સ્પોર્ટસ

ભારત-ચીનની હૉકી ફાઇનલમાં પાકિસ્તાની ખેલાડીઓએ ઔકાત બતાવી…

નવી દિલ્હી: ભારત સાથેની સરહદ પર પાકિસ્તાનના સૈનિકો વર્ષોથી આતંકવાદીઓ મોકલે છે અને પાકિસ્તાન સરકારનું પણ દાયકાઓથી ભારત-વિરોધી વલણ રહ્યું છે અને હવે પાકિસ્તાનના હૉકી ખેલાડીઓએ ભારતને તેમ જ ભારતીય પ્લેયર્સને ઉશ્કેરવા તથા તેમની એકાગ્રતા તોડવા મંગળવારે હૉકી મૅચ દરમ્યાન નફ્ફટાઇનું પ્રદર્શન કર્યું હતું. ચીનમાં મંગળવારે એશિયન ચૅમ્પિયન્સ ટ્રોફી હૉકી સ્પર્ધામાં ભારત અને ચીન વચ્ચે ફાઇનલ ચાલી રહી હતી એ દરમ્યાન પાકિસ્તાનના ખેલાડીઓએ ચીનનો ધ્વજ લહેરાવ્યો હતો.

જોકે ભારતીય ટીમના ખેલાડીઓએ એકાગ્રતા જરાય નહોતી ગુમાવી અને 50મી મિનિટ સુધી બન્ને ટીમ વચ્ચે 0-0ના સ્કોર સાથે જોરદાર રસાકસી થયા બાદ 51મી મિનિટમાં ભારતે ગોલ કરીને છેવટે 1-0થી રોમાંચક વિજય મેળવ્યો હતો. ભારતને ગોલ્ડ અને યજમાન ચીનને સિલ્વર મેડલ મળ્યો હતો.

પાકિસ્તાનના ખેલાડીઓ કોરિયા સામે 5-2થી વિજય મેળવીને બ્રૉન્ઝ મેડલ લઈને ભારત-ચીનની ફાઇનલ જોવા સ્ટેડિયમમાં આવ્યા હતા. પાકિસ્તાની ખેલાડીઓએ ચીનનો ધ્વજ બતાવવા ઉપરાંત ચાઇનીઝ બેજ લગાવ્યા હતા તેમ જ પોતાના ગાલ પર ચીની ધ્વજ પણ રંગાવ્યો હતો.

ભારત વતી ફાઇનલ-વિનિંગ ગોલ કૅપ્ટન હરમનપ્રીત સિંહના અસરદાર પાસિંગ બાદ જુગરાજ સિંહે કર્યો હતો અને સૌ કોઈને ચોંકાવી દીધા હતા.

ભારત આ ટૂર્નામેન્ટમાં અપરાજિત રહ્યું હતું. ભારત પાંચમી વાર આ સ્પર્ધા જીત્યું છે. ટીમના દરેક ખેલાડીને ત્રણ લાખ રૂપિયાનું અને સપોર્ટ સ્ટાફના પ્રત્યેક મેમ્બરને દોઢ લાખ રૂપિયાનું ઇનામ હૉકી ઇન્ડિયા તરફથી જાહેર કરવામાં આવ્યું છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય હૉકી ટીમને ચૅમ્પિયન બનવા બદલ સોશિયલ મીડિયા પર અભિનંદન આપ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button