
બર્મિંગહૅમ: 2023ના ઓક્ટોબરમાં રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતની મુખ્ય ક્રિકેટ ટીમે અમદાવાદમાં બાબર આઝમના નેતૃત્વમાં રમવા આવેલી પાકિસ્તાનની ટીમને વન-ડે વર્લ્ડ કપના મુકાબલામાં પછડાટ આપી હતી ત્યાર બાદ હવે ભારતની લેજન્ડ્સ ટીમે પાકિસ્તાનની લેજન્ડ્સ ટીમને ટી-20 જંગમાં શિક્સ્ત આપીને નવ મહિનામાં બીજી વાર પાકિસ્તાનનું નાક કાપ્યું છે.
ઇંગ્લેન્ડમાં છ દેશોના નિવૃત્ત, લેજન્ડરી તેમ જ નેશનલ ટીમની બહાર થઈ ગયેલા ખેલાડીઓ વચ્ચે વર્લ્ડ ચેમ્પિયનશિપ ઑફ લેજન્ડ્સ (ડબલ્યૂસીએલ) રમાઈ હતી. શનિવારે આ સ્પર્ધાની લેજન્ડ્સ હાઈ-વૉલ્ટેજ ફાઇનલમાં ભારતે પાકિસ્તાનને પાંચ બૉલ બાકી રાખીને પાંચ વિકેટના માર્જિનથી હરાવીને ટ્રોફી જીતી લીધી હતી.
યુવરાજ સિંહ ઇન્ડિયા ચેમ્પિયન્સનો અને યુનુસ ખાન પાકિસ્તાન ચેમ્પિયન્સનો કેપ્ટન હતો.
પાકિસ્તાને બૅટિંગ લીધા પછી 20 ઓવરમાં છ વિકેટે 156 રન બનાવ્યા હતા જેમાં શોએબ મલિકના 41 રન, કામરાન અકમલના 24 રન, મકસૂદના 21 રન, તન્વીરના અણનમ 19 રન અને મિસબાહના 18 રન સામેલ હતા. ભારત વતી પેસ બોલર અનુરિત સિંહે ત્રણ વિકેટ તેમ જ ઈરફાન પઠાણ, પવન નેગી અને વિનય કુમારે એક-એક વિકેટ લીધી હતી.
ભારતીય ટીમે 19.1 ઓવરમાં પાંચ વિકેટે 159 રન બનાવીને વિજય મેળવી લીધો હતો. એમાં અંબાતી રાયુડુ (30 બૉલમાં પાંચ સિક્સર, બે ફોરની મદદથી 50 રન), ગુરકીરત સિંહ (33 બૉલમાં એક સિક્સર, બે ફોરની મદદથી 34 રન), યુવરાજ સિંહ (બાવીસ બૉલમાં અણનમ 15) અને યુસુફ પઠાણ (16 બૉલમાં ત્રણ સિક્સર, એક ફોરની મદદથી 30 રન)ના યોગદાન હતા. પાકિસ્તાનના બોલર આમેર યામિને સૌથી વધુ બે વિકેટ લીધી હતી. આ મૅચમાં ઇમ્પેક્ટ પ્લેયરનો નિયમ અપનાવાયો હતો.