સ્પોર્ટસ

પીએમ મોદીએ 2036ની ઑલિમ્પિક્સનું યજમાનપદ મેળવવા વિશે કહ્યું…

વારાણસીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)એ ભારપૂર્વક કહ્યું છે કે 2036ની ઑલિમ્પિક ગેમ્સનું યજમાનપદ ભારતને મળે એ માટે કેન્દ્ર સરકાર પૂરી તાકાત સાથે પ્રયત્નશીલ છે.

પીએમ મોદીએ અહીં રવિવારે 72મી સિનિયર નૅશનલ વૉલીબૉલ ચૅમ્પિયનશિપના સમારોહનું વીડિયો કૉન્ફરન્સિંગ મારફત ઉદ્ઘાટન કરતી વખતે એવું પણ કહ્યું હતું કે ` દેશમાં આપણે મોટી ખેલકૂદ સ્પર્ધાઓના આયોજન કરીને આપણા વધુને વધુ ખેલાડીઓ-ઍથ્લીટોને હરીફાઈની પુષ્કળ તકો પૂરી પાડી શકીએ એ માટે સરકાર કટિબદ્ધ છે.’

આશાસ્પદ ઍથ્લીટોને ટૅલન્ટ બતાડવાની તક

મોદીના મતે ` દેશના આશાસ્પદ ઍથ્લીટો ઑલિમ્પિક સ્પોર્ટમાં આગળ વધવા પોતાની ટૅલન્ટ બતાવી શકે તથા પોતાની ક્ષમતાને વિકસાવી શકે એ વિશેની તકો તેમ જ સગવડો પૂરી પાડવા માટે પણ સરકાર શક્ય બધા જ પ્રયાસો કરી રહી છે અને આ બધામાં ખેલો ઇન્ડિયા જેવી સ્કિમ ટૅલન્ટ બહાર લાવવામાં ગેમ-ચૅન્જર બની રહી છે.’

10 વર્ષમાં 20 મોટી સ્પર્ધા યોજી

2030ની કૉમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં યોજાવાની છે અને જો 2036ની ઑલિમ્પિક ગેમ્સ (Olympic Games)નું યજમાનપદ મળશે તો મોટા ભાગે એનું મુખ્ય યજમાન પણ અમદાવાદ જ હશે. વડા પ્રધાને સમારોહને સંબોધતા એવું પણ જણાવ્યું હતું કે ` 2030ની કૉમનવેલ્થ ગેમ્સ ભારતમાં યોજાવાની છે અને 2036ની ઑલિમ્પિક્સનું યજમાનપદ પણ ભારતને મળે એ માટે સરકાર મજબૂત પ્રયાસો કરી રહી છે. ખેલકૂદમાં ભારત પ્રભાવશાળી બની રહ્યું છે જેનો પુરાવો એ છે કે છેલ્લા 10 વર્ષમાં આપણા દેશમાં ફિફા અન્ડર-17 વર્લ્ડ કપ, હૉકી વર્લ્ડ કપ તથા ચેસની મોટી ચૅમ્પિયનશિપ સહિત કુલ 20 મોટી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓનું આયોજન થયું છે.’

આ પણ વાંચો…ઓલિમ્પિક 2036માં 100 મેડલનો લક્ષ્યાંક, જેમાં 10 તો માત્ર ગુજરાતના જ હશે: જય શાહ

ખેલકૂદ માટેનું મૉડેલ ઍથ્લીટોના હિતમાં

પીએમ મોદીના મતે ` ખેલકૂદની બાબતમાં છેલ્લા એક દાયકામાં આપણા જનતાની માનસિકતામાં મોટું પરિવર્તન આવ્યું છે. સરકારે રમતગમતના બજેટમાં મોટો વધારો કર્યો છે. આજે આપણું ખેલકૂદને લગતું મૉડેલ ઍથ્લીટને કેન્દ્રમાં રાખીને, ટૅલન્ટ ખોળી કાઢવા પર ખાસ ધ્યાન આપીને, વૈજ્ઞાનિક ઢબે તાલીમ આપવા પર લક્ષ આપીને તૈયાર કરાયું છે. આપણે ઍથ્લીટોના પોષણ, સિલેક્શન માટેની પારદર્શક પ્રક્રિયા પર પણ ભાર આપી રહ્યા છીએ અને દરેક સ્તરે ખેલાડીઓના હિત સચવાય એની તકેદારી રાખવામાં આવે છે.’

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button