સ્પોર્ટસ

ગૅબાનું વર્ચસ્વ ગયું, ભારત સામેની સિરીઝથી હવે પર્થને પહેલું સ્થાન

ટીમ ઇન્ડિયાના નવેમ્બરના ઑસ્ટ્રેલિયા પ્રવાસનું શેડ્યૂલ અત્યારથી જાહેર કરાયું

સિડની: હાલમાં ભારતમાં ક્રિકેટજગતની સૌથી લોકપ્રિય ટી-20 લીગ આઇપીએલ ચાલી રહી છે એટલે મોટા ભાગે શેષ ક્રિકેટજગતમાં અન્ય કોઈ સિરીઝ કે ટૂર્નામેન્ટ જેવું કંઈ હોતું જ નથી. ખેલાડીઓને કરોડો રૂપિયા અપાવતી તેમ જ ક્રિકેટપ્રેમીઓને ભરપૂર આનંદ અને રોમાંચ અપાવતી આઇપીએલ પછી તો અમેરિકા તથા વેસ્ટ ઇન્ડિઝમાં ટી-20 વર્લ્ડ કપ પણ રમાશે અને ત્યાર પછી ઘણા દેશો વચ્ચે શ્રેણીઓ પણ શરૂ થઈ જશે. જોકે છેક નવેમ્બરમાં ઑસ્ટ્રેલિયામાં ભારતીય ટીમ જે પાંચ ટેસ્ટ રમવા જવાની છે એ શ્રેણીની પાંચેય મૅચના સ્થળ અત્યારથી જાહેર કરી દેવામાં આવ્યા છે.

વાત એવી છે કે સામાન્ય રીતે ઑસ્ટ્રેલિયામાં ટેસ્ટ-સિરીઝ શરૂ થાય ત્યારે પ્રથમ ટેસ્ટ બ્રિસ્બેનમાં ગૅબા ખાતેના બ્રિસ્બેન ક્રિકેટ ગ્રાઉન્ડ રમાતી હોય છે. ખાસ કરીને ઑસ્ટ્રેલિયામાં ઇંગ્લૅન્ડ સામેની ઍશિઝ સિરીઝની શરૂઆત ગૅબા ખાતેની ટેસ્ટથી થાય છે. છેલ્લે 2022માં, એ અગાઉ 2018માં અને એ પહેલાં 2014માં ગૅબામાં ઍશિઝની પહેલી ટેસ્ટ બ્રિસ્બેનના ગૅબામાં રમાઈ હતી. ગૅબામાં આરંભ થયા બાદ પછીની મૅચો પર્થ સહિતના અન્ય મેદાનો પર રમાતી હોય છે.


જોકે નવેમ્બરમાં ભારતીય ટીમ ઑસ્ટ્રેલિયા જશે ત્યારે બોર્ડર-ગાવસકર ટ્રોફીની પહેલી ટેસ્ટ ગૅબામાં નહીં, પણ પર્થમાં રમાશે. એ પ્રારંભિક ટેસ્ટ બાવીસમી નવેમ્બરથી રમાશે. ત્યાર બાદ ઍડિલેઇડમાં ડે-નાઇટ (પિન્ક બૉલ) ટેસ્ટ રમાશે અને ત્યાર પછીની ત્રણ ટેસ્ટ બ્રિસ્બેન, મેલબર્ન અને સિડનીમાં રમાશે. અહીં યાદ અપાવવાની કે ઑસ્ટ્રેલિયામાં રમાતી મૅચોનું ભારતમાં જીવંત પ્રસારણ વહેલી સવારે શરૂ થઈ જતું હોય છે.


1991-’92 પછી પહેલી વાર ભારત-ઑસ્ટ્રેલિયાની સિરીઝ પાંચ મૅચની હશે. આ પહેલાં પાંચ મુકાબલાની શ્રેણીમાં ભારતની 0-4થી હાર થઈ હતી. જોકે છેલ્લી ચારેય સિરીઝમાં ભારતે ઑસ્ટ્રેલિયાને હરાવ્યું છે. 2018 તથા 2021, બન્ને વર્ષની શ્રેણીમાં ભારતે કાંગા-ઓને 2-1થી હરાવ્યા હતા.


પર્થમાં નવું મેદાન બન્યું ત્યાર બાદ 2018થી 2023 સુધીમાં ઑસ્ટ્રેલિયા ચાર ટેસ્ટ રમ્યું છે અને ચારેય જીત્યું છે: 2018માં ઑસ્ટ્રેલિયાની ભારત સામે 146 રનથી જીત, 2019માં ઑસ્ટ્રેલિયાની ન્યૂ ઝીલૅન્ડ સામે 296 રનથી જીત, 2022માં ઑસ્ટ્રેલિયાની વેસ્ટ ઇન્ડિઝ સામે 164 રનથી જીત અને 2023માં ઑસ્ટ્રેલિયાની પાકિસ્તાન સામે 360 રનથી જીત.
2018માં પર્થમાં ભારત સામે ઑસ્ટ્રેલિયા ટેસ્ટ જીત્યું હતું, પરંતુ વિરાટ કોહલીના સુકાનમાં એ સિરીઝ ભારતે 2-1થી જીતી લીધી હતી.


ભારત સામેની સિરીઝથી બ્રિસ્બેનના ગૅબાને બદલે પર્થના મેદાનને અગ્રતા આપવા પાછળ કેટલાક કારણો છે. ઑસ્ટ્રેલિયાના ખેલાડીઓ વર્ષોથી પર્થ અને ગૅબાની પિચ સૌથી કઠણ અને બૉલને સૌથી વધુ ઉછાળ આપતી ગણાવે છે. એ રીતે આ પિચ તેમના માટે સૌથી ફાયદાકારક છે. જોકે છેલ્લા થોડા વર્ષોથી પર્થ અને ગૅબા વચ્ચેની તેમની પસંદગીનું અંતર ઘટી ગયું હોવાથી હવે ક્રિકેટ સત્તાધીશોએ ગૅબાને બદલે પર્થને પ્રાધાન્ય આપવાની શરૂઆત કરી છે. બીજું, ઑસ્ટ્રેલિયાના ઈસ્ટ કોસ્ટના ટીવી-દર્શકો તથા ભારતીય દર્શકો માટે બ્રૉડકાસ્ટ ટાઇમઝોન લગભગ એકસરખી પસંદગીના છે એ કારણસર પણ પર્થ પર પસંદગી ઉતારવામાં આવી છે.


ભારતના પ્રવાસ પહેલાં નવેમ્બરમાં જ ઑસ્ટ્રેલિયામાં પાકિસ્તાનની બે વ્હાઇટ-બૉલ સિરીઝ રમાવાની છે. એમાં વન-ડે સિરીઝની ત્રણ મૅચ અનુક્રમે મેલબર્ન, ઍડિલેઇડ, પર્થમાં રમાશે. ત્યાર બાદ ઑસ્ટ્રેલિયા-પાકિસ્તાનની ટી-20 શ્રેણીની મૅચો બ્રિસ્બેન, સિડની, હોબાર્ટમાં રમાવાની છે. ડિસેમ્બરમાં ભારતની મહિલા ટીમ પણ ઑસ્ટ્રેલિયા જશે જ્યાં ત્રણ વન-ડે (બ્રિસ્બેન, બ્રિસ્બેન, પર્થ) રમાશે.

ભારતની મેન્સ ટીમના ઑસ્ટ્રેલિયા પ્રવાસનું શેડ્યૂલ

22-26 નવેમ્બર: પર્થમાં પ્રથમ ટેસ્ટ
6-10 ડિસેમ્બર: ઍડિલેઇડમાં બીજી ટેસ્ટ (ડે/નાઇટ)
14-18 ડિસેમ્બર: બ્રિસ્બેનના ગૅબામાં ત્રીજી ટેસ્ટ
26-30 ડિસેમ્બર: મેલબર્નમાં ચોથી ટેસ્ટ
3-7 જાન્યુઆરી: સિડનીમાં પાંચમી ટેસ્ટ

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
રેલવે અકસ્માતમાં મૃત્યુ થાય તો કેટલું વળતર મળે chinese-crested-dog લાગે છે કેટલા ક્યૂટ ઇન્ટરનૅશનલ રમી ચૂક્યા છે પાંચ ભારેખમ ક્રિકેટર નરેન્દ્ર મોદી ફરી એક વાર બન્યા વિશ્વના સૌથી લોકપ્રિય નેતા