ભારતીય ક્રિકેટરોનો બાંગ્લાદેશ પ્રવાસ આટલા મહિના માટે મોકૂફ…

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટરો વન-ડે તેમ જ ટી-20 સિરીઝ રમવા માટે આગામી ઑગસ્ટમાં બાંગ્લાદેશના પ્રવાસે (tour) જવાના હતા, પણ બીસીસીઆઇ (BCCI) અને બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) એવા એકમત પર આવ્યા છે જે મુજબ ટીમ ઇન્ડિયાનો આ પ્રવાસ હવે સપ્ટેમ્બર, 2026 સુધી (13 મહિના માટે) મુલતવી રાખવામાં આવ્યો છે.
બાંગ્લાદેશમાં રાજકીય સ્થિતિ ઘણા મહિનાઓથી તંગ છે અને એ દેશના નાગરિકોના અમુક વર્ગમાં ભારત-વિરોધી સૂર હોવાના અહેવાલો પણ મળ્યા છે જે જોતાં ક્રિકેટરોને ત્યાં મોકલવામાં જોખમ હતું. બીસીસીઆઇનો આગ્રહ છે કે બાંગ્લાદેશમાં આગામી સામાન્ય ચૂંટણી (ELECTION) થઈ ગયા બાદ પરિસ્થિતિ શાંત પડે અને ક્રિકેટરોની સલામતી માટેનો માહોલ સર્જાય ત્યાર પછી જ ટીમ ઇન્ડિયાને ઢાકા મોકલવામાં આવશે.
મૂળ શેડયૂલ મુજબ ભારતીય ક્રિકેટરો બાંગ્લાદેશમાં 17-31 ઑગસ્ટ દરમ્યાન ત્રણ વન-ડે અને ત્રણ ટી-20 રમવાના હતા. હવે એ બે શ્રેણી સપ્ટેમ્બર, 2026માં રમાશે. બાંગ્લાદેશમાં આગામી ચૂંટણી 2026ની સાલ પહેલાં નહીં યોજાય એવી સંભાવના છે. હાલમાં બાંગ્લાદેશમાં મુહમ્મદ યુનુસની કાર્યકારી સરકારનું શાસન છે.
રોહિત શર્મા અને વિરાટ કોહલી ટી-20 તેમ જ ટેસ્ટમાંથી રિટાયર થઈ ગયા છે અને ફક્ત વન-ડે મૅચો જ રમશે. હવે ઑગસ્ટનો બાંગ્લાદેશ પ્રવાસ મોકૂફ થયો હોવાથી રોહિત-વિરાટ સીધા ઑક્ટોબર, 2025માં પર્થમાં ઑસ્ટ્રેલિયા સામેની વન-ડેમાં જોવા મળશે.