આજની ચેમ્પિયન્સ વિજયી-પરેડ સંબંધમાં જાહેર જનતાને મુંબઈ પોલીસનો અનુરોધ
મુંબઈ: ટી-20 વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ક્રિકેટ ટીમની આજે સાંજે 5.00 વાગ્યાથી નરીમાન પૉઇન્ટ નજીકના એનસીપીએ ખાતેથી (વાયા મરીન ડ્રાઈવ) વાનખેડે સુધીની બે કલાકની જે વિજયી-પરેડ (ઓપન બસ રોડ-શો) યોજાશે એ બાબતમાં કેટલીક સૂચના ઝોન-1, મુંબઈ પોલીસ વતી ડીસીપી પ્રવીણ મુંડેએ જાહેર જનતા માટેના વીડિયોમાં આપી છે.
આ વિજયી-યાત્રા લગભગ બે કલાકની (સાંજે 5.00થી 7.00 સુધીની) હશે.
તેમણે વીડિયોમાં કહ્યું હતું કે ‘જે લોકો આ વિજયી-યાત્રામાં સહભાગી થનાર છે તેમ જ ચેમ્પિયન ખેલાડીઓને જોવા આવવાના છે તેમને વિનંતી છે કે તેમણે સાંજે 4.30 પહેલાં મરીન ડ્રાઇવ પર પહોંચી જવું અને ત્યાં જ ઊભા રહેવું અને કોઈએ પણ રોડ પર આવવું નહીં તેમ જ જંક્શન પરથી જ ક્રોસિંગ કરવું.’
પોલીસ વિભાગ વતી ડીસીપી મુંડેએ સૂચનામાં એવું પણ જણાવ્યું છે કે ‘સાંજે લગભગ 7.00 વાગ્યે વાનખેડે સ્ટેડિયમના મેદાન પર પણ વિજયી પરેડ યોજાવાની છે. ઓપન બસની વિજયી-યાત્રામાં સહભાગી થનાર જાહેર જનતાના લોકો માટે વાનખેડેમાં પહોંચવું કઠિન બનવાનું હોવાથી જે લોકો વાનખેડેમાંની વિજયી-પરેડ માણવા આવવાના છે તેમણે સાંજે 6.00 વાગ્યાની અંદર જ વાનખેડે સ્ટેડિયમના ગેટ ક્રમાંક 4 તથા 5-અ પરથી જ અંદર પ્રવેશવું. લોકોએ આ પ્રસંગે પ્રાઇવેટ વાહનોનો ઉપયોગ ટાળવો તેમ જ પોલીસ અધિકારીઓ તથા પોલીસ કર્મચારીઓ સુરક્ષાના હેતુથી જે નિયમોનું પાલન કરવાની વિનંતી કરે એ પ્રમાણે પાલન કરવું એવો જનતાને અનુરોધ છે.’
મુંબઈ ટ્રાફિક વિભાગ દ્વારા જાહેર જનતાને વિનંતી કરાઈ છે કે ક્રિકેટરોની વિજયી યાત્રા માણવા આવનારા લોકોએ પ્રાઇવેટ વાહનોનો ઉપયોગ કરવાને બદલે રેલવે ટ્રેનમાં મુસાફરી કરવાનો વિકલ્પ જ આપનાવવો.