ટીમ ઇન્ડિયા માટે દિલ્હીમાં ‘રેડ અલર્ટ’, જાણો શા માટે…
નવી દિલ્હી: ભારત ટી-20 ઇન્ટરનૅશનલમાં બાંગ્લાદેશ સામે 15 મૅચ રમ્યું છે જેમાંથી 14 જીત્યું છે, પરંતુ જે એકમાત્ર મૅચમાં ભારતીય ટીમે પરાજય જોવો પડ્યો એ મૅચ દિલ્હીમાં રમાઈ હતી અને બુધવાર, 9મી ઑક્ટોબરે (સાંજે 7.00થી) બન્ને દેશ વચ્ચે સિરીઝનો બીજો મુકાબલો આ જ સ્થળે થવાનો હોવાથી ટીમ ઇન્ડિયાએ આ મુકાબલામાં ખાસ કાળજી રાખીને રમવું પડશે.
2019ની ત્રીજી નવેમ્બરે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રોહિત શર્માના સુકાનમાં ભારતનો મહમુદુલ્લાની કૅપ્ટન્સીમાં રમતી બાંગ્લાદેશની ટીમ સામે ત્રણ બૉલ બાકી રહી જતાં સાત વિકેટના માર્જિનથી પરાજય થયો હતો. બાંગ્લાદેશના આઠ બોલરના આક્રમણ વચ્ચે ભારતીય ટીમ છ વિકેટે 148 રન બનાવી શકી હતી જેમાં એકેય ભારતીયની હાફ સેન્ચુરી નહોતી. શિખર ધવનના 41 રન એમાં હાઈએસ્ટ હતા અને ધવન હવે નિવૃત્ત થઈ ચૂક્યો છે. બાંગ્લાદેશે વિકેટકીપર મુશ્ફીકુર રહીમના અણનમ 60 રનની મદદથી 19.3 ઓવરમાં ત્રણ વિકેટે 154 રન બનાવ્યા હતા અને માંડ-માંડ જીત્યું હતું.
જોકે આ વખતે વાત અલગ છે. સૂર્યકુમાર યાદવના સુકાનમાં રમતી ભારતીય ટીમમાં આઇપીએલ સ્પેશિયાલિસ્ટ ખેલાડીઓ છે અને એમાંના મોટા ભાગના પ્લેયર મૅચ-વિનર બની શકે છે એટલે બાંગ્લાદેશ માટે દિલ્હીમાં જ ફરી જીતવું એટલે ‘દિલ્હી બહોત દૂર’ જેવું કહી શકાય.
આ પણ વાંચો : બાંગ્લાદેશને સસ્તામાં ઘરભેગું કરનારા ઈન્ડિયન બોલરે આપ્યું નિવેદન કે, જાણે પુનર્જન્મ લીધો…
સૂર્યાના સુકાનમાં ભારતીય ટીમ રવિવારે ગ્વાલિયરમાં 49 બૉલ બાકી રાખીને સાત વિકેટે જીતીને ત્રણ મૅચની શ્રેણીમાં 1-0થી આગળ થઈ ગઈ છે અને બુધવારે ફરી જીતીને 2-0થી વિજયી સરસાઈ મેળવી શકશે.
રવિવારની પ્રથમ ટી-20માં ભારતીય ટીમે પ્રવાસી ટીમ પર સંપૂર્ણ પ્રભુત્વ મેળવ્યું હતું. રિષભ પંત, અક્ષર પટેલ અને જસપ્રીત બુમરાહની ગેરહાજરી છતાં ભારતીય ટીમમાં બૅટિંગ અને બોલિંગ, બન્નેમાં ડેપ્થ છે જે બાંગ્લાદેશને ભારત સામેના ટી-20 ઇતિહાસમાં ફક્ત બીજા વિજયથી વંચિત રાખી શકે.
વિકેટકીપર-બૅટર સંજુ સૅમસન સામાન્ય રીતે મિડલ-ઑર્ડરમાં બૅટિંગ કરતો હોય છે, પરંતુ રવિવારે તેને ઓપનિંગની નવી જવાબદારી અપાઈ હતી જેમાં તેણે પ્રમાણમાં સારું પર્ફોર્મ કર્યું હતું, પરંતુ અભિષેક શર્મા (16 રન, સાત બૉલ, એક સિક્સર, બે ફોર)ની જેમ ટી-20ના ફૉર્મેટને છાજે એવું પર્ફોર્મ નહોતો કરી શક્યો. સૅમસને 19 બૉલમાં છ ફોરની મદદથી 29 રન બનાવ્યા હતા. તેનું અને કૅપ્ટન સૂર્યકુમાર (29 રન, 14 બૉલ, ત્રણ સિક્સર, બે ફોર)નું એકસરખું યોગદાન હતું. જોકે સૅમસનના 152.63ના સ્ટ્રાઇક-રેટ સામે સૂર્યાનો સ્ટ્રાઇક-રેટ 207.14 હતો.
હાર્દિક પંડ્યા (39 અણનમ, 16 બૉલ, બે સિક્સર, પાંચ ફોર)એ ધમાકેદાર બૅટિંગથી ભારતને વહેલી જીત અપાવી દીધી હતી. 128 રનના લક્ષ્યાંક સામે ભારતે 11.5 ઓવરમાં ત્રણ વિકેટે 132 રન બનાવ્યા હતા.
જો કોઈ પ્લેયરને પ્રૅક્ટિસમાં ઈજા નહીં નડી હોય તો કૅપ્ટન સૂર્યકુમાર યાદવ અને હેડ-કોચ ગૌતમ ગંભીર સહિતનું ટીમ-મૅનેજમેન્ટ રવિવારની જ મૅચ-વિનિંગ ઇલેવન જાળવી રાખશે. દેશના ફાસ્ટેસ્ટ બોલર મયંક યાદવે (4-1-21-1) હરીફ બૅટર્સ પર પ્રેશર જાળવી રાખ્યું હતું. અર્શદીપ સિંહે (3.5-0-14-3) પેસ પાવરની મદદથી
પેસ-આક્રમણની આગેવાની સંભાળી હતી. સ્પિનર વરુણ ચક્રવર્તી (4-0-31-3)એ ટી-20 ઇન્ટરનૅશનલમાંથી નિવૃત્ત થઈ ચૂકેલા રવીન્દ્ર જાડેજા અને આરામ ફરમાવી રહેલા અક્ષર પટેલ તથા કુલદીપ યાદવની ખોટ નહોતી વર્તાવા દીધી.
બાંગ્લાદેશ માટે નબળી બૅટિંગ સૌથી મોટી ચિંતા છે. વરિષ્ઠ બૅટર લિટન દાસ (વિકેટકીપર) અને મહમુદુલ્લા અસરદાર રમશે તો જ ભારતને બાંગ્લાદેશની ટીમ ટક્કર આપી શકશે.