એક એશિયા કપ ટ્રોફીનું કોકડું હજી ઉકેલાયું નથી ત્યાં બીજી ગૂંચ પડી શકે, ભારત-પાકિસ્તાન ફરી એક જ ગ્રૂપમાં…

દુબઈઃ તાજેતરમાં ટી-20ના એશિયા કપમાં ભારતે પાકિસ્તાનને ફાઇનલમાં હરાવીને ચૅમ્પિયનપદ મેળવી લીધું ત્યાર બાદ ભારતના હકની ટ્રોફીનું કોકડું હજી ઉકેલાયું નથી ત્યાં બીજા ટી-20 એશિયા કપના આયોજનની તૈયારી થઈ રહી છે અને એમાં પણ ભારત-એ તથા પાકિસ્તાન-એ વચ્ચે 16મી નવેમ્બરે ટક્કર થશે.
આ પણ એશિયન સ્પર્ધા હોવાથી એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ના બૅનર હેઠળ એ રમાશે અને એ સાથે એસીસીના પાકિસ્તાની ચૅરમૅન મોહસિન નકવી ફરી વિવાદમાં આવી શકે. સપ્ટેમ્બરના એશિયા કપમાં ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાની પ્લેયર્સ સાથે હાથ મિલાવવાનો ઇનકાર કર્યો ત્યારથી આ ટૂર્નામેન્ટમાં મામલો શરૂ થયો હતો.
28મી સપ્ટેમ્બરે દુબઈમાં સૂર્યકુમાર યાદવના સુકાનમાં ભારતીય ટીમ એશિયન ચૅમ્પિયન બની ત્યાર બાદ ભારતીય ટીમે નકવીના હાથે ટ્રોફી સ્વીકારવાની ના પાડી એટલે નફ્ફટ નકવીએ ભારતના હકની ટ્રોફી અને મેડલ ક્યાંક ગુમ કરી દીધા હતા.

કતારના દોહામાં આગામી 14-23 નવેમ્બરે 2025 એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ નામની ક્રિકેટ સ્પર્ધા રમાવાની છે. આ ટૂર્નામેન્ટ અગાઉ ઇમર્જિંગ એશિયા કપ તરીકે ઓળખાતી હતી.
કતારની આ ટી-20 ટૂર્નામેન્ટમાં કુલ આઠ ટીમ ભાગ લેશે. એમાં ટેસ્ટ ક્રિકેટ રમતા ભારત (India) સહિતના દેશોની એ’ સ્તરની (દ્વિતીય સ્તરની) ટીમ તેમ જ આઇસીસીના સહાયક દેશોની સિનિયર ટીમનો સમાવેશ હશે. ભારત અને પાકિસ્તાન (Pakistan)ને એક જ ગ્રૂપમાં મૂકવામાં આવ્યા છે.
સ્વાભાવિક છે કે આ બે કટ્ટર દેશની મૅચ જેમાં રમાવાની હોય એ સ્પર્ધાની લોકપ્રિયતા આપોઆપ વધી જાય છે અને કરોડો લોકો ટીવી પર એ મૅચ જોતાં હોય છે. ભારત-પાકિસ્તાન મૅચ 16મી નવેમ્બરે રમાશે. એમના બી’ ગ્રૂપમાં યુએઇ અને ઓમાન સામેલ છે. બીજા ગ્રૂપમાં બાંગ્લાદેશ, શ્રીલંકા, અફઘાનિસ્તાન અને હૉન્ગ કૉન્ગ છે. લીગ રાઉન્ડમાં બન્ને ગ્રૂપમાં ટોચના બે સ્થાને રહેનારી ટીમ સેમિ ફાઇનલમાં પહોંચશે.


