ઇંગ્લૅન્ડમાં ભારતીયોની ધમાકેદાર એન્ટ્રી, કરુણ નાયરનો દમદાર પર્ફોર્મન્સ…

કૅન્ટરબરી (ઇંગ્લૅન્ડ): ભારતીય ટેસ્ટ ટીમ 20મી જૂનથી બ્રિટિશરોની ધરતી પર ટેસ્ટ સિરીઝ રમવાની શરૂઆત કરે એ પહેલાં ઇન્ડિયા એ’ (India A) ટીમ ઇંગ્લૅન્ડ પહોંચી ગઈ છે અને ત્યાં પ્રભાવ પાડવાનું શરૂ કરી દીધું છે. અભિમન્યુ ઈશ્વરનના સુકાનમાં ઇન્ડિયાએ’ ટીમ ઇંગ્લૅન્ડ લાયન્સ સામે મૅચો રમવા ઇંગ્લૅન્ડ આવી છે જેમાં ખાસ કરીને કરુણ નાયરે (Karun Nair) દમદાર પર્ફોર્મ કર્યું છે. આ અહેવાલ લખાઈ રહ્યો હતો ત્યાં સુધીમાં તેણે ઇંગ્લેન્ડ લાયન્સ (England Lions) સામેની પ્રથમ ચાર દિવસીય મૅચના પહેલા દિવસે 231 બૉલમાં એક સિક્સર અને 23 ફોરની મદદથી અણનમ 175 રન કર્યા હતા અને ત્યારે ઇન્ડિયા `એ’નો સ્કોર ત્રણ વિકેટે 387 રન હતો.
કરુણ નાયરનો શુભમન ગિલના સુકાન હેઠળની ભારતીય ટેસ્ટ ટીમમાં પણ સમાવેશ કરાયો છે. તેના ઉપરાંત સરફરાઝ ખાને પણ ઇંગ્લૅન્ડ લાયન્સ સામે ખૂબ સારું પર્ફોર્મ કર્યું હતું. જોકે સરફરાઝ (92 રન, 119 બૉલ, તેર ફોર) આઠ રન માટે સેન્ચુરી ચૂકી ગયો હતો. ઓપનર યશસ્વી જયસ્વાલ ફક્ત 24 રન અને કૅપ્ટન ઈશ્વરન આઠ રન કરીને આઉટ થયો હતો, પરંતુ વિકેટકીપર ધ્રુવ જુરેલ 71 રન બનાવીને રમી રહ્યો હતો.
ઇંગ્લૅન્ડનો પાંચ ટેસ્ટનો અનુભવી સ્પિનર રેહાન અહમદ ભારતીય બૅટ્સમેનો સામે ખૂબ ખર્ચાળ સાબિત થયો હતો. 15 ઓવરની બોલિંગમાં 87 રનમાં તેને એક પણ વિકેટ નહોતી મળી. ભારતીય ટેસ્ટ ટીમ ઇંગ્લૅન્ડમાં પાંચ ટેસ્ટ રમશે. પહેલી ટેસ્ટ 20મી જૂનથી લીડ્સમાં રમાશે.