ભારતે વર્લ્ડ રેકૉર્ડની બરાબરી સાથે વેસ્ટ ઇન્ડિઝનો 2-0થી વાઈટવૉશ કર્યો | મુંબઈ સમાચાર
સ્પોર્ટસ

ભારતે વર્લ્ડ રેકૉર્ડની બરાબરી સાથે વેસ્ટ ઇન્ડિઝનો 2-0થી વાઈટવૉશ કર્યો

નવી દિલ્હી: ભારતે વેસ્ટ ઇન્ડીઝ (West Indies)ને આજે છેલ્લા દિવસે બીજી અને અંતિમ ટેસ્ટમાં સાત વિકેટના માર્જિનથી હરાવીને સિરીઝમાં એનો 2-0થી વાઈટવૉશ તો કર્યો જ, વર્લ્ડ રેકૉર્ડની બરાબરી પણ કરી લીધી.

વેસ્ટ ઇન્ડિઝને સતત 10મી સિરીઝમાં હરાવ્યું

ભારતે એક જ હરીફ દેશ સામે સતતપણે સૌથી વધુ 10 ટેસ્ટ (test ) શ્રેણી જીતવાના સાઉથ આફ્રિકાના વિશ્વ વિક્રમની બરાબરી કરી. સાઉથ આફ્રિકાએ વેસ્ટ ઇન્ડિઝને 1998થી 2024 દરમ્યાન લાગલગાટ 10 ટેસ્ટ સિરીઝમાં હરાવ્યું હતું. હવે ભારતે (India) વેસ્ટ ઇન્ડિઝને 2002થી 2025 સુધીમાં સતત 10 ટેસ્ટ શ્રેણીમાં પરાજિત કર્યું છે.

કોને ક્યો પુરસ્કાર મળ્યો

કુલદીપ યાદવ (કુલ આઠ વિકેટ)ને મૅન ઑફ ધ મૅચનો અને રવીન્દ્ર જાડેજા (શ્રેણીમાં કુલ આઠ વિકેટ અને 104 રન)ને મૅન ઑફ ધ સિરીઝનો અવૉર્ડ આપવામાં આવ્યો.

સિરીઝમાં બૅટિંગ, બોલિંગમાં કોણ મોખરે

આખી સિરીઝમાં યશસ્વી જયસ્વાલના 219 રન હાઈએસ્ટ હતા અને કુલદીપ યાદવની 12 વિકેટ સૌથી વધુ હતી.

ગૌતમ ગંભીરના જન્મદિનની પણ ઉજવણી

ટીમ ઇન્ડિયાએ જીતના સેલિબ્રેશન સાથે ‘ બર્થડે બૉય’ હેડ-કોચ ગૌતમ ગંભીરને વિજયની ભેટ આપી છે.

અડીખમ રાહુલ મૅન ઑફ ધ ડે

ભારતે સોમવારે યશસ્વીની વિકેટ ગુમાવ્યા બાદ આજે શેઇ હોપના શાનદાર કૅચમાં સુદર્શન (39 રન)ની અને પછી ઉતાવળે જીતવાની લાલચમાં ઊંચો શૉટ મારનાર શુભમન ગિલ (એક ફોર, એક સિક્સર સહિત 13 રન)ની વિકેટ ગુમાવી હતી. જોકે અડીખમ કે. એલ. રાહુલે (58 અણનમ, 108 બૉલ, બે સિક્સર, છ ફોર) એક છેડો સાચવી રાખીને ભારતને 121 રનનો લક્ષ્યાંક અપાવી દીધો હતો. ભારતે 35.2 ઓવરમાં ત્રણ વિકેટે 124 રન કર્યા હતા. જુરેલ છ રને અણનમ રહ્યો હતો.

આખી મૅચમાં શું બન્યું

ભારતના પ્રથમ દાવના 5/518ના જવાબમાં વેસ્ટ ઇન્ડિઝે 248 રન કર્યાં બાદ ફૉલો-ઑન પછી કેમ્પબેલ (115 રન) અને શેઇ હોપ (103 રન)ની મદદથી 390 રન કરીને ભારતને 121 રનનો ટાર્ગેટ આપ્યો હતો. યશસ્વી પ્રથમ દાવના 175 રન બદલ બૅટિંગમાં આ મૅચનો ખરો હીરો હતો. ગિલે પહેલા દાવમાં અણનમ 129 રન કર્યાં હતા.

આપણ વાંચો:  Happy Birthday Gautam Gambhir; લાઈમલાઈટમાં ન આવતી નતાશા અને ઈન્ડિયન કૉચની કેમેસ્ટ્રી વિશે જાણો મીઠીમધુરી વાતો

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button