી ત્રણ ગોલ (Goal) કૅપ્ટન હરમનપ્રીત સિંહે (Harmanpreet Singh) કર્યા હતા, જ્યારે રવિવારે જાપાન સામે પણ હરમનપ્રીત છવાઈ ગયો હતો. ભારત વતી ત્રણમાંથી બે ગોલ તેણે પાંચમી અને 46મી મિનિટમાં કર્યા હતા.
એ પહેલાં, મનદીપ સિંહે ચોથી મિનિટમાં બે ડિફેન્ડર અને ગોલકીપરને સફળતાથી પાર કરીને ટીમનો પ્રથમ ગોલ કર્યો હતો. ભારત વતી સુખજિત સિંહે પણ જાપાનના ખેલાડીઓને જોરદાર ટક્કર આપી હતી. જાપાન વતી બન્ને ગોલ ક્વાબે કોસઇએ કર્યા હતા.
આપણ વાંચો: નીરજ ચોપડા, વિનેશ ફોગાટ અને મેન્સ હૉકી ટીમ: મંગળવારના મુકાબલા ભારતની બાજી ફેરવી શકે
જાપાન સામેના વિજય સાથે ભારતીય ટીમ સુપર-ફોર રાઉન્ડમાં પહોંચી ગઈ છે. બે મૅચ પછી ભારતના છ પૉઇન્ટ છે, જ્યારે ચીન ત્રણ પૉઇન્ટ સાથે બીજા ક્રમે છે. ચીને કઝાખસ્તાનને 13-1થી હરાવી દીધું હતું.
હરમનપ્રીત સિંહે આ ટૂર્નામેન્ટમાં કુલ પાંચ ગોલ કર્યા છે. હવે ભારતે પોતાના ગ્રૂપમાં કઝાખસ્તાન સામે સોમવારે રમવાનું છે. જોકે સુપર-ફોર રાઉન્ડમાં પ્રવેશવા ચીન અને જાપાન વચ્ચે જોરદાર હરીફાઈ થઈ રહી છે એ સ્થિતિમાં હવે ભારતીય ટીમ ખાસ કરીને સુપર-ફોર રાઉન્ડની હરીફ ટીમો સામેની મૅચ વિશે વ્યૂહ ઘડવાની તૈયારી કરશે.