ભારત અને ઑસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટરો કેમ હાથ પર કાળી પટ્ટી પહેરીને રમે છે?

નવી મુંબઈઃ ડી. વાય. પાટીલ સ્ટેડિયમમાં ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે મહિલા વન-ડે વર્લ્ડ કપની સેમિ ફાઇનલ ચાલી રહી છે જેમાં બન્ને ટીમની ખેલાડીઓ હાથ પર કાળી પટ્ટી (Black armband) પહેરીને રમી અને એનું કારણ એ છે કે તેમણે મંગળવારે મેલબર્નમાં રમતી વખતે ગરદન પર બૉલ વાગવાને પગલે મૃત્યુ પામેલા 17 વર્ષની ઉંમરના બેન ઑસ્ટિન (Ben Austin)ને અંજલિ આપવા હાથ પર કાળી પટ્ટી પહેરી છે.
ટીનેજર ઑસ્ટિનનું મૃત્યુ કેવી રીતે થયું?
ટીનેજર બેન ઑસ્ટિનને મેલબર્નમાં મંગળવારે સાંજે પાંચ વાગ્યે ફર્નટ્રી ગલી ક્રિકેટ ક્લબના પ્રૅક્ટિસ સેશન દરમ્યાન ગરદનમાં બૉલ વાગ્યો હતો. તેણે હેલ્મેટ પહેરી હતી, પણ ગરદનના રક્ષણ માટે નેક ગાર્ડનો ઉપયોગ નહોતો કર્યો.
વૅન્ગર તરીકે ઓળખાતા બૉલ-થ્રોઇંગ ડિવાઇસની મદદથી ફેંકવામાં આવેલો એક બૉલ તેને ગરદન પર વાગ્યો હતો. આ પ્રકારના ડિવાઇસમાં બોલર હાથમાં બૉલ-લૉન્ચર પકડે છે અને એમાં ગોઠવેલો બૉલ બૅટ્સમૅન તરફ ફેંકે છે. બેનની તાબડતોબ તબીબી સારવાર શરૂ કરવામાં આવી હતી.
આપણ વાચો: મહિલા વર્લ્ડ કપ: યજમાન ભારત અને નંબર વન ઑસ્ટ્રેલિયા વચ્ચે રવિવારે ટક્કર…
તરત જ તેને હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. તેને લાઇફ સપોર્ટ સિસ્ટમ પર પર રાખવામાં આવ્યો હતો. ઘણી વાર સુધી તે વેન્ટિલેટર પર હતો, પરંતુ ગરદનમાં તથા માથાની નજીકના ભાગમાં ઈજા એટલી બધી ગંભીર હતી કે મોડી સાંજે તેણે છેલ્લો શ્વાસ લીધો હતો. તે આ તાલીમ લીધા બાદ એક ટી-20 મૅચમાં રમવાનો હતો. તેના સાથી ખેલાડીઓની નજર સામે તેને આ ઈજા થઈ હતી અને તમામ લોકો સ્તબ્ધ થઈ ગયા હતા.
ફર્નટ્રી ગલી ક્રિકેટ ક્લબના સત્તાધીશોએ બહાર પાડેલા નિવેદનમાં જણાવ્યું હતું, ` બેન ઑસ્ટિન બહુ જ સારો ખેલાડી હતો. તે સારો લીડર પણ હતો અને મિત્રતાની ભાવનાવાળો હતો. અમને બેનની ખોટ હંમેશાં વર્તાશે.’

આપણ વાચો: બે ટેસ્ટ ઇંગ્લૅન્ડ સામે અને બે ભારત વિરુદ્ધ રમનાર ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ફાસ્ટેસ્ટ બોલરનું અવસાન
ફિલ હ્યુઝની જીવલેણ ઘટના પછી બીજો બનાવ
17 વર્ષીય બેન ઑસ્ટિનના પિતા જેસ ઑસ્ટિને બહાર પાડેલા નિવેદનમાં જણાવ્યું હતું, ` અમારા બ્યૂટિફુલ બેનના મૃત્યુથી અમે સૌ સ્તબ્ધ છીએ. આ ટ્રૅજેડીએ અમારો વહાલસોયો દીકરો છીનવી લીધો. ટ્રૅસી (મારી પત્ની) અને અમારા ત્રણેય બાળકોમાં બેન બધાને ખૂબ પ્રિય હતો.
અમારા પરિવાર અને મિત્રોમાં બેન એક ઝળહળતો સિતારો હતો. અમે એક વાત હંમેશાં યાદ રાખીશું કે અમારા પ્રિય બેને સાથીઓની વચ્ચે પોતાની મનપસંદ રમત રમતી વખતે આ દુનિયામાંથી વિદાય લીધી. તેને ક્રિકેટની રમત ખૂબ ગમતી હતી અને જીવનમાં એ રમત તેને ખૂબ આનંદ અપાવતી હતી.
જે બોલરે મારા દીકરાને બૉલ-લૉન્ચરની મદદથી બૉલ ફેંક્યો હતો તેની સામે અમને કોઈ જ ફરિયાદ નથી. હકીકતમાં આ ટ્રૅજેડીએ બે યુવાન ખેલાડીઓને અસર કરી જેમાંથી એક મારો દીકરો જે મૃત્યુ પામ્યો અને બીજાને માનસિક આઘાત પહોંચ્યો. એ બોલર અને તેના પરિવાર પ્રત્યે અમને ખૂબ સહાનુભૂતિ છે.’
ફિલ હ્યુઝની જીવલેણ ઘટના પછી બીજો બનાવ
2014માં ઑસ્ટ્રેલિયાના જાણીતા ઓપનિંગ બૅટ્સમૅન ફિલ હ્યુઝને શેફીલ્ડ શીલ્ડ ટૂર્નામેન્ટની સિડનીની એક મૅચમાં બૅટિંગ દરમ્યાન (કાન નજીક) માથા પર બૉલ વાગતાં તાબડતોબ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પચીસ વર્ષનો હ્યુઝ બે દિવસ સુધી જીવન-મરણ વચ્ચે ઝઝૂમ્યો હતો અને છેવટે તેનું મૃત્યુ થયું હતું.



