પેરિસ ઓલિમ્પિક્સ ૨૦૨૪સ્પોર્ટસ

Paris Olympics: હોકીની સેમિફાઈનલ પૂર્વે ભારતીય ટીમને લાગ્યો આંચકો, આ ખેલાડી પર એક મેચનો પ્રતિબંધ

પેરિસ : પેરિસ ઓલમ્પિકમાં(Paris Olympics) ઈન્ટરનેશનલ હોકી ફેડરેશન (FIH) એ ભારતના અમિત રોહિદાસ પર એક મેચનો પ્રતિબંધ લગાવ્યો છે, જેના કારણે તે મંગળવારે જર્મની સામે રમાનાર પેરિસ ઓલિમ્પિકની સેમીફાઈનલ મેચમાં રમી શકશે નહીં. રવિવારે બ્રિટન સામે રમાયેલી ક્વાર્ટર ફાઈનલ મેચમાં રોહિદાસને રેડ કાર્ડ બતાવવામાં આવ્યું હતું, જેના કારણે તે બીજા ક્વાર્ટરથી જ મેદાન છોડી ગયો હતો. ભારતીય હોકી ટીમે બ્રિટનને હરાવીને સેમીફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે.

ભારતીય ટીમ 10 ખેલાડીઓ સાથે રમી હતી

મેચની 17મી મિનિટે રોહિદાસની હોકી સ્ટિક એક બ્રિટિશ ખેલાડીના માથા પર વાગી હતી, પરંતુ રેફરીએ તેને જાણી જોઈને કરેલું કૃત્ય માન્યું હતું અને તેને આખી મેચમાંથી બહાર કાઢી નાખ્યો હતો. આ રીતે ભારતીય ટીમ લગભગ 42 મિનિટ સુધી 10 ખેલાડીઓ સાથે રમી હતી. જો કે, હરમનપ્રીત સિંહની આગેવાની હેઠળની ટીમે હાર ન માની અને પેનલ્ટી શૂટઆઉટમાં બ્રિટનને હરાવી સેમિફાઇનલ માટે ક્વોલિફાય કર્યું.

હોકી ઈન્ડિયાએ સવાલો ઉઠાવ્યા હતા

હોકી ઈન્ડિયાએ પેરિસ ઓલિમ્પિકમાં હોકી ઈવેન્ટમાં અમ્પાયરિંગની ગુણવત્તા અંગે સત્તાવાર રીતે ચિંતા વ્યક્ત કરી હતી. આ ફરિયાદ ભારત અને બ્રિટન વચ્ચેની ક્વાર્ટર ફાઈનલ મેચથી સંબંધિત છે જેમાં અમ્પાયરિંગના ઘણા નિર્ણયોએ મેચના પરિણામને અસર કરી હતી. આ ફરિયાદમાં હોકી ઈન્ડિયાએ રોહિદાસને બતાવેલા રેડ કાર્ડના સંબંધમાં અસંગત વિડિયો અમ્પાયર રિવ્યુ સિસ્ટમ સંબંધિત ત્રણ મહત્વના મુદ્દાઓનો ઉલ્લેખ કર્યો હતો અને શૂટઆઉટ દરમિયાન ગોલકીપરના કોચિંગ અને ગોલકીપર દ્વારા વીડિયો ટેબલેટના ઉપયોગ પર પણ સવાલો ઉઠાવ્યા હતા.

હોકી ઈન્ડિયાએ આ નિર્ણયને પડકાર્યો હતો

FIH એ એક નિવેદન બહાર પાડીને રોહિદાસ પર એક મેચના પ્રતિબંધની પુષ્ટિ કરી છે. જો કે હોકી ઈન્ડિયાએ ફેડરેશનના નિર્ણયને પડકાર્યો છે. પરંતુ વર્તમાન સ્થિતિમાં રોહિદાસના સેમીફાઈનલ મેચમાં રમવા પર સ્પષ્ટતા નથી. એવું માનવામાં આવે છે કે FIH સોમવારે આ અપીલ પર સુનાવણી કરશે અને તેનો જવાબ દાખલ કરશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button