એશિયન ચેમ્પિયન ટ્રોફીમાં ઈન્ડિયાનો દબદબોઃ ઈન્ડિયન હૉકી ટીમે જાપાનને પણ હરાવ્યું
હુલુનબુઇર (ચીન): હરમનપ્રીત સિંહની કેપ્ટનશીપમાં ભારતીય પુરૂષ હૉકી ટીમનું એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં વિજયી અભિયાન પણ યથાવત રહ્યું હતું. યજમાન ચીનને હરાવ્યા બાદ ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતે જાપાનને 5-1થી હરાવ્યું અને ગ્રુપ સ્ટેજમાં સતત બીજી જીત નોંધાવી હતી. ભારતની જીતમાં સુખજીતે મહત્વનું યોગદાન આપ્યું હતું, જેણે બે ગોલ કર્યા હતા.
સુખજીતે બીજી અને 60મી મિનિટમાં ગોલ કર્યા હતા જ્યારે અભિષેક (3જી), સંજય (17મી) અને ઉત્તમ સિંહ (54મી) અન્ય ભારતીય સ્કોરર હતા. જાપાન માટે એકમાત્ર ગોલ માત્સુમોટો કાઝુમાસાએ 41મી મિનિટે કર્યો હતો.
ચાર વખતની ચેમ્પિયન ભારતીય ટીમે તેની શરૂઆતની લીગ મેચમાં ચીનને 3-0થી હરાવ્યું હતું, તેને બે પેનલ્ટી કોર્નર મળ્યા હતા, જ્યારે જાપાનની ટીમને પાંચ પેનલ્ટી કોર્નર મળ્યા હતા.
હરમનપ્રીત સિંહના નેતૃત્વ હેઠળની ટીમ બુધવારે પૂર્વ ઉપવિજેતા મલેશિયા સામે ટકરાશે. છ ટીમો વચ્ચેની રાઉન્ડ-રોબિન લીગ બાદ ટોચની ચાર ટીમો 16 સપ્ટેમ્બરે રમાનારી સેમિફાઇનલ માટે ક્વોલિફાય થશે. ફાઈનલ 17 સપ્ટેમ્બરે યોજાશે.