વૈભવની વિસ્ફોટક બૅટિંગઃ 15 છગ્ગા અને 11 ચોક્કા સાથે માત્ર 42 બૉલમાં કર્યા 144 રન…

યુએઇ સામે ભારતનો 148 રનથી વિજયઃ રવિવારે પાકિસ્તાન સામે મુકાબલો
દોહાઃ અહીં એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ નામની ટૂર્નામેન્ટમાં ઇન્ડિયા-એ ટીમે પહેલા જ દિવસે યુએઇને 148 રનના વિક્રમી માર્જિનથી હરાવ્યું હતું અને 14 વર્ષનો લેફ્ટ-હૅન્ડ ઓપનિંગ બૅટ્સમૅન વૈભવ સૂર્યવંશી (144 રન, 42 બૉલ, 15 સિક્સર, 11 ફોર) આ જીતનો સુપરસ્ટાર હતો. તેણે આ વિસ્ફોટક ઇનિંગ્સમાં ફક્ત 32 બૉલમાં 100 રન કરીને ભારતીયોમાં ટી-20 ફૉર્મેટની રેકૉર્ડ-બુકમાં સેક્નડ-ફાસ્ટેસ્ટ સેન્ચુરિયન તરીકેનું નામ અંકિત કરાવ્યું હતું. ભારતીયોમાં ટી-20ની ફાસ્ટેસ્ટ સદીનો વિક્રમ સંયુક્ત રીતે વર્લ્ડ નંબર-વન બૅટ્સમૅન અભિષેક શર્મા (28 બૉલ) અને ઉર્વિલ પટેલ (28 બૉલ)ના નામે છે.
144માંથી 134 રન છગ્ગા-ચોક્કામાં
વૈભવે (Vaibhav) દોહાના મેદાન પર છગ્ગા-ચોક્કાનો વરસાદ વરસાવ્યો હતો. તેણે 144માંથી 134 રન 15 છગ્ગા અને 11 ચોક્કાની મદદથી બનાવ્યા હતા. તેણે 32 બૉલમાં 100 રન પૂરા કરીને રિષભ પંતની બરાબરી કરી હતી.

વૈભવે 17 બૉલમાં હાફ સેન્ચુરી પૂરી કરી હતી અને તે 100 રન પૂરા કર્યા પછી પણ ધીમો નહોતો પડ્યો અને ફટકાબાજી ચાલુ જ રાખી હતી. તેને નમન ધીર (34 રન)નો બહુ સારો સાથ મળ્યો હતો. તેમની વચ્ચે બીજી વિકેટ માટે 163 રનની ભાગીદારી થઈ હતી. ત્યાર પછી કૅપ્ટન જિતેશ શર્મા (83 અણનમ, 32 બૉલ, છ સિક્સર, આઠ ફોર) સાથે પણ વૈભવની ભાગીદારી થઈ હતી. નેહલ વઢેરા (14 રન)નું ઓછું યોગદાન હતું.
ઇન્ડિયા-એના 4/297
ઇન્ડિયા-એ ટીમે 20 ઓવરમાં ચાર વિકેટે 297 રન કર્યા હતા. યુએઇ (UAE)ની ટીમ 20 ઓવરમાં સાત વિકેટે 149 રન કરી શકી હતી. ગુર્જપનીત સિંહે સૌથી વધુ ત્રણ વિકેટ અને હર્ષ દુબેએ બે વિકેટ લીધી હતી.
હવે ભારતનો રવિવારે (રાત્રે 8.00 વાગ્યાથી) દોહામાં પાકિસ્તાન શાહીન્સ નામની ટીમ સામે મુકાબલો છે. ઇરફાન ખાન પાકિસ્તાનનો કૅપ્ટન છે અને ટીમમાં યાસિર ખાન તથા ઉબૈદ ખાન ઉપરાંત બીજા ઓછા જાણીતા ખેલાડીઓ છે.
આ પણ વાંચો…વૈભવ સૂર્યવંશી 10મા ધોરણમાં નાપાસ થયો એ અફવા કેટલી સાચી છે?



