World Para-Badminton Championshipsમાં ભારતની કમાલઃ યથિરાજ, પ્રમોદ અને કૃષ્ણાએ જીત્યો Gold Medal
પટાયા (થાઇલેન્ડ): ભારતના સુહાસ યથિરાજ, પ્રમોદ ભગત અને કૃષ્ણા નાગરે રવિવારે થાઈલેન્ડના પટાયામાં પેરા બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશિપ (World Para-Badminton Championships)માં પ્રભાવશાળી પ્રદર્શન કર્યું હતું. ત્રણેયે અનુક્રમે પુરુષોની સિંગલ્સ એસએલ 4, એસએલ 3 અને એસએચ 6 ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ (Gold Medal) જીત્યા હતા.
પેરાલિમ્પિક સિલ્વર મેડલ વિજેતા અને વિશ્વના ત્રીજા નંબરના ખેલાડી યથિરાજે એસએલ 4 ફાઇનલમાં ઇન્ડોનેશિયાના ફ્રેડી સેતિયાવાનને 21-18, 21-18થી હરાવીને તેનું પ્રથમ વર્લ્ડ ટાઇટલ જીત્યું હતું.
કર્ણાટકના યથિરાજ ઉત્તર પ્રદેશ કેડરના 2007 બેચના આઇએએસ અધિકારી છે. તેમણે કહ્યું હતું કે હું ગોલ્ડ મેડલ જીતીને ખુશ છું અને વર્લ્ડ ચેમ્પિયન બનવા પર ગર્વ અનુભવું છું. તેઓ હાલમાં ઉત્તર પ્રદેશ સરકારમાં યુવા કલ્યાણ અને પ્રાંતીય ગાર્ડ ટીમના સેક્રેટરી અને ડિરેક્ટર જનરલ છે. ચીનમાં પેરા એશિયન ગેમ્સમાં એક ગોલ્ડ અને બે બ્રોન્ઝ મેડલ જીતનાર ભગતે એસએલ 3 ફાઇનલમાં ઇંગ્લેન્ડના ડેનિયલ બેથેલને 14-21 21-15 21-14થી હરાવ્યો હતો.
35 વર્ષીય પેરાલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા ભગતે 2022 ટોક્યો પેરાલિમ્પિકમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો. એસએચ 6 કેટેગરીમાં પેરાલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા કૃષ્ણા નાગરે પણ મેન્સ સિંગલ્સની ફાઇનલમાં ચીનના લિન નીલીને 22-20, 22-20થી હરાવીને ચેમ્પિયન બન્યો હતો.
મહિલા સિંગલ્સ એસયુ 5માં મનીષા રામદાસને ફાઇનલમાં ચીનની યાંગ ક્યૂ શિયા સામે 16-21, 16-21થી હાર મળી હતી. તેણે સિલ્વર મેડલ જીત્યો હતો. ચિરાગ બરેઠા અને રાજ કુમારની પુરૂષોની ડબલ્સ જોડી અને રચના શૈલેષકુમાર અને નિત્યા શ્રી સુમતિ સિવાનની મહિલા ડબલ્સ જોડી અનુક્રમે એસયુ 5 અને એસએચ 6 કેટેગરીમાં ફાઇનલમાં હારી જતાં સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો.