સ્પોર્ટસ

ભારત લીડ્સમાં આટલા વર્ષથી ટેસ્ટ નથી જીત્યું…

આજે બપોરે 3.30 વાગ્યાથી ઈંગ્લૅન્ડ સામે મુકાબલો: ટીમ ઇન્ડિયા કેટલા માર્જિનથી સિરીઝ જીતશે એની સચિને કરી આગાહી...

લીડ્સ: અહીં હેડિંગ્લી ગ્રાઉન્ડ પર આજે બપોરે 3:30 વાગ્યે ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે સિરીઝની પ્રથમ ટેસ્ટ મૅચ શરૂ થશે અને એ સાથે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (ડબલ્યુટીસી)ની નવી સીઝનમાં ભારત પ્રવેશ કરશે. લીડ્સમાં ભારતનો રેકૉર્ડ સારો તો નથી, પરંતુ શુભમન ગિલની નવી કેપ્ટન્સીમાં ટીમ ઇન્ડિયા વિજયી શરૂઆત કરશે એવી આશા છે.

લીડ્સમાં ભારત 23 વર્ષથી ટેસ્ટ મૅચ નથી જીત્યું. છેલ્લે 2002ની સાલમાં ભારતે સૌરવ ગાંગુલીના સુકાનમાં ઇંગ્લૅન્ડને એક દાવ અને 46 રનથી હરાવ્યું હતું. એ મૅચના પ્રથમ દાવમાં સચિને 193 રન, જીતનો પાયો નાખનાર રાહુલ દ્રવિડે 148 રન અને ખુદ ગાંગુલીએ 128 રન કર્યા હતા. અનિલ કુંબલેએ ટેસ્ટમાં કુલ સાત વિકેટ લીધી હતી.

એ વિજય બાદ લીડ્સમાં ભારત ફક્ત એક ટેસ્ટ (2021માં) રમ્યું છે જેમાં ભારતનો એક ઇનિંગ્સથી પરાજય થયો હતો. લીડ્સમાં ભારત કુલ સાત ટેસ્ટમાંથી ચાર હાર્યું છે, બેમાં વિજય મેળવ્યો છે અને એક ટેસ્ટ ડ્રો થઈ છે. ઈંગ્લૅન્ડમાં પાંચ સિરીઝ રમવાનો બહોળો અનુભવ ધરાવતા સચિન તેંડુલકરે આગાહી કરી છે કે ભારત આ વખતની શ્રેણી 3-1થી જીતશે.

બુમરાહે જૉ રૂટને નવ વખત આઉટ કર્યો છે

ટેસ્ટનો વર્લ્ડ નંબર વન બોલર જસપ્રીત બુમરાહ ઈંગ્લૅન્ડ સામેની તમામ પાંચ ટેસ્ટ નથી રમવાનો, પરંતુ તે જે ત્રણ ટેસ્ટમાં રમશે એમાં બ્રિટિશરોના નાકે દમ લાવી દેશે. ઈંગ્લૅન્ડના મુખ્ય બૅટ્સમૅન જો રૂટને બુમરાહે ટેસ્ટ ક્રિકેટમાં નવ વખત આઉટ કર્યો છે. ટેસ્ટ કરીઅરમાં રૂટ ભારતના આ મુખ્ય ફાસ્ટ બોલરનો સૌથી મોટો શિકાર રહ્યો છે.

બંને દેશની ટીમ પર એક નજર…

ઇંગ્લૅન્ડની પ્લેઇંગ-ઇલેવનઃ બેન સ્ટૉક્સ (કૅપ્ટન), જૅમી સ્મિથ (વિકેટકીપર), જૅક ક્રૉવ્લી, બેન ડકેટ, ઑલી પોપ (વાઇસ-કૅપ્ટન), જૉ રૂટ, હૅરી બ્રૂક, ક્રિસ વૉક્સ, બ્રાયડન કાર્સ, જૉશ ટન્ગ અને શોએબ બશીર.

ભારતની સંભવિત ઇલેવન: શુભમન ગિલ (કૅપ્ટન), રિષભ પંત (વાઇસ-કૅપ્ટન, વિકેટકીપર), કેએલ રાહુલ, યશસ્વી જયસ્વાલ, સાઇ સુદર્શન, કરુણ નાયર, રવીન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર/નીતીશ રેડ્ડી, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ ક્રિષ્ના અને 12મો પ્લેયર: કુલદીપ યાદવ.

આ પણ વાંચો…ભારત-ઇંગ્લૅન્ડ ટેસ્ટમાં વરસાદની સંભાવના છે? પિચ કેવી રહેશે?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.
Back to top button