ઝિમ્બાબ્વે સામેની બીજી ટી-20માં ભારતે બૅટિંગ લીધી, ગિલ-ઇલેવનમાં એક ફેરફાર
હરારે: ભારતે અહીં ઝિમ્બાબ્વે સામેની પાંચ મૅચવાળી ટી-20 સિરીઝમાં શનિવારે પ્રથમ મૅચમાં આંચકો સહન કરવો પડ્યો ત્યાર બાદ આજે જ નિર્ધારિત થયેલી બીજી મૅચમાં ટૉસ જીતીને બૅટિંગ પસંદ કરી હતી.
ભારતે ટૉપ-ઑર્ડર બૅટર સાંઇ સુદર્શનને ઇલેવનમાં સમાવીને પેસ બોલર ખલીલ અહમદને આરામ આપ્યો છે. યજમાન ઝિમ્બાબ્વેની ટીમમાં કોઈ ફેરફાર નથી કરાયો.
સાંઇ સુદર્શનને ભારત વતી ડેબ્યૂ કરવાની તક મળી છે.
ગયા શનિવારે (29મી જૂને) બાર્બેડોઝમાં રોહિત શર્માના નેતૃત્વમાં ભારતની ટીમે ટી-20નો વર્લ્ડ કપ જીતીને ભારતને અનેરું ગૌરવ અપાવ્યું હતું. જોકે બરાબર અઠવાડિયા બાદ (6ઠ્ઠી જુલાઈએ) હરારેમાં શુભમન ગિલના સુકાનમાં ભારતીય ટીમે શ્રેણીની પહેલી જ મૅચમાં પરાજય જોવો પડ્યો હતો.
શનિવારે લો-સ્કોરિંગ મુકાબલામાં સિકંદર રઝાની ટીમ 20 ઓવરમાં નવ વિકેટે ફક્ત 115 રન બનાવી શકી હતી. જોકે ભારતીય ટીમ 19.5 ઓવરમાં માત્ર 102 રનના સ્કોરે ઑલઆઉટ થઈ જતાં બિન-અનુભવી ખેલાડીઓવાળા ઝિમ્બાબ્વેનો 13 રનથી રોમાંચક અને યાદગાર વિજય થયો હતો.
ખુદ કૅપ્ટન ગિલે પરાજયની જવાબદારી સ્વીકારી હતી અને કહ્યું હતું કે ‘અમે 116 રનના નીચા ટાર્ગેટ સામે હારી ગયા એનું મને દુ:ખ છે. મારે છેક સુધી ક્રીઝ પર ટકી રહેવું જોઈતું હતું.’
ભારતીય ટીમમાં આઇપીએલ-2024ના સ્ટાર બૅટર્સ અભિષેક શર્મા, ઋતુરાજ ગાયકવાડ, રિયાન પરાગ, રિન્કુ સિંહ વગેરેનો સમાવેશ છે.