સૅમસન અને સ્પિનરોએ ભારતને અપાવ્યો વિજય
સાઉથ આફ્રિકા સામેની ટી-20 આવતી કાલે સાંજે 7:30 વાગ્યાથી રમાશે
ડરબનઃ અહીં ભારતે શુક્રવારે રાત્રે સાઉથ આફ્રિકા સામેની ચાર મૅચવાળી ટી-20 સિરીઝની પ્રથમ મૅચમાં 61 રનથી વિજય મેળવીને 1-0થી સરસાઈ લીધી હતી. સંજુ સૅમસન (107 રન, 50 બૉલ, દસ સિક્સર, સાત ફોર) આ મૅચનો સુપરસ્ટાર હતો અને તેણે મૅન ઑફ ધ મૅચ અવૉર્ડ જીતી લીધો હતો. ભારતે તાજેતરમાં ન્યૂ ઝીલૅન્ડ સામેની ઉપરાઉપરી ત્રણ ટેસ્ટ હાર્યા બાદ લગભગ એક મહિને પ્રથમ વિજય માણ્યો છે.
ડરબનમાં સૂર્યકુમાર યાદવની કેપ્ટન્સીમાં ભારતે યજમાન ટીમને જીતવા 203 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. એઈડન માર્કરમના સુકાનમાં સાઉથ આફ્રિકાની ટીમ એ મોટા ટાર્ગેટના બોજ નીચે દબાઈ ગઈ હતી. સાઉથ આફ્રિકાની ટીમ 17.5 ઓવરમાં 141 રનના સ્કોર પર ઑલઆઉટ થઈ ગઈ હતી.
Also read: સૅમસનની સુનામી, હાઇ-સ્કોરિંગ મુકાબલામાં ભારતના આઠ વિકેટે 202 રન…
યજમાન ટીમનો એક પણ બૅટર 30 રન પણ નહોતો બનાવી શક્યો. હિનરિચ ક્લાસેનના 25 રન ટીમમાં હાઈએસ્ટ હતા.
સાઉથ આફ્રિકાની ટીમને ખાસ કરીને ભારતના બે સ્પિનર ભારે પડ્યા હતા. વરુણ ચક્રવર્તીએ 25 રનમાં ત્રણ વિકેટ અને રવિ બિશ્ર્નોઈએ 28 રનમાં ત્રણ વિકેટ લીધી હતી. પેસ બોલર આવેશ ખાનને બે અને અર્શદીપ સિંહને એક વિકેટ મળી હતી. વિકેટકીપર સેમસને ઓપનર માર્કરમ (8 રન)નો કૅચ પણ પકડ્યો હતો.
એ પહેલાં, ભારતે બૅટિંગ મળ્યા બાદ 20 ઓવરમાં આઠ વિકેટે 202 રન બનાવ્યા હતા. સંજુ સૅમસન શરૂઆતથી જ છવાઈ ગયો હતો. તે ઉપરાઉપરી બે ટી-20માં સદી ફટકારનારો પ્રથમ ભારતીય બૅટર બન્યો છે. આ પહેલાં તેણે બાંગ્લાદેશ સામેની ટી-20માં સદી ફટકારી હતી. ભારતે બૅટિંગ મળ્યા પછી શરૂઆત સારી નહોતી કરી. ચોથી ઓવરમાં 24 રનના સ્કોર પર અભિષેક શર્મા (7 રન)એ વિકેટ ગુમાવી દીધી હતી. જોકે સૅમસન અને સૂર્યકુમાર (17 બૉલમાં 21 રન) વચ્ચે બીજી વિકેટ માટે 66 રનની ભાગીદારી થઈ હતી. ત્યાર બાદ સૅમસને તિલક વર્મા (18 બૉલમાં 33 રન) સાથે 77 રનની પાર્ટનરશિપ કરી હતી.
એક તબક્કે બે વિકેટે 167 રનનો સ્કોર હતો, પરંતુ 35 રનમાં ભારતે છ વિકેટ ગુમાવી દીધી હતી જેમાં ખાસ કરીને હાર્દિક પંડ્યા (બે રન), રિન્કુ સિંહ (11 રન) અને અક્ષર પટેલ (સાત રન)ની વિકેટ સામેલ હતી. માર્કો યેનસેનની 20મી ઓવર નાટ્યાત્મક બની હતી. પહેલો બૉલ વાઇડ પડ્યા બાદ એ પછીના બૉલમાં અક્ષરે વિકેટ ગુમાવી હતી. ચોથા બૉલમાં અર્શદીપ ક્લીન બોલ્ડ થયો હતો અને તે પૅવિલિયન તરફ જવા લાગ્યો હતો, પરંતુ અમ્પાયરે નો-બૉલનો નિર્ણય આપતાં તે પાછો બૅટિંગમાં આવ્યો હતો. જોકે પાંચમા બૉલમાં યેનસેને જ તેનો કૅચ છોડ્યો હતો અને ઇનિંગ્સના છેલ્લા બૉલમાં રવિ બિશ્નોઈ રનઆઉટ થઈ ગયો હતો.
Also read: સંજુ સેમસને સદી ફટકારીને રચ્યો ઈતિહાસ, આ કારનામું કરનારો બન્યો પ્રથમ ભારતીય ખેલાડી…
સાઉથ આફ્રિકા વતી જેરાલ્ડ કોએટઝીએ ત્રણ વિકેટ તેમ જ યેનસેન, કેશવ મહારાજ, ઍન્કાબૅયોમ્ઝી પીટર અને પૅટ્રિક ક્રુગરે એક-એક વિકેટ લીધી હતી. અહીં યાદ અપાવવાની કે આ વર્ષના જૂનમાં ભારતે બ્રિજટાઉનમાં ટી-20 વર્લ્ડ કપની ફાઇનલમાં સાઉથ આફ્રિકાને હરાવીને તાજ જીતી લીધો હતો. બંને દેશ વચ્ચે હવે બીજી ટી-20 આવતી કાલે કેબેહા (જૂનું નામ પોર્ટ એલિઝાબેથ )માં ભારતીય સમય મુજબ સાંજે 7:30 વાગ્યાથી રમાશે.