સ્પોર્ટસ

એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ: 4 બાય 400 મીટર મિક્સ્ડ રિલેમાં ભારતે ચીનને પછાડ્યું, રેકોર્ડ સમયમાં જીત્યો ગોલ્ડ મેડલ

ગુમી (દક્ષિણ કોરિયા): દક્ષિણ કોરિયાના ગુમીમાં 26મી એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2025માં ભારતની 4 બાય 400 મીટર મિક્સ્ડ રિલે ટીમે શાનદાર પ્રદર્શન કરી ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતે વિવિધ ઇવેન્ટ્સમાં 4 સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ જીત્યા બાદ ટુનામેન્ટમાં 28 મે સુધી કુલ આઠ મેડલ જીત્યા હતા. આ મેડલમાં ગુલવીર સિંહનો ગોલ્ડ મેડલ પણ સામેલ છે. ગુલવીર સિંહે મંગળવારે 10,000 મીટર દોડમાં ગોલ્ડ જીત્યો હતો.

ભારતીય ખેલાડીઓ રૂપલ ચૌધરી, સંતોષ કુમાર, વિશાલ ટીકે અને સુભા વેંકટેશને (મિક્સ્ડ રિલે ટીમ) એ 3:18.12 સેકન્ડના સમય સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. ચીનની ટીમ 3:20.52 સેકન્ડના સમય સાથે બીજા સ્થાને રહી હતી, જ્યારે શ્રીલંકાએ 3:21.95 સેકન્ડ સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. અમેરિકામાં રહેતો તેજસ્વિન શંકર ભારત માટે સિલ્વર મેડલ જીતનારાઓમાંનો એક હતો. તેજસ્વિન શંકરે ડેકાથલોનમાં 7618નો સ્કોર કરીને ચીનના ફેઈ ઝિયાંગ (7634) પછી બીજા સ્થાને રહ્યો અને જાપાનના કેઈસુકે ઓકુડા (7602) થી આગળ રહ્યો હતો.

રૂપલે દિવસની શરૂઆતમાં મહિલાઓની 400 મીટર દોડમાં પણ સિલ્વર મેડલ જીત્યો હતો. રૂપલ (400 મીટર) અને પૂજા (1500 મીટર) થોડા અંતરે ગોલ્ડ મેડલ ચૂકી ગયા હતા. બંનેને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો. અગાઉ ભારતના યુનુસ શાહે પુરુષોની 1500 મીટર દોડમાં દેશ માટે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

રૂપલે મહિલાઓની 400 મીટર દોડમાં 52.68 સેકન્ડના સમય સાથે બીજા સ્થાને રહી હતી અને ભારતનો દિવસનો પહેલો મેડલ જીત્યો હતો. આ જ ઇવેન્ટમાં ભારતની વિથ્યા રામરાજ 53.00 સેકન્ડના સમય સાથે પાંચમા સ્થાને રહી હતી.

આ પણ વાંચો: ભારતનો જયઘોષ: એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ગુલવીર સિંહને ગોલ્ડ મળ્યો

જાપાનની નાનાકો માત્સુમોટો (52.17 સેકન્ડ) એ ગોલ્ડ મેડલ જીત્યો જ્યારે ઉઝબેકિસ્તાનની ઝોનબીબી હુકમોવા (52.79 સેકન્ડ) એ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. પૂજાએ મહિલાઓની 1500 મીટર દોડમાં 4 મિનિટ 10.83 સેકન્ડના સમય સાથે ભારતનો બીજો સિલ્વર મેડલ જીત્યો હતો. ભારતની લીલી દાસ 4 મિનિટ 13.81 સેકન્ડના સમય સાથે ચોથા સ્થાને રહીને મેડલ ચૂકી ગઈ હતી.

ચીનની લી ચુનહુઈએ 4 મિનિટ 10.58 સેકન્ડના સમય સાથે ગોલ્ડ મેડલ જીત્યો જ્યારે જાપાનની ટોમોકા કિમુરાએ 4 મિનિટ 11.56 સેકન્ડના સમય સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો, જે સીઝનનું તેનું શ્રેષ્ઠ પ્રદર્શન છે.

રૂપલ 2022માં વર્લ્ડ અંડર-20 એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં બે મેડલ જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી બનીને ઇતિહાસ રચ્યો હતો. તેણીએ 4×400 મીટર રિલેમાં સિલ્વર અને મહિલાઓની 400 મીટર ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. યુનુસ શાહે પુરુષોની 1500 મીટર દોડમાં 3 મિનિટ 43.03 સેકન્ડના સમય સાથે ત્રીજા સ્થાને રહી હતી.

જાપાનની કાઝુટો લિઝાવાએ 3 મિનિટ 42.56 સેકન્ડના વ્યક્તિગત શ્રેષ્ઠ સમય સાથે ગોલ્ડ મેડલ જીત્યો જ્યારે દક્ષિણ કોરિયાની જેઉંગ લી (3 મિનિટ 42.79 સેકન્ડ) બીજા સ્થાને રહી હતી. પહેલા દિવસે ગુલવીરના ગોલ્ડ મેડલ સિવાય સર્વિન સેબેસ્ટિયન પણ 20 કિમી વોક ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

લાંબી કૂદમાં શૈલી સિંહ અને એન્સી સોજન મહિલા ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. શૈલી 6.17 મીટરના પ્રયાસ સાથે 20 ખેલાડીઓમાં ત્રીજા સ્થાને રહી હતી. એન્સીએ 6.14 મીટરના પ્રયાસ સાથે ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. વિઘ્ન દોડમાં જ્યોતિ યારાજીએ 13.18 સેકન્ડના સમય સાથે તેની હીટ (પ્રારંભિક રાઉન્ડ રેસ)માં ત્રીજા સ્થાને રહીને આગલા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button