ઑસ્ટ્રેલિયાના પ્રવાસની શરૂઆતમાં ભારતનો ફ્લૉપ-શોઃ આ રહ્યા પરાજયના 11 કારણ | મુંબઈ સમાચાર
સ્પોર્ટસ

ઑસ્ટ્રેલિયાના પ્રવાસની શરૂઆતમાં ભારતનો ફ્લૉપ-શોઃ આ રહ્યા પરાજયના 11 કારણ

પર્થઃ વિરાટ કોહલી તથા રોહિત શર્મા તેમના કમબૅકને યાદગાર નથી બનાવી શક્યા અને તેમના સહિત ભારતની આખી બૅટિંગ લાઇન-અપ ફ્લૉપ ગઈ અને ઑસ્ટ્રેલિયા (Australia)એ સિરીઝની પ્રથમ વન-ડેમાં આસાનીથી વિજય મેળવીને 1-0થી સરસાઈ મેળવી લીધી.

ભારત (India)ને પ્રથમ બૅટિંગ કરવાનું આમંત્રણ મળ્યું અને વરસાદ (Rain)ના વિઘ્નો વચ્ચે ટીમની એકાગ્રતા ભંગ થઈ અને નિર્ધારિત 26 ઓવરમાં ભારતીય ટીમ નવ વિકેટે 136 બનાવી શકી હતી.

મિચલ માર્શના સુકાનમાં ઑસ્ટ્રેલિયાની ટીમે 26 ઓવરમાં 131 રન કરવાનો નવો જે લક્ષ્યાંક મળ્યો એ 21.1 ઓવરમાં ત્રણ વિકેટના ભોગે મેળવી લીધો હતો. હવે વન-ડે શ્રેણીની બીજી મૅચ ગુરુવાર, 23મી ઑક્ટોબરે (સવારે 9.00 વાગ્યાથી) ઍડિલેઇડમાં રમાશે.

આપણ વાંચો: સ્પોર્ટ્સમૅનઃ રોહિત-કોહલીના વિરાટ યુગનો અંત આવી રહ્યો છે!

ઑસ્ટ્રેલિયાના કૅપ્ટન મિચલ માર્શ (46 અણનમ, બાવન બૉલ, ત્રણ સિક્સર, બે ફોર)ને મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર અપાયો હતો.

ભારતની પ્લેઇંગ-ઇલેવનની હારના 11 કારણઃ

(1) ભારતનો ટૉપ-ઑર્ડર ધરાશયી થઈ ગયો હતો. ભારતે પહેલી ચાર વિકેટ 50 રનમાં ગુમાવી દીધી હતી.

(2) ભૂતપૂર્વ કૅપ્ટન રોહિત શર્મા ફક્ત 13 બૉલનો સામનો કરી શક્યો અને 14મા બૉલ પર આઠ રનના પોતાના સ્કોરે વિકેટ ગુમાવી બેઠો હતો.

(3) બીજો ભૂતપૂર્વ સુકાની વિરાટ કોહલી માત્ર સાત બૉલનો સામનો કરી શક્યો અને આઠમા બૉલ પર ઝીરોમાં જ આઉટ થઈ ગયો હતો.

(4) કૅપ્ટન તરીકે શુભમન ગિલની આ પહેલી જ વન-ડે હતી અને એમાં તેણે પરાજય તો જોયો, પણ એ પહેલાં તે બૅટિંગમાં પણ નિષ્ફળ ગયો. તેણે માત્ર 10 રન કરીને વિકેટ ગુમાવી દીધી હતી.

(5) શ્રેયસ ઐયર પર ભરોસો હતો, પણ તે માત્ર 11 રન બનાવીને આઉટ થઈ ગયો હતો.

(6) ટોચના બૅટ્સમેનો આઉટ થઈ ગયા એટલે બધો બોજ મિડલ-ઑર્ડર પર આવી ગયો હતો. કે. એલ. રાહુલ (38 રન) અને અક્ષર પટેલ (31 રન) વચ્ચે પાંચમી વિકેટ માટે 39 રનની ભાગીદારી થઈ હતી, પણ 84મા રને અક્ષરની વિકેટ પડવાની સાથે ધબડકો શરૂ થયો હતો અને 33 બૉલમાં ભારતે પાંચ વિકેટ ગુમાવી દીધી હતી.

(7) બૅટસમેનો સારું ન રમ્યા એટલે બોલર્સ પર પ્રેશર આવી ગયું અને તેઓ સાધારણ લક્ષ્યાંકને ડિફેન્ડ નહોતા કરી શક્યા.

(8) ભારતીય બૅટ્સમેનો પર્થના ઑપ્ટસ સ્ટેડિયમની બાઉન્સી પિચ પર પરેશાન થઈ ગયા હતા. મિચલ સ્ટાર્ક, નૅથન એલિસ અને જૉશ હૅઝલવૂડની પેસ-ત્રિપુટીએ પર્થની પિચનો ફાયદો ઉઠાવ્યો હતો. તેમની શૉર્ટ-પિચ બોલિંગે ભારતીય બૅટ્સમેનોને મુશ્કેલીમાં મૂકી દીધા હતા.

(9) વરસાદ વારંવાર પડતાં ભારતીય ટીમનો પ્લાન ખોરવાઈ જતો હતો. જો 50-50 ઓવરની મૅચ હોત તો એ પ્રમાણે શુભમન ગિલની ટીમે યોજના બનાવી હોત. ઓવર ઓછી થતાં ભારતે રણનીતિમાં ફેરફાર કરવો પડ્યો હતો.

(10) ટૉસ પણ મહત્ત્વનો બની ગયો હતો. ગિલ કુલ સાતમાંથી છ ટેસ્ટ મૅચમાં ટૉસ હાર્યો અને હવે વન-ડેમાં પણ ટૉસ ન જીતી શક્યો. વરસાદના માહોલમાં પ્રથમ ફીલ્ડિંગ કરનારી ટીમને ફાયદો થતો હોય છે અને આ કિસ્સામાં ઑસ્ટ્રેલિયાને એનો ફાયદો થયો હતો.

(11) ભારતની બોલિંગ પણ જોઈએ એવી અસરદાર નહોતી. ટ્રેવિસ હેડ (આઠ રન)ની વિકેટ વહેલી મળી, પણ સાથી-ઓપનર મિચલ માર્શ (46 અણનમ)ની વિકેટ ભારતીય બોલરો નહોતા લઈ શક્યા. જૉશ ફિલિપ (37 રન)ની માર્શ સાથેની પંચાવન રનની ભાગીદારી મૅચ-વિનિંગ નીવડી હતી.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button