ભારતના પેરા-એથ્લેટ્સે શનિવારે ઇતિહાસ રચ્યો હતો. ભારતીય ખેલાડીઓએ હાંગઝોઉ પેરા એશિયન ગેમ્સમાં પોતાનો 100મો મેડલ જીત્યો છે. ભારતીય પેરા એથ્લેટ્સે પ્રથમ વખત 100 મેડલના આંકને સ્પર્શ કર્યો છે, જે પેરા એશિયન ગેમ્સનું અત્યાર સુધીનું ભારતનું સૌથી સફળ અભિયાન છે કારણ કે આ પહેલા ભારતે એશિયન પેરા ગેમ્સમાં સૌથી વધુ 73 મેડલ જીત્યા હતા.
ગુરુવાર સુધી ભારતીય ખેલાડીઓએ 18 ગોલ્ડ મેડલ, 23 સિલ્વર મેડલ અને 41 બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. તેમજ મેડલ ટેબલમાં ભારત છઠ્ઠા સ્થાને પહોંચી ગયું છે. એવું પણ પહેલીવાર બન્યું છે કે ભારત એશિયન પેરા ગેમ્સના મેડલ ટેબલમાં ટોપ 10માં સ્થાન મેળવ્યું છે. એશિયન પેરા ગેમ્સ 2023માં ભારતીય પેરા એથ્લેટ્સની આ ઐતિહાસિક જીત પર પીએમ મોદીએ X પ્લેટફોર્મ પર તમામ ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા.
એશિયન પેરા ગેમ્સ 2023માં ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું છે અને 100 મેડલ જીતી લીધા છે. દિલીપ ગાવિતે 400 મીટર રેસ ઈવેન્ટમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો છે. આ જીતની સાથે જ ભારતની મેડલ સંખ્યા 100 પર પહોંચી ગઈ છે. ભારતે 100 મેડલમાંથી 25 ગોલ્ડ મેડલ જીત્યા છે.