સ્પોર્ટસ

શેફાલી-દીપ્તિએ ભારતને સેમિ ફાઇનલમાં પહોંચાડ્યું

યુવા ઓપનરના 81 રન અને પીઢ સ્પિનરની 13 રનમાં ત્રણ વિકેટ, ભારતના 3/178 સામે નેપાળના 9/96

દામ્બુલા: મહિલાઓની એશિયા કપ ટી-20 સ્પર્ધામાં હરમનપ્રીત કૌરના સુકાનમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન ભારતીય ટીમ મંગળવારે નેપાળને 82 રનથી હરાવીને સેમિ ફાઇનલમાં પહોંચી ગઈ હતી. ભારતે 179 રનનો લક્ષ્યાંક આપ્યા બાદ ઇન્દુ બર્માની કૅપ્ટન્સીમાં નેપાળની ટીમ 20 ઓવરમાં વિકેટે નવ વિકેટે ફક્ત 96 રન બનાવી શકી હતી. ઓપનર સીતા રાણાના 18 રન ટીમમાં હાઇએસ્ટ હતા. સ્પિનર દીપ્તિ શર્માએ 13 રનમાં ત્રણ વિકેટ તેમ જ અરુંધતિ રેડ્ડીએ 28 રનમાં બે અને રાધા યાદવે 12 રનમાં બે વિકેટ લીધી હતી.

એ પહેલાં, ભારતે નેપાળ સામેની લીગ મૅચમાં પ્રથમ બૅટિંગ લઈને 20 ઓવરમાં ત્રણ વિકેટે 178 રન બનાવ્યા હતા.
ઓપનર શેફાલી વર્મા (81 રન, 48 બૉલ, એક સિક્સર, બાર ફોર) આ ઇનિંગ્સની સુપરસ્ટાર હતી. તેની અને સાથી-ઓપનર દયાલન હેમલતા (47 રન, 42 બૉલ, એક સિક્સર, પાંચ ફોર) વચ્ચે 14 ઓવરમાં 122 રનની ઓપનિંગ પાર્ટનરશિપ થઈ હતી.

જોકે 122 રનના સ્કોર પર હેમલતાની અને 133મા રને શેફાલીની વિકેટ પડી હતી. ત્યાર બાદ ત્રણ ઓવર પછી સજીવન સજના (12 બૉલમાં 10 રન)ની વિકેટ પડી હતી અને છેલ્લે જેમાઇમા રૉડ્રિગ્સ (28 અણનમ, 15 બૉલ, પાંચ ફોર) તથા અગાઉની મૅચની સ્ટાર રિચા ઘોષ (એક ફોર સાથે છ અણનમ)ની જોડી બાવીસ રનની ભાગીદારી સાથે નૉટઆઉટ રહી હતી.
નેપાળની સાત બોલર્સમાં સીતા રાણાને સૌથી વધુ બે વિકેટ મળી હતી.
મંગળવારે પાકિસ્તાને યુએઇને 10 વિકેટે હરાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button