સ્પોર્ટસ

ઓસ્ટ્રેલિયાને પાંચમી ટી-૨૦માં ભારતે છ રને હરાવ્યું ૪-૧થી શ્રેણી વિજય

બેંગલૂરુ : ભારતે ઓસ્ટ્રેલિયા સામેની પાંચ મેચની ટી-૨૦ સીરિઝ ૪-૧થી જીતી લીધી હતી. તેઓએ રવિવારે (૩ ડિસેમ્બર) સીરિઝની છેલ્લી મેચ છ રનથી જીતી હતી. બેંગ્લોરના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન મેથ્યુ વેડે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતે ૨૦ ઓવરમાં આઠ વિકેટે ૧૬૦ રન કર્યા હતા. જેના જવાબમાં ઓસ્ટ્રેલિયા ૨૦ ઓવરમાં આઠ વિકેટે ૧૫૪ રન જ કરી શકી હતી.

૧૬૧ રનના લક્ષ્યનો પીછો કરવા ઊતરેલી ઓસ્ટ્રેલિયાની ટીમની શરૂઆત સારી રહી હતી. ટ્રેવિસ હેડે અર્શદીપ સિંહના પ્રથમ ૩ બોલ પર સતત ૩ ચોગ્ગા ફટકાર્યા હતા. ત્રીજી ઓવરમાં મુકેશ કુમારે જોશ ફિલિપ (૪ રન)ને બોલ્ડ કરીને ભારતને પ્રથમ સફળતા અપાવી હતી. જે બાદ રવિ બિશ્નોઈએ ટ્રેવિસ હેડને પેવેલિયન મોકલ્યો હતો.

ટ્રેવિસ હેડે ૧૮ બોલમાં ૨૮ રનની ઇનિંગ રમી હતી. બેન મેકડર્મોટે ૩૬ બોલમાં ૫૪ રનની ઇનિંગ રમી હતી. તેમના સિવાય ટીમ ડેવિડ ૧૭ , મેથ્યુ શાર્ડ ૧૬ રન કરીને આઉટ થયો હતો. ભારત તરફથી રવિ બિશ્નોઈએ ૨, અક્ષર પટેલે ૧ વિકેટ, મુકેશ કુમારે ૩ અને અર્શદીપ સિંહે ૨ વિકેટ ઝડપી હતી. અર્શદીપે છેલ્લી ઓવરમાં ૧૦ રનનો બચાવ કરીને ટીમ ઈન્ડિયાને જીત અપાવી હતી.

અગાઉ બેટ્સમેન શ્રેયસ ઐય્યરે તેની ટી-૨૦ કરિયરની આઠમી અડધી સદી ફટકારીને ભારતને ઓસ્ટ્રેલિયા સામે સન્માનજનક સ્કોર સુધી પહોંચાડ્યું હતું. ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને ૧૬૧ રનનો ટાર્ગેટ આપ્યો છે. ભારતે ૨૦ ઓવરમાં આઠ વિકેટે ૧૬૦ રન કર્યા હતા. ટીમ તરફથી શ્રેયસે સૌથી વધુ ૫૩ રન કર્યા હતા. અક્ષર પટેલે ૨૧ બોલમાં ૩૧ રન કર્યા હતા. જીતેશ શર્માએ ૧૬ બોલમાં ૨૪ રન અને યશસ્વી જયસ્વાલે ૧૫ બોલમાં ૨૧ રનનું યોગદાન આપ્યું હતું. ઋતુરાજ ગાયકવાડ ૧૦, રિંકુ સિંહ છ, સૂર્યકુમાર યાદવ પાંચ રન કરી આઉટ થયા હતા.

ઓસ્ટ્રેલિયા તરફથી જેસન બેહરનડોર્ફ અને બેન ડોર્સિસે બે-બે વિકેટ ઝડપી હતી. એરોન હાર્ડી, નાથન એલિસ અને તનવીર સંઘાને એક-એક સફળતા મળી હતી.

ભારતીય ટીમની શરૂઆત સારી રહી હતી. ટીમ ઈન્ડિયાના ઓપનર યશસ્વી જયસ્વાલ અને ગાયકવાડે પ્રથમ વિકેટ માટે ૪.૩ ઓવરમાં ૩૩ રનની ભાગીદારી કરી હતી. આ પછી ભારતીય બેટ્સમેનો નિયમિત અંતરે આઉટ થયા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button