સ્પોર્ટસ

કોલકાતામાં ન જીતી શક્યા, પણ રાજકોટમાં ભારતીયોએ સાઉથ આફ્રિકનોને હરાવ્યા!

રાજકોટઃ કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં શુભમન ગિલની પછીથી રિષભ પંતની કૅપ્ટન્સીમાં ટીમ ઇન્ડિયાએ વર્લ્ડ ચૅમ્પિયન સાઉથ આફ્રિકા સામે શર્મનાક પરાજય જોવો પડ્યો હતો, પરંતુ રાજકોટમાં ઇન્ડિયા-એ (India A) ટીમે સાઉથ આફ્રિકા-એ સામેની બિનસત્તાવાર વન-ડે સિરીઝ તિલક રાજના સુકાનમાં જીતી લીધી હતી.

ઋતુરાજ ગાયકવાડ (68 અણનમ, 83 બૉલ, નવ ફોર), સ્પિનર નિશાંત સિંધુ (16 રનમાં ચાર વિકેટ), પેસ બોલર હર્ષિત રાણા (21 રનમાં ત્રણ વિકેટ), પ્રસિદ્ધ ક્રિષ્ના (21 રનમાં બે વિકેટ) આ જીતના ચાર હીરો હતા. ઇન્ડિયા-એનો (133 બૉલ બાકી રાખીને) નવ વિકેટે વિજય થયો હતો.

માર્કસ ઍકરમનના સુકાનમાં સાઉથ આફ્રિકા-એ ટીમ 132 રનના સ્કોર પર ઑલઆઉટ થઈ ગઈ હતી. ઇન્ડિયા-એ ટીમે 27.5 ઓવરમાં એક વિકેટે 135 રન કરીને વિજય મેળવી લીધો હતો. ગાયકવાડ (Gaikwad) અને અભિષેક શર્મા (32 રન, બાવીસ બૉલ, છ ફોર) વચ્ચે 53 રનની ઓપનિંગ ભાગીદારી થઈ હતી. ત્યાર બાદ ગાયકવાડ અને કૅપ્ટન તિલક વર્મા (29 અણનમ) વચ્ચે 82 રનની અતૂટ પાર્ટનરશિપ થઈ હતી. નિશાંત સિંધુ (Nishant Sindhu)ને મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર અપાયો હતો.

ઇન્ડિયા-એ ટીમે પ્રથમ વન-ડે ચાર વિકેટે જીતી લીધી હતી. હવે બુધવારે રાજકોટમાં જ શ્રેણીની ત્રીજી મૅચ પણ જીતીને તિલકની ટીમ 3-0થી ક્લીન સ્વીપ કરી શકશે.

આ પણ વાંચો…ભારતની મહિલાઓએ બ્લાઇન્ડ વર્લ્ડ કપમાં વિસ્ફોટક બૅટિંગ સાથે પાકિસ્તાનને પછાડ્યું

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button