પ્રથમ ગ્રાસે મક્ષિકાઃ સૂર્યકુમાર ફૉર્મમાં આવ્યો ત્યાં મેઘરાજા બન્યા વિઘ્નકર્તા

કૅનબેરાઃ ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચેની પાંચ મૅચની ટી-20 સિરીઝનો બુધવારનો પ્રથમ મુકાબલો વરસાદ (Rain)ના વિઘ્નો વચ્ચે ટૂંકો થઈ ગયા બાદ છેવટે રદ કરવામાં આવ્યો હતો. મૅચ અનિર્ણીત (Abandoned) જાહેર કરવામાં આવી ત્યારે ભારતનો સ્કોર 9.4 ઓવરમાં એક વિકેટે 97 રન હતો. કૅપ્ટન સૂર્યકુમાર યાદવ (Suryakumar Yadav) ઘણા વખતે પાછો અસલ ફૉર્મમાં આવી ગયો હતો, પણ મેઘરાજાએ બધી મજા બગાડી નાખી હતી.
ઓપનર અભિષેક શર્મા સસ્તામાં આઉટ થઈ ગયો ત્યાર બાદ સુકાની સૂર્યકુમાર (39 નૉટઆઉટ, 24 બૉલ, બે સિક્સર, ત્રણ ફોર) અને ઉપ સુકાની શુભમન ગિલ (37 નૉટઆઉટ, 20 બૉલ, એક સિક્સર, ચાર ફોર) વચ્ચે બીજી વિકેટ માટે 62 રનની અતૂટ ભાગીદારી થઈ હતી.
આપણ વાચો: મહિલા વર્લ્ડ કપ: યજમાન ભારત અને નંબર વન ઑસ્ટ્રેલિયા વચ્ચે રવિવારે ટક્કર…
વર્લ્ડ નંબર-વન અભિષેકના માત્ર 19 રન
ટી-20ના વર્લ્ડ નંબર-વન બૅટ્સમૅન અભિષેકે 19 રન કર્યા હતા. તેણે ઝેવિયર બાર્ટલેટની બોલિંગમાં ત્રણ ફોર ફટકારવાની સાથે શરૂઆત સારી કરી હતી, પરંતુ તેણે વહેલી વિકેટ ગુમાવી હતી.
તેની વિકેટ નૅથન એલિસે લીધી હતી. તે મિડ-ઑફ પર ટિમ ડેવિડના હાથમાં કૅચઆઉટ થયો હતો. મૅચની શરૂઆતમાં વરસાદ પડ્યા પછી મૅચ 18-18 ઓવરની કરી નાખવામાં આવી હતી અને ત્યાર પછી ફરી વરસાદ પડતાં વધુ ટૂંકી થઈ શકે એવી સ્થિતિ હતી, પણ છેવટે રદ કરાઈ હતી.
આપણ વાચો: બે ટેસ્ટ ઇંગ્લૅન્ડ સામે અને બે ભારત વિરુદ્ધ રમનાર ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ફાસ્ટેસ્ટ બોલરનું અવસાન
હૅઝલવૂડમાં સૂર્યાની દર્શનીય સિક્સર
સૂર્યકુમારે બે સિકસર અને ત્રણ ફોર ફટકારી હતી જેમાં ખાસ કરીને ફાસ્ટ બોલર જૉશ હૅઝલવૂડના બૉલમાં તેણે સ્ક્વેર લેગ બાઉન્ડરી લાઇન પરથી બૉલને સીધો બહાર મોકલ્યો હતો એ શૉટ અસાધારણ હતો.
પિચ અનિશ્ચિત ન હોય અને એના પર બૉલ સારી રીતે ઉછળતા હોય તો એવી પિચ સૂર્યકુમાર માટે સ્વર્ગ સમાન ગણાય છે અને એના પર તે પોતાના દરેક ફેવરિટ શૉટ રમી લેતો હોય છે. કૅનબેરામાં મનુકા ઓવલની પિચ આવી જ હતી, પણ તેની ઇનિંગ્સ 24 બૉલ પર જ થંભી ગઈ હતી અને વરસાદ પડતાં તેણે ડેપ્યૂટી ગિલ સાથે પાછા આવવું પડ્યું હતું.
સૂર્યાએ આઇપીએલનું ફૉર્મ ફરી બતાવ્યું
સૂર્યકુમાર તાજેતરમાં ટી-20ના એશિયા કપમાં સારું નહોતો રમ્યો. જોકે એ પહેલાંની આઇપીએલમાં તેણે સેક્નડ-હાઇએસ્ટ 717 રન કર્યા હતા અને એ ફૉર્મ તે બુધવારે કૅનબેરામાં બતાવી રહ્યો હતો.
ભારતીય ટીમ ઑસ્ટ્રેલિયાને તોતિંગ લક્ષ્યાંક આપવાના મૂડમાં હતી, પણ મેઘરાજા બાજી બગાડવાના મૂડમાં હતા અને તેમને લીધે મૅચ છેવટે રદ કરવી પડી હતી. બીજી વન-ડે શુક્રવારે મેલબર્નમાં (બપોરે 1.45 વાગ્યાથી) રમાશે.



