સ્પોર્ટસ

વર્લ્ડ ચૅમ્પિયન ભારતનો આવતી કાલે સૂર્યા-ગંભીરના શાસનમાં નવા યુગનો આરંભ

સાંજે 7.00 વાગ્યાથી શ્રીલંકા સામે સિરીઝની પ્રથમ ટી-20, ભારત 29માંથી 19 મૅચ જીત્યું છે

પલ્લેકેલ: 29મી જૂને ભારત ટી-20માં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું ત્યાર બાદ ભારતની પૂર્ણ-સ્તરની ટીમ એ વિજેતાપદ બાદ શનિવાર, 27મી જુલાઈએ પહેલી જ વાર મુકાબલા માટે મેદાન પર ઊતરશે. ભારત અને શ્રીલંકા વચ્ચેની ત્રણ મૅચની ટી-20 સિરીઝના આ પ્રથમ મુકાબલા (સાંજે 7.00 વાગ્યાથી લાઇવ) સાથે ભારતીય ક્રિકેટમાં નવા કૅપ્ટન અને નવા હેડ-કોચની નવી જવાબદારીનો આરંભ થશે.

સૂર્યકુમાર યાદવે અગાઉ રોહિત શર્મા તથા હાર્દિક પંડ્યાની ગેરહાજરીમાં સાત ટી-20માં ભારતીય ટીમનું સુકાન સફળતાપૂર્વક સંભાળ્યું હતું, પરંતુ રેગ્યુલર કૅપ્ટન તરીકે તેની આ પહેલી જ સિરીઝ છે. રોહિત ટી-20 ઇન્ટરનૅશનલમાંથી નિવૃત્ત થઈ ગયો છે અને હાર્દિક પંડ્યા માત્ર એક ખેલાડી તરીકે આ શ્રેણીમાં સૂર્યકુમારના સુકાન હેઠળ રમશે. રાહુલ દ્રવિડે હેડ-કોચ તરીકે ભારતીય ટીમને ટી-20માં વર્લ્ડ ચૅમ્પિયન બનાવ્યા બાદ એ પદ પરથી વિદાય લીધી અને ગૌતમ ગંભીર તેનો અનુગામી બન્યો છે.

સૂર્યકુમાર ટી-20નો વર્લ્ડ ચૅમ્પિયન ખેલાડી છે, જ્યારે ગંભીર બે વખત વિશ્ર્વવિજેતા ખેલાડી બની ચૂક્યો છે. 2007ના ટી-20 વર્લ્ડ કપમાં અને 2011ના વન-ડે વર્લ્ડ કપમાં તે રમ્યો હતો. આઇપીએલમાં કૅપ્ટન અને મેન્ટર તરીકે પણ ગંભીરને બહુ સારો અને સફળ અનુભવ છે. તેના સુકાનમાં કોલકાતા નાઇટ રાઇડર્સ બે વાર ટાઇટલ જીત્યું હતું. તેણે લખનઊ સુપર જાયન્ટ્સના મેન્ટર તરીકે એ ટીમને પ્લે-ઑફમાં પહોંચાડી હતી, જ્યારે આ વર્ષે કોલકાતાની ટીમનો મેન્ટર બનીને એને ત્રીજું ટાઇટલ અપાવ્યું હતું.

ગંભીર માટે ટીમ ઇન્ડિયાના સફળ હેડ-કોચ બનવાનું થોડું કઠિન છે, કારણકે રાહુલ દ્રવિડે ટીમ ઇન્ડિયાને વર્લ્ડ ચૅમ્પિયન બનાવીને આ ટીમને કોચિંગ આપવાનું છોડ્યું છે અને ગંભીરે એ સર્વોચ્ચ સ્તરે ટીમને જાળવી રાખવાની છે તેમ જ ત્યાંથી શરૂ કરીને ખેલાડીઓના પર્ફોર્મન્સમાં રહેલી કચાશ દૂર કરીને આગામી મહિનાઓમાં મોટી ટૂર્નામેન્ટો જિતાડવાની છે.
શુભમન ગિલ વાઇસ-કૅપ્ટન છે. તાજેતરમાં જ તેના સુકાનમાં ભારતે ઝિમ્બાબ્વેમાં ટી-20 સિરીઝ 4-1થી જીતી લીધી હતી.
સૂર્યકુમાર અને ગિલને અજિત આગરકરના અધ્યક્ષસ્થાનમાં યુવાન ટીમ મળી છે જે શ્રીલંકાનો એની જ ધરતી પર વ્હાઇટ-વૉશ કરવા સક્ષમ છે.

આ પણ વાંચો : ગૌતમ ગંભીર લાગવગથી કોચ બન્યા છે! આ પૂર્વ પાકિસ્તાની ક્રિકેટએ લગાવ્યો મોટો આરોપ

ટી-20ના વર્લ્ડ નંબર-ટૂ બૅટર સૂર્યકુમાર અને ગિલ ઉપરાંત ભારતની મજબૂત બૅટિંગ લાઇન-અપમાં યશસ્વી જયસ્વાલ, રિન્કુ સિંહ તેમ જ રિયાન પરાગ પણ છે. ભારતીય સ્ક્વૉડમાં બે વિકેટકીપર-બૅટર (રિષભ પંત, સંજુ સૅમસન) છે. બોલિંગમાં જસપ્રીત બુમરાહને આરામ અપાયો છે અને તેની ગેરહાજરીમાં અર્શદીપ સિંહ તથા મોહમ્મદ સિરાજ પોતપોતાની ટૅલન્ટ અને કાબેલિયતથી આક્રમણની જવાબદારી સંભાળશે.

ટીમ ઇન્ડિયા પાસે ઑલરાઉન્ડર્સ હાર્દિક પંડ્યા, શિવમ દુબે અને વૉશિંગ્ટન સુંદર પણ છે તેમ જ સ્પિન-વિભાગમાં અક્ષર પટેલ તથા રવિ બિશ્ર્નોઈ છે જેઓ શ્રીલંકન બૅટર્સને તેમની જ ધરતી પર ભારે પડી શકે.

સનથ જયસૂર્યા શ્રીલંકાનો નવો હેડ-કોચ છે, જ્યારે ટીમનું સુકાન ચરિથ અસલંકાને સોંપાયું છે. તેની ટીમમાં ભૂતપૂર્વ કૅપ્ટન દાસુન શનાકા તેમ જ કુસાલ પરેરા, કુસાલ મેન્ડિસ અને દિનેશ ચંદીમલ જેવા અનુભવીઓ છે. જોકે બે ઉપયોગી પેસ બોલર દુષ્મન્થા ચમીરા બ્રૉન્કાઇટિસની બીમારીને કારણે અને બીજો પેસ બોલર નુવાન થુશારા આંગળીના ફ્રૅક્ચરને કારણે અત્યારથી જ સિરીઝની બહાર થઈ ગયા છે.

બન્ને દેશ વચ્ચેના હેડ-ટુ-હેડ મુકાબલાઓમાં કુલ 29 મૅચ રમાઈ છે જેમાંથી 19માં ભારત અને 9માં શ્રીલંકા જીત્યું છે. એક મૅચ અનિર્ણીત રહી છે.

બેઉ દેશ વચ્ચે કુલ 10 ટી-20 સિરીઝ રમાઈ છે જેમાંથી આઠ ભારત જીત્યું છે, એક શ્રીલંકા જીત્યું છે અને એક શ્રેણી ડ્રૉમાં પરિણમી છે. છેલ્લે 2021માં શ્રીલંકામાં રમાયેલી ટી-20 શ્રેણીમાં ભારતનો 1-2થી પરાજય થયો હતો.

બન્ને દેશની ટીમ
ભારત: સૂર્યકુમાર યાદવ (કૅપ્ટન), શુભમન ગિલ (વાઇસ-કૅપ્ટન), યશસ્વી જયસ્વાલ, રિન્કુ સિંહ, રિયાન પરાગ, રિષભ પંત (વિકેટકીપર), સંજુ સૅમસન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, વૉશિંગ્ટન સુંદર, રવિ બિશ્ર્નોઈ, અર્શદીપ સિંહ, ખલીલ અહમદ અને મોહમ્મદ સિરાજ.

શ્રીલંકા: ચરિથ અસલંકા (કૅપ્ટન), કુસાલ મેન્ડિસ (વિકેટકીપર), દિનેશ ચંદીમલ, અવિષ્કા ફર્નાન્ડો, પથુમ નિસ્સન્કા, કુસાલ પરેરા, વનિન્દુ હસરંગા, કામિન્ડુ મેન્ડિસ, દાસુન શનાકા, ચામિન્ડુ વિક્રમસિંઘે, બિનુરા ફર્નાન્ડો, અસિથા ફર્નાન્ડો, દિલશાન મદુશન્કા, મથીશા પથિરાના, માહીશ થીકશાના અને દુનિથ વેલાલાગે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button