ભારતના પહેલા સાતમાંથી આ પાંચ લેફ્ટ-હૅન્ડ બૅટ્સમેન | મુંબઈ સમાચાર

ભારતના પહેલા સાતમાંથી આ પાંચ લેફ્ટ-હૅન્ડ બૅટ્સમેન

મૅન્ચેસ્ટરઃ ઇંગ્લૅન્ડમાં ભારતીય ટીમે પાંચ મૅચની ટેસ્ટ-શ્રેણીમાં 1-2થી પાછળ રહ્યા બાદ હવે ચોથી મૅચનો જંગ શરૂ કર્યો છે અને એમાં પ્રથમ બૅટિંગ મળતાં ટીમ ઇન્ડિયાએ લીડ્સની પ્રથમ ટેસ્ટના પહેલા દાવ (471 રન) અને એજબૅસ્ટનની બીજી ટેસ્ટના પહેલા દાવ (587 રન)ની જેમ અહીં મૅન્ચેસ્ટરના ઑલ્ડ ટ્રેફર્ડમાં પણ મોટો સ્કોર કરવાના મક્કમ ઇરાદા સાથે દાવની શરૂઆત કરી છે. નવાઈની એક વાત એવી છે કે ભારત (India)ની પહેલા સાતમાંથી પાંચ બૅટ્સમેન લેફ્ટ-હૅન્ડ (Left hand batsmen) છે.

પહેલા સાત બૅટ્સમેનની યાદી આ મુજબ છેઃ યશસ્વી જયસ્વાલ (લેફ્ટ-હૅન્ડ), કે. એલ. રાહુલ (રાઇટ-હૅન્ડ), સાઇ સુદર્શન (લેફ્ટ-હૅન્ડ), કૅપ્ટન શુભમન ગિલ (રાઇટ-હૅન્ડ), રિષભ પંત (લેફ્ટ-હૅન્ડ), રવીન્દ્ર જાડેજા (લેફ્ટ-હૅન્ડ) અને વૉશિંગ્ટન સુંદર (લેફ્ટ-હૅન્ડ). મૅન્ચેસ્ટર ટેસ્ટ માટેની ભારતની ટીમના બાકીના ચાર પ્લેયર રાઇટ-હૅન્ડ બૅટ્સમેન છે જેમાં શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ અને અંશુલ કંબોજ સામેલ છે.

આ પણ વાંચો: ચોથી ટેસ્ટઃ શુભમન ગિલ આવી શકે બ્રેડમૅનની બરાબરીમાં…

ભારતે આ ટેસ્ટ માટેની ટીમમાં આઉટ-ઑફ-ફૉર્મ કરુણ નાયરના સ્થાને સાઇ સુદર્શનને, ઈજાગ્રસ્ત નીતીશ રેડ્ડીના સ્થાને શાર્દુલ ઠાકુરને અને ઈજાગ્રસ્ત આકાશ દીપને બદલે અંશુલ કંબોજને ઇલેવનમાં સમાવ્યા છે.

એક દાવમાં એક જ ટીમમાં સૌથી વધુ લેફ્ટ-હૅન્ડ બૅટ્સમેનનો વિશ્વવિક્રમ (world record) સૌથી પહેલાં વેસ્ટ ઇન્ડિઝના નામે નોંધાયો હતો. 1999માં પાકિસ્તાન સામેની ટેસ્ટમાં કૅરિબિયન ટીમના 11માંથી 8 બૅટસમેન લેફ્ટ-હૅન્ડ હતા.
2000ની સાલમાં પણ આવું બન્યું હતું. એમાં ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટમાં પણ વેસ્ટ ઇન્ડિઝની ટીમમાં આઠ લેફ્ટ-હૅન્ડ બૅટ્સમેન હતા.

કૅરિબિયનોના એ વિશ્વવિક્રમનું 2014માં ઑસ્ટ્રેલિયા સામેની ટેસ્ટમાં બન્યું હતું જેમાં ઇંગ્લૅન્ડના 11માંથી 8 ડાબોડી હતા.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.
Back to top button