ભારતે અન્ડર-19માં આયરલૅન્ડને 201 રનથી કચડી નાખ્યું, સુપર સિક્સ રાઉન્ડની લગોલગ

બ્લોમફોન્ટેન: મેન્સ અન્ડર-19 વન-ડે વર્લ્ડ કપમાં ભારતે બીજી મૅચ પણ જીતીને સુપર સિક્સ રાઉન્ડમાં સ્થાન લગભગ પાકું કરી લીધું હતું. ભારતે આયરલૅન્ડને 201 રનથી હરાવી દીધું હતું. મુંબઈનો મુશીર ખાન (118 રન, 106 બૉલ, ચાર સિક્સર, નવ ફોર) મૅન ઑફ ધ મૅચ બન્યો હતો.
ભારતે સાત વિકેટે 307 રન બનાવ્યા પછી આયરિશ ટીમને 29.4 ઓવરમાં માત્ર 100 રનમાં ઑલઆઉટ કરીને 201 રનના તોતિંગ માર્જિનથી વિજય મેળવી લીધો હતો. મુખ્ય પેસ બોલર નમન તિવારીએ ચાર વિકેટ અને લેફ્ટ-આર્મ સ્પિનર સૌમ્ય પાન્ડેએ ત્રણ વિકેટ લીધી હતી. આયરિશ ટીમમાં ડેનિયલ ફૉર્કિન નામના બોલરના 27 રન હાઇએસ્ટ હતા અને બીજો કોઈ બૅટર 20 રન પણ નહોતો બનાવી શક્યો.
હવે ભારતે અમેરિકા સામેની ગ્રૂપ-મૅચ રમવાની છે જે રવિવારે રમાશે. ગ્રૂપ-‘એ’માં ભારત ચાર પૉઇન્ટ સાથે મોખરે છે. 20 જાન્યુઆરીએ ભારતે બાંગલાદેશને 84 રનથી હરાવ્યું હતું.
ગુરુવારની અન્ય એક મૅચમાં ઑસ્ટ્રેલિયાએ ઝિમ્બાબ્વેને 225 રનથી હરાવ્યું હતું. ઑસ્ટ્રેલિયાના 296/7ના સ્કોર સામે ઝિમ્બાબ્વેની ટીમ 71 રનમાં આઉટ થઈ ગઈ હતી. ઝિમ્બાબ્વેના બૅટર્સમાં ભારતીય મૂળના ગુજરાતી ખેલાડી રોનક પટેલના 36 રન હાઇએસ્ટ હતી.