જંગ જબરદસ્તઃ ભારત રવિવારે પાકિસ્તાન સામેનો મુકાબલો જીતવા માટે ફેવરિટ

દુબઈઃ ભારત અને પાકિસ્તાન વચ્ચેના ક્રિકેટ-વૉરનો દિવસ આવી ગયો. ભારતે (india) સાત મહિના પહેલાં દુબઈ ઇન્ટરનૅશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં વન-ડેની ચૅમ્પિયન્સ ટ્રોફીમાં 45 બૉલ અને છ વિકેટ બાકી રાખીને પાકિસ્તાન (Pakistan)ને હરાવી દીધું એ પછી હવે રવિવાર, 14મી સપ્ટેમ્બરે (ભારતીય સમય અનુસાર રાત્રે 8.00 વાગ્યાથી) એ જ મેદાન પર બન્ને કટ્ટર દેશ વચ્ચે એશિયા કપનો ટી-20 જંગ થવાનો છે અને એ જીતવા માટે ભારતની ચડિયાતી ટીમ ફેવરિટ છે.
સૂર્યકુમાર યાદવની ટીમમાં અભિષેક શર્મા, શુભમન ગિલ, જસપ્રીત બુમરાહ, કુલદીપ યાદવ, હાર્દિક પંડ્યા તથા વરુણ ચક્રવર્તી જેવા ઘણા મૅચ-વિનર છે, જ્યારે સલમાન અલી આગાના સુકાનમાં રમનારી પાકિસ્તાની ટીમમાં અનુભવી અને દમદાર ખેલાડીઓની ગેરહાજરી છે. જોકે પાકિસ્તાનની બૅટિંગ લાઇન-અપના સૌથી ટૅલન્ટેડ બૅટ્સમેનોમાં ગણાતા સઇમ અયુબ તેમ જ મિડલ-ઑર્ડરના બૅટ્સમેન ફખર ઝમાન અને હસન નવાઝ તેમ જ સ્પિન-ત્રિપુટી અબ્રાર અહમદ, સુફિયાન મુકીન અને મોહમ્મદ નવાઝ સામે ભારતીયોએ સાવધ રહેવું પડશે. થોડા વર્ષોથી ભારત સામેનો મુકાબલો હોય ત્યારે પાકિસ્તાની ટીમમાં બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાનના નામ અગે્રસર રહે છે, પરંતુ આ વખતે આ બન્ને અનુભવી બૅટ્સમેન ટીમમાં નથી એટલે તેમની ગેરહાજરીમાં મેન ઇન બ્લુ સામે મેન ઇન ગ્રીને વધુ આકરી કસોટી આપવી પડશે.
ભારત-પાકિસ્તાન વચ્ચેના છેલ્લાં પાંચ મુકાબલામાં ભારત 3-2થી આગળ છેઃ (1) 2024ની 9મી જૂને ન્યૂ યૉર્કમાં ટી-20 વર્લ્ડ કપમાં ભારત (10/119)નો પાકિસ્તાન (7/113) સામે છ રનથી વિજય (2) 2022ની 23મી ઑક્ટોબરે મેલબર્નમાં ટી-20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન (8/159) સામે ભારત (20 ઓવરમાં 6/160)નો ચાર વિકેટે વિજય (3) 2022ની ચોથી સપ્ટેમ્બરે દુબઈમાં ટી-20ના એશિયા કપમાં ભારત (7/181)ની પાકિસ્તાન (19.5 ઓવરમાં 5/182) સામે પાંચ વિકેટે હાર (4) 2022ની 28મી ઑગસ્ટે દુબઈમાં ટી-20ના એશિયા કપમાં પાકિસ્તાન (10/147) સામે ભારત (19.4 ઓવરમાં 5/148)નો પાંચ વિકેટે વિજય (5) 2021ની 24મી ઑક્ટોબરે દુબઈમાં ટી-20ના એશિયા કપમાં ભારત (7/151)ની પાકિસ્તાન (17.5 ઓવરમાં 0/152) સામે 10 વિકેટે હાર.
સામાન્ય રીતે ભારત-પાકિસ્તાન વચ્ચેની મૅચમાં બૅટ્સમેનોની શક્તિનો પરચો માપવામાં આવતો હોય છે, પરંતુ દુબઈની પિચ પર સ્પિનર્સને બહુ ટર્ન ન મળતા હોવા છતાં આ વખતે બન્ને ટીમ પોતાના સ્પિનરો પર વધુ મદાર રાખશે. ફાસ્ટ બોલર્સમાં જસપ્રીત બુમરાહ અને શાહીન શાહ આફ્રિદી માત્ર બે સ્પેશ્યાલિસ્ટ ફાસ્ટ બોલર છે, પરંતુ સ્પિનર્સની વાત કરીએ તો પાકિસ્તાનના સુફિયાન મુકીબ, અબ્રાર અહમદ અને મોહમ્મદ નવાઝ સામે ભારતના કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી અને અક્ષર પટેલ ચડિયાતા છે.
બન્ને દેશના ખેલાડીઓ પર એક નજરઃ
ભારતઃ સૂર્યકુમાર યાદવ (કૅપ્ટન), શુભમન ગિલ (વાઇસ-કૅપ્ટન), જિતેશ શર્મા (વિકેટકીપર), સંજુ સૅમસન (વિકેટકીપર), અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ, વરુણ ચક્રવર્તી, કુલદીપ યાદવ, હર્ષિત રાણા અને રિન્કુ સિંહ.
પાકિસ્તાનઃ સલમાન આગા (કૅપ્ટન), મોહમ્મદ હારિસ (વિકેટકીપર), ફખર ઝમાન, સઇમ અયુબ, હસન નવાઝ, ખુશદિલ શાહ, હુસૈન તલત, ફહીમ અશરફ, મોહમ્મદ નવાઝ, સાહિબઝાદા ફરહાન, અબ્રાર અહમદ, હારિસ રઉફ, હસન અલી, સલમાન મિર્ઝા, શાહીન શાહ આફ્રિદી, સુફિયાન મુકીમ અને મોહમ્મદ વસીમ.
આ પણ વાંચો…IND vs PAK મેચમાં અડધું સ્ટેડીયમ ખાલી રહેશે! આ કારણે નથી વેચાઈ રહી ટિકિટો