સ્પોર્ટસ

ભારતીય મહિલા ટીમે પચીસ બૉલમાં નવ વિકેટ લીધી, નવો વર્લ્ડ રેકૉર્ડ રચ્યો

ઓવલ (લંડન): હરમનપ્રીત કૌરના સુકાનમાં ભારતની મહિલા ટીમ શુક્રવારે અહીં ઇંગ્લૅન્ડ સામેની ત્રીજી ટી-20માં છેલ્લા બૉલ પર ફક્ત પાંચ રનના તફાવતથી પરાજિત થઈ હતી, પણ એ પહેલાં ભારતીય ટીમે એવો વિશ્વ વિક્રમ (WORLD RECORD) રચ્યો જે પુરુષો અને મહિલાઓ, બન્નેની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અત્યાર સુધી નહોતો થયો. ભારતે ઇંગ્લિશ ટીમની નવ વિકેટ (9 WICKETS) માત્ર પચીસ બૉલમાં લીધી હતી જે અગાઉ ક્યારેય કોઈ ઇન્ટરનૅશનલ મૅચમાં નહોતું બન્યું.

ઇંગ્લૅન્ડે (ENGLAND) બૅટિંગ લીધા બાદ ખૂબ જ સારી શરૂઆત કરી હતી. 75 રન બનાવનાર ઓપનર સૉફી ડન્ક્લી અને 66 રન કરનાર સાથી ઓપનર ડૅની વ્યૉટ-હૉજ વચ્ચે પ્રથમ વિકેટ માટે 137 રનની ભાગીદારી થઈ હતી. આ પાર્ટનરશિપ 15.1 ઓવરમાં થઈ હતી અને તેઓ 200-પ્લસનો સ્કોર નોંધાવશે એવી પાકી સંભાવના હતી. જોકે ભારત (INDIA)ની પીઢ સ્પિનર દીપ્તિ શર્માએ પોતાના જ બૉલમાં ડન્ક્લીનો કૅચ ઝીલીને બ્રિટિશ ટીમનો ધબડકો શરૂ કર્યો હતો અને ત્યાર પછી થોડી-થોડી વારે વિકેટ પડવા લાગી હતી. ઇંગ્લૅન્ડે ફક્ત પચીસ બૉલમાં 34 રન બનાવ્યા હતા અને કુલ નવ વિકેટ ગુમાવી દીધી હતી. યજમાન ટીમનો સ્કોર 15.1 ઓવર વખતે 0/137 હતો અને છેવટે 20મી ઓવરને અંતે તેમનો દાવ 9/171 રનના સ્કોર પર પૂરો થયો હતો.

આ પણ વાંચો: ભારતીય મહિલા ક્રિકેટરોને ઇંગ્લૅન્ડમાં હવે બીજી મૅચ આ બે ખેલાડીઓએ જિતાડી…

આંતરરાષ્ટ્રીય મૅચમાં કોઈ ટીમે પચીસ બૉલમાં હરીફ ટીમની નવ વિકેટ લીધી હોય એવું આ પહેલાં ક્યારેય નહોતું બન્યું અને એ વર્લ્ડ રેકૉર્ડ ભારતે પોતાના નામે કર્યો છે.

ભારત શુક્રવારની આ મૅચ છેલ્લા બૉલ પર હારી ગયું હતું. 172 રનના લક્ષ્યાંક સામે ભારતે આખરી બૉલ પર જીતવા છ રન કરવાના હતા. કૅપ્ટન હરમનપ્રીત કૌર અંતિમ બૉલ પર સિક્સર મારવામાં સફળ થવાને બદલે આઉટ થઈ ગઈ હતી અને ભારતની પાંચ રનથી હાર થઈ હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.
Back to top button