ભારતે શ્રીલંકા સામે હાથમાં આવેલા વિજયને ટાઇમાં ફેરવી નાખ્યો
શ્રીલંકાના 50 ઓવરમાં 230/8 બાદ ભારતના 47.5 ઓવરમાં 230/10, કૅપ્ટન અસલંકાએ છેલ્લી બે વિકેટ લઈને પરાજય ટાળ્યો
કોલંબો: અહીં શ્રીલંકા સામેની ભારે રસાકસીભરી પ્રથમ વન-ડેમાં ભારતે હાથમાં આવેલો વિજય ગુમાવી દીધો હતો અને દિલધડક ટાઇના પરિણામ સાથે મૅચનો અંત આવ્યો હતો.
શ્રીલંકાનો કૅપ્ટન ચરિથ અસલંકા (8.5-0-30-3) આ મૅચનો સુપર હીરો હતો.
ભારતની ટીમ વિજયની લગોલગ આવી ગઈ હતી. અસલંકાની 48મી ઓવરની શરૂઆતમાં ભારતે જીતવા ફક્ત પાંચ રન બનાવવાના હતા. શિવમ દુબે (પચીસ રન, 24 બૉલ, બે સિક્સર, એક ફોર)એ બે ડૉટ બૉલ બાદ ત્રીજા બૉલમાં ફોર ફટકારી દેતાં બન્ને ટીમનો સ્કોર એકસમાન (230-230) થયો હતો. જોકે ચોથા બૉલમાં ખુદ શિવમ દુબે એલબીડબ્લ્યૂ થયો હતો અને બાજી પલટાઈને શ્રીલંકાના હાથમાં આવી ગઈ હતી. અગિયારમા નંબરનો બૅટર અર્શદીપ સિંહ અવ્વલ દરજ્જાનો બૅટર હોય એ રીતે ઘૂંટણિયે બેસીને અક્રોસ ધ લાઇન આવીને બિગ શૉટ મારવા ગયો હતો અને એલબીડબ્લ્યૂ થયો હતો. એ સાથે, 10મી વિકેટ પડતાં મૅચ ટાઇમાં પરિણમી હતી અને ભારત માત્ર એક રન માટે વિજયથી વંચિત રહી ગયું હતું. ટૂંકમાં, કૅપ્ટન અસલંકાએ બે બૉલમાં છેલ્લી બે વિકેટ લઈને ચમત્કાર કરીને શ્રીલંકાને હારથી બચાવી લીધું હતું.
ભારતને ત્રણ મૅચવાળી સિરીઝમાં 1-0થી સરસાઈ મેળવવાની મોટી તક હતી જે એણે ગુમાવતાં હવે રવિવારે (બપોરે 2.30 વાગ્યાથી) રમાનારી બીજી મૅચ જીતીને સરસાઈ મેળવવી પડશે.
કૅપ્ટન રોહિત શર્મા (58 રન, 47 બૉલ, ત્રણ સિક્સર, સાત ફોર)ની ધમાકેદાર ઇનિંગ્સ તેમ જ વિરાટ કોહલીના 24 રન, કેએલ રાહુલના 31 રન તેમ જ ખાસ કરીને અક્ષર પટેલ (33 રન, 57 બૉલ, એક સિક્સર, બે ફોર)ની ઇનિંગ્સ એળે ગઈ હતી.
અસલંકાની જેમ હસરંગાએ પણ ત્રણ વિકેટ તથા દુનિથ વેલાલાગેએ બે વિકેટ લીધી હતી.
એ પહેલાં, શ્રીલંકાએ બૅટિંગ લીધા બાદ 50 ઓવરમાં આઠ વિકેટે 230 રન બનાવ્યા હતા જેમાં ઓપનર પથુમ નિસાન્કા (56 રન, 75 બૉલ, નવ ફોર) અને દુનિથ વેલાલાગે (67 અણનમ, 65 બૉલ, બે સિક્સર, સાત ફોર)ના સૌથી મોટા યોગદાન હતા. અર્શદીપ અને અક્ષરે બે-બે વિકેટ લીધી હતી. સિરાજ, શિવમ, કુલદીપ અને વૉશિંગ્ટન સુંદરને એક-એક વિકેટ મળી હતી.