વલસાડ અને અમદાવાદના ખેલાડીઓએ બ્રિસ્બેનમાં ભારતને અપાવ્યો જ્વલંત વિજય | મુંબઈ સમાચાર
સ્પોર્ટસ

વલસાડ અને અમદાવાદના ખેલાડીઓએ બ્રિસ્બેનમાં ભારતને અપાવ્યો જ્વલંત વિજય

બ્રિસ્બેનઃ મુંબઈ અન્ડર-19 ટીમ વતી રમી ચૂકેલો વિકેટકીપર-બૅટ્સમૅન અભિજ્ઞાન કુન્ડુ (બે કૅચ અને પછીથી 74 બૉલમાં પાંચ સિક્સર, આઠ ફોરની મદદથી અણનમ 87 રન) બ્રિસ્બેનમાં રવિવારે ઑસ્ટ્રેલિયા અન્ડર-19 સામેના વન-ડે મુકાબલામાં મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર જીત્યો હતો, પરંતુ આ વિજયમાં ગુજરાતના બે ખેલાડીઓની પણ મહત્ત્વની ભૂમિકા હતી. વલસાડના પેસ બોલર હેનિલ પટેલ (Henil Patel) અને અમદાવાદના રાઇટ-હૅન્ડ બૅટ્સમૅન વેદાંત ત્રિવેદી (Vedant Trivedi)એ ભારતનો વિજય વધુ આસાન બનાવ્યો હતો. ઇન્ડિયા અન્ડર-19 (Under-19) ટીમે યજમાન ટીમ સામે 117 બૉલ બાકી રાખીને સાત વિકેટના માર્જિનથી વિજય અપાવ્યો હતો.

ડોમેસ્ટિક ક્રિકેટમાં ગુજરાતની ટીમ વતી રમતા વલસાડના હેનિલ પટેલે 38 રનમાં ત્રણ વિકેટ લેવા ઉપરાંત એક કૅચ પણ ઝીલ્યો હતો. અમદાવાદનો વેદાંત ત્રિવેદી પણ ડોમેસ્ટિકમાં ગુજરાત વતી રમે છે. તેણે 69 બૉલમાં આઠ ફોરની મદદથી અણનમ 61 રન કર્યા હતા.

ઇન્ડિયા અન્ડર-19 ટીમ સામે વિલ મૅલઝૂકના સુકાનમાં ઑસ્ટ્રેલિયા અન્ડર-19 ટીમે બૅટિંગ લીધી હતી અને કિશન કુમારની પહેલી જ ઓવરમાં બન્ને ઓપનર ઍલેક્સ ટર્નર (0) અને વિકેટકીપર સાયમન બજ (0)ની વિકેટ ગુમાવી દીધી હતી. જૉન જેમ્સના અણનમ 77 રનની મદદથી ઑસ્ટ્રેલિયન ટીમ નવ વિકેટે 225 રન કરી શકી હતી. રાજસ્થાનના કનિષ્ક ચૌહાણે પણ બે વિકેટ લઈને ભારતને વિજયની દિશા અપાવી હતી

ત્રિવેદી-કુન્ડુ વચ્ચે 152ની ભાગીદારી

ઇન્ડિયા અન્ડર-19 ટીમે 30.3 ઓવરમાં ત્રણ વિકેટે 227 રન કરીને મૅચ જીતી લીધી હતી. વેદાંત ત્રિવેદી અને કુન્ડુ વચ્ચે ચોથી વિકેટ માટે 152 રનની અતૂટ ભાગીદારી થઈ હતી.

વૈભવ સૂર્યવંશીનું 38 રનનું યોગદાન

14 વર્ષના લેફ્ટ-હૅન્ડ ઓપનર બૅટ્સમૅન વૈભવ સૂર્યવંશીએ બાવીસ બૉલમાં એક સિક્સર તથા સાત ફોરની મદદથી 38 રન કરીને બૅટિંગમાં જીતનો પાયો નાખ્યો હતો. ઑસ્ટ્રેલિયા અન્ડર-19 ટીમના છ બોલર ભારતીય બૅટિંગ લાઇન-અપ સામે નબળા સાબિત થયા હતા.

આ પણ વાંચો : 14 વર્ષના વૈભવ સૂર્યવંશીની PM Modi સાથે મુલાકાત, જાણો શું કર્યું?

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button