ટોપ ન્યૂઝનેશનલસ્પોર્ટસ

IND VS ENG Test: ભારતનો 434 રનના ઐતિહાસિક માર્જિનથી વિજય, સિરીઝમાં 2-1ની સરસાઈ

રાજકોટ: ભારતે અહીં ઇંગ્લૅન્ડને ત્રીજી ટેસ્ટમાં ચોથા દિવસે 434 રનના ઐતિહાસિક માર્જિનથી હરાવીને પાંચ મૅચવાળી શ્રેણીમાં 2-1થી સરસાઈ મેળવી લીધી હતી.

યશસ્વી જયસ્વાલે (214 અણનમ, 236 બૉલ, 397 મિનિટ, 12 સિક્સર, 14 ફોર) સતત બીજી ટેસ્ટમાં વિક્રમી ડબલ સેન્ચુરી ફટકારી ત્યાર પછી ભારતીય સ્પિનરોએ બ્રિટિશ બૅટર્સની ખબર લઈ નાખી હતી. રવીન્દ્ર જાડેજા (12.4-4-41-5), કુલદીપ યાદવ (8-2-19-2) અને કમબૅકમૅન આર. અશ્ર્વિન (6-3-19-1)ની સ્પિન-ત્રિપુટીએ કુલ મળીને આઠ વિકેટ લીધી હતી. એક વિકેટ જસપ્રીત બુમરાહે લીધી હતી જ્યારે પ્રથમ દાવમાં 153 રન બનાવનાર બેન ડકેટ બીજા દાવમાં ચાર રને રનઆઉટ થયો હતો.

ઇંગ્લૅન્ડની ટીમ 557 રનના અશક્ય લક્ષ્યાંક સામે સાવ પાણીમાં બેસી ગઈ હતી અને ફક્ત 122 રન પર ઑલઆઉટ થઈ હતી.

ટેસ્ટમાં ભારત રનની ગણતરીએ ટેસ્ટ જીત્યું હોય એમાં 434 રનનો એનો આ હવે સૌથી મોટો માર્જિન છે. રોહિત શર્મા ઍન્ડ કંપનીએ ત્રણ વર્ષ જૂનો 372 રનના માર્જિનનો ભારતીય વિક્રમ તોડ્યો છે. ડિસેમ્બર, 2021માં ભારતે વાનખેડેમાં ન્યૂ ઝીલૅન્ડને 540 રનનો ટાર્ગેટ આપ્યા બાદ એને માત્ર 167 રનમાં આઉટ કરીને 372 રનથી વિજય મેળવ્યો હતો. ત્યારે વિરાટ કોહલી કૅપ્ટન હતો અને મયંક અગરવાલ (150 રન, 62 રન) મૅન ઑફ ધ મૅચ બન્યો હતો.

રનની દૃષ્ટિએ ભારતની આ જીત ટેસ્ટ-વિશ્ર્વની સૌથી મોટી જીતમાં આઠમા નંબરે છે. આ લિસ્ટમાં ઇંગ્લૅન્ડ મોખરે છે. એણે 1928માં બ્રિસ્બેનમાં ઑસ્ટ્રેલિયાને 675 રનના માર્જિનથી હરાવ્યું હતું.

આ વખતની સિરીઝમાં પહેલી મૅચ ઇંગ્લૅન્ડે અને બીજી ટેસ્ટ ભારતે જીતી હતી. હવે ત્રીજી મૅચ જીતીને 2-1ની લીડ મેળવ્યા પછી ભારત બાકીની બે મૅચમાંથી એક મુકાબલો જીતીને ટ્રોફી મેળવી શકશે.

ત્રીજી લગભગ આખી ટેસ્ટમાં ભારતીય ખેલાડીઓનું વર્ચસ રહ્યું હતું. પહેલાં તો ઇંગ્લૅન્ડની ટીમે બોલિંગમાં જોઈએ એવું પર્ફોર્મ ન કર્યું અને પછી બૅટિંગમાં સારી શરૂઆતમાં કચાશ બતાવીને છેવટે પરાજય વહોરી લીધો.

રવિવારના ચોથા દિવસે ભારતના બોલિંગ આક્રમણનો ઇંગ્લૅન્ડનો એક પણ બૅટર વળતો જવાબ નહોતો આપી શક્યો. શરમની વાત એ છે કે અગાઉ એક જ હાફ સેન્ચુરી ફટકારી શકનાર ફાસ્ટ બોલર માર્ક વૂડે જે 33 રન બનાવ્યા હતા એ બ્રિટિશ ટીમમાં હાઇએસ્ટ હતા.

યશસ્વી જયસ્વાલે બીજા દાવમાં જે અણનમ 214 રન બનાવ્યા એમાં 12 સિક્સર સામેલ હતી. તેણે એક ટેસ્ટ-દાવમાં સૌથી વધુ 12 છગ્ગા ફટકારવાના વસીમ અકરમના 1996ના વર્લ્ડ રેકૉર્ડની બરાબરી કરી હતી. જોકે ભારતીય બૅટર્સમાં યશસ્વીએ નવજોતસિંહ સિધુનો વિક્રમ પાર કર્યો હતો. સિધુએ 1994માં લખનઊમાં શ્રીલંકા સામેની ટેસ્ટના એક દાવમાં આઠ સિક્સરની મદદથી 124 રન બનાવ્યા હતા.
હવે શુક્રવારે રાંચીમાં ચોથી ટેસ્ટ શરૂ થશે. રાજકોટની જેમ રાંચીમાં પણ ભારત એકેય ટેસ્ટ નથી હાર્યું અને એ જોતાં ભારતને રાંચીમાં જ સિરીઝ જીતી લેવાનો સારો મોકો છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ 1-2 નહીં પૂરા આટલા બાળકોની માતા છે આ Bollywood Actress