વિરાટને વધુ એક સેન્ચુરી ઍડિલેઇડમાં બનાવશે અવ્વલ, જાણો કેવી રીતે…
વરસાદની આગાહી વચ્ચે શુક્રવારે સવારે 9.30 વાગ્યાથી ભારત-ઑસ્ટ્રેલિયાની પિન્ક બૉલ ડે/નાઇટ ટેસ્ટ

ઍડિલેઇડઃ ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસકર ટ્રોફી ટેસ્ટ સિરીઝમાં આવતી કાલે (શુક્રવાર, છઠ્ઠી ડિસેમ્બરે સવારે 9.30 વાગ્યાથી) બીજી ટેસ્ટ શરૂ થશે. આ ડે/નાઇટ ટેસ્ટ છે જે પિન્ક બૉલથી રમાશે. આ મૅચ વિરાટ કોહલી માટે બે રીતે અભૂતપૂર્વ બની શકે. શુક્રવારના પ્રથમ અને બીજા દિવસે વરસાદ પડવાની આગાહી છે.
વિરાટ કોહલીએ પર્થની પ્રથમ ટેસ્ટના બીજા દાવમાં અણનમ 100 રન બનાવ્યા હતા અને ત્યાર બાદ ભારતે એ મૅચ 295 રનના તોતિંગ માર્જિનથી જીતી લીધી હતી. જો વિરાટ ઍડિલેઇડમાં પણ સદી ફટકારશે તો એક જ વિદેશી ધરતી પર (એક જ દેશમાં) સૌથી વધુ ટેસ્ટ-સદી ફટકારવાના ડૉન બૅ્રડમૅનના વિશ્વવિક્રમની તે બરાબરી કરી લેશે. ઑસ્ટ્રેલિયાના મહાન ખેલાડી બૅ્રડમૅને ઇંગ્લૅન્ડમાં 11 ટેસ્ટ સદી ફટકારી હતી. વિરાટ કોહલીની ઑસ્ટ્રેલિયામાં 10 સેન્ચુરી છે અને વધુ એક સદી તેને 11મી સદીના વિક્રમજનક આંકડા પર પહોંચાડશે અને તે બૅ્રડમૅનની હરોળમાં આવી જશે.
બીજું, ઍડિલેઇડમાં સૌથી વધુ ટેસ્ટ સદી ફટકારનાર વિદેશી ખેલાડીઓમાં ઇંગ્લૅન્ડના જૅક હૉબ્સનું નામ મોખરે છે. તેમના નામે ઍડિલેઇડની ત્રણ ટેસ્ટ સદી છે. વિરાટ પણ ઍડિલેઇડ ઓવલના ઐતિહાસિક મેદાન પર ત્રણ સેન્ચુરી ફટકારી ચૂક્યો છે અને હવે ચોથી સદી તેને આ મેદાન પર હાઇએસ્ટ ટેસ્ટ સેન્ચુરી ફટકારનારા વિદેશી ખેલાડીઓમાં અવ્વલ બનાવી દેશે.
ઑસ્ટ્રેલિયા ઍડિલેઇડમાં તમામ સાત પિન્ક બૉલ ડે-નાઇટ ટેસ્ટ જીત્યું છે. જો ભારત શુક્રવારે સવારે શરૂ થનારી ટેસ્ટ જીતશે તો પર્થ પછી ઍડિલેઇડમાં પણ ઑસ્ટ્રેલિયનોનો અહંકાર તૂટ્યો કહેવાશે.
જસપ્રીત બુમરાહના નામે 2024ના વર્ષમાં 49 ટેસ્ટ વિકેટ છે. જો તે વધુ એક વિકેટ લેશે તો આ વર્ષમાં 50 વિકેટ લેનાર વિશ્વનો પ્રથમ બોલર બની જશે.
બન્ને દેશની સંભવિત ઇલેવનઃ
ભારતઃ યશસ્વી જયસ્વાલ, કે. એલ. રાહુલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, રોહિત શર્મા (કૅપ્ટન), રિષભ પંત (વિકેટકીપર), વૉશિંગ્ટન સુંદર/રવીન્દ્ર જાડેજા/આર. અશ્વિન, નીતિશ કુમાર રેડ્ડી, હર્ષિત રાણા, જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજ.
ઑસ્ટ્રેલિયાઃ ઉસમાન ખ્વાજા, નૅથન મૅકસ્વીની, માર્નસ લાબુશેન, સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ, મિચલ માર્શ, ઍલેક્સ કૅરી (વિકેટકીપર), પૅટ કમિન્સ (કૅપ્ટન), મિચલ સ્ટાર્ક, નૅથન લાયન અને સ્કૉટ બૉલેન્ડ.