ભારત-ઑસ્ટ્રેલિયાની મેન્સ ટીમે પણ કાળી પટ્ટી પહેરીને ઑસ્ટિનને અંજલિ આપી

મેલબર્નઃ ભારત (India) અને ઑસ્ટ્રેલિયા (Australia)ની મેન્સ ટીમના ખેલાડીઓ શુક્રવારે અહીં સિરીઝની બીજી ટી-20 (T-20)માં મેલબર્નના ટીનેજ ખેલાડી બેન ઑસ્ટિનને અંજલિ આપવા હાથ પર કાળી પટ્ટી પહેરીને રમ્યા હતા.
17 વર્ષીય ટીનેજર બેન ઑસ્ટિનને મેલબર્નમાં મંગળવારે સાંજે પાંચ વાગ્યે ફર્નટ્રી ગલી ક્રિકેટ ક્લબના પ્રૅક્ટિસ સેશન દરમ્યાન ગરદનમાં બૉલ વાગ્યો હતો. તેણે હેલ્મેટ પહેરી હતી, પણ ગરદનના રક્ષણ માટે નેક ગાર્ડનો ઉપયોગ નહોતો કર્યો. વૅન્ગર તરીકે ઓળખાતા બૉલ-થ્રોઇંગ ડિવાઇસની મદદથી ફેંકવામાં આવેલો એક બૉલ તેને ગરદન પર વાગ્યો હતો. આ પ્રકારના ડિવાઇસમાં બોલર હાથમાં બૉલ-લૉન્ચર પકડે છે અને એમાં ગોઠવેલો બૉલ બૅટ્સમૅન તરફ ફેંકે છે.
આ પણ વાંચો : ભારત અને ઑસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટરો કેમ હાથ પર કાળી પટ્ટી પહેરીને રમે છે?
બૉલ વાગતાં જ બેનને હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. તેને લાઇફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યો હતો. ઘણી વાર સુધી તે વેન્ટિલેટર પર હતો, પરંતુ ગરદનમાં તથા માથાની નજીકના ભાગમાં ઈજા એટલી બધી ગંભીર હતી કે મોડી સાંજે તેણે છેલ્લો શ્વાસ લીધો હતો. તે આ તાલીમ લીધા બાદ એક ટી-20 મૅચમાં રમવાનો હતો. તેના સાથી ખેલાડીઓની નજર સામે તેને આ ઈજા થઈ હતી અને તમામ લોકો સ્તબ્ધ થઈ ગયા હતા.
ગુરુવારે નવી મુંબઈના ડી. વાય. પાટીલ સ્ટેડિયમમાં ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે મહિલા વન-ડે વર્લ્ડ કપની જે સેમિ ફાઇનલ રમાઈ હતી એમાં પણ તમામ ખેલાડીઓ ઑસ્ટિનને અંજલિ આપવા હાથ પર કાળી પટ્ટી પહેરીને રમી હતી. ઑસ્ટિને હેલ્મેટ પહેરી હતી, પરંતુ ગરદનમાં નેક ગાર્ડ નહોતું પહેર્યું એ અહેવાલ ફેલાતાં ઘણા દેશોમાં સ્થાનિક સ્તરે યુવાન ખેલાડીઓ માટે નેક ગાર્ડ પહેરવું ફરજિયાત બનાવાઈ રહ્યું છે.
 
 
 
 


