ભારત પાકિસ્તાનના ક્રિકેટરો એશિયા કપના મુકાબલા પહેલાં જ દુબઈના મેદાન પર સામસામે!

દુબઈ: એશિયા કપ (Asia cup) ટી-20 સ્પર્ધામાં 14મી સપ્ટેમ્બરે ભારત (India) અને પાકિસ્તાન (Pakistan) વચ્ચે ખરાખરીનો મુકાબલો શરૂ થાય એના અઠવાડિયા પહેલાં જ બંને દેશની ટીમ શનિવારે દુબઈ (Dubai)માં આઈસીસી ઍકેડમીના મેદાન પર ફ્લડ લાઈટ નીચે પ્રેક્ટિસ (practice) માટે સામસામે આવી ગઈ ગઈ હતી. આ અનોખી ઘટના બનવાને પગલે કેટલાક લોકોના જીવ અધ્ધર થઈ ગયા હતા.
આજે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે ફાઈનલ
પાકિસ્તાનની રવિવારે શારજાહમાં (રાત્રે 8.30 વાગ્યાથી) અફઘાનિસ્તાન સામે ટ્રાયેન્ગ્યુલર સિરીઝની ફાઇનલ રમાવાની હોવાથી તેઓ શનિવારે સાંજે નેટ પ્રેક્ટિસના છેલ્લા સત્ર માટે મેદાન પર ઊતર્યા હતા. જોકે ભારતીય ખેલાડીઓ એ જ મેદાન પર ત્રણ કલાકથી પ્રેક્ટિસ કરી રહ્યા હતા.
14મીના મુકાબલાનું રિહર્સલ
સૂર્યકુમાર યાદવના નેતૃત્વમાં ભારતીય ટીમ આઇસીસીના મેદાન પર મુખ્ય પિચની આસપાસ પ્રેક્ટિસ કરી રહી હતી, જ્યારે સલમાન આગાના સુકાનમાં પાકિસ્તાની ટીમ મેદાન પર દૂરના એક ખૂણે પ્રેક્ટિસ કરવા લાગી ત્યારે સૌને નિરાંત થઈ હતી.
આયોજકોને નિરાંત થઈ
બંને ટીમના અમુક ખેલાડીઓ વચ્ચે જો મસ્તી મજાક થઈ હોત તો ખાસ કરીને ભારતના અમુક વર્ગના ક્રિકેટ પ્રેમીઓને એ ન ગમ્યું હોત. બીજું, હરીફ ખેલાડીઓ વચ્ચે જો કોઈ ટોણો મારવા જેવી પણ ઘટના બની હોત તો આયોજકો ચિંતામાં મુકાઈ ગયા હોત.
સદનસીબે એવું કંઈ જ નહોતું બન્યું અને બંને દેશના ખેલાડીઓ પોતપોતાની પ્રેક્ટિસમાં વ્યસ્ત હતા. શનિવારે મોડી સાંજે છેવટે પાકિસ્તાની ખેલાડીઓએ ટૂંકી પ્રેક્ટિસ પૂરી કરી અને ભારતીયોના લાંબા નેટ સેશનનો પણ અંત આવ્યો, જ્યારે આયોજકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
કઈ ટીમનો શુ પ્લાન?
પાકિસ્તાની ખેલાડીઓ રવિવારે અફઘાનિસ્તાન સામે શારજાહની ફાઇનલ રમવાનો પ્લાન બનાવવામાં બિઝી થઈ ગયા હતા, જ્યારે ભારતીય ક્રિકેટરો માટે રવિવારે રેસ્ટ ડે જાહેર કરવામાં આવ્યો હતો.
ખેલાડીઓ પ્રેક્ટિસમાં મગ્ન
શનિવારની પ્રેક્ટિસ દરમિયાન પાકિસ્તાની ખેલાડીઓમાં ખાસ કરીને શાહીન શાહ આફ્રિદી, હારિસ રઉફ તેમ જ કેપ્ટન સલમાન આગા અને સઈમ અયુબ સહિત તેમના તમામ ખેલાડીઓ મોજૂદ હતા.
બીજી બાજુ, ભારતીય ખેલાડીઓએ ટ્રેઈનર એડ્રિયન લ રૂક્સની તેમ જ બૅટિંગ-કોચ સિતાંશુ કોટક અને હેડ-કોચ ગૌતમ ગંભીરની દેખરેખમાં પ્રેક્ટિસ કરી હતી. સૂર્યકુમારના નેતૃત્વમાં પ્રેક્ટિસ કરનાર ખેલાડીઓમાં વાઇસ કેપ્ટન શુભમન ગિલ તેમ જ અભિષેક શર્મા, તિલક વર્મા, રિન્કુ સિંહ, વિકેટ કીપર્સ જિતેશ શર્મા અને સંજુ સૅમસન, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, શિવમ દુબે, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ, હર્ષિત રાણા, વરૂણ ચક્રવર્તી કુલદીપ યાદવનો સમાવેશ હતો.
આપણ વાંચો: ચક દે ઈન્ડિયાઃ ભારતીય હોકી ટીમ એશિયા કપની ફાઇનલમાં પહોંચી, ચીનને 7-0થી કચડ્યું