ભારતના ત્રણ વિકેટે 145 રન, ઇંગ્લૅન્ડથી હજી 242 રન પાછળ
રિષભ પંત આંગળીની ઈજા છતાં બૅટિંગમાં, રાહુલની લડાયક હાફ સેન્ચુરી

લંડનઃ ટેસ્ટ-સિરીઝ 1-1ની બરાબરીમાં રહ્યા બાદ ભારત સામે લૉર્ડ્સ (LORD’S)માં ત્રીજી ટેસ્ટમાં શુક્રવારે બીજા દિવસે ઇંગ્લૅન્ડની ટીમ પ્રથમ દાવમાં 387 રનના સ્કોર પર ઑલઆઉટ થઈ ગઈ ત્યાર બાદ ભારતે (India) રમતના અંત સુધીમાં ત્રણ વિકેટે 145 રન કર્યા હતા. કે. એલ. રાહુલ લડાયક ઇનિંગ્સમાં 53 રને નૉટઆઉટ રહ્યો હતો. ડાબા હાથની પહેલી આંગળીની ગંભીર ઈજાને લીધે ગુરુવારે જ ફીલ્ડિંગમાંથી નીકળી ગયેલો રિષભ પંત પાંચમા નંબરે બૅટિંગ કરવા આવ્યો હતો અને 19 રને નૉટઆઉટ હતો. ઇંગ્લૅન્ડ (England)થી ભારત હજી 242 રન પાછળ હતું.
યશસ્વી જયસ્વાલ 13 રન કરીને આઉટ થયો હતો, જ્યારે કરુણ નાયર (62 બૉલમાં 40 રન) ફરી એક વાર લાંબી ઇનિંગ્સ રમવામાં નિષ્ફળ ગયો હતો અને બીજી ટેસ્ટનો સુપરસ્ટાર શુભમન ગિલ 16 રન કરીને વિકેટ ગુમાવી બેઠો હતો. તે ક્રિસ વૉક્સના બૉલમાં વિકેટકીપર જૅમી સ્મિથના હાથમાં કૅચઆઉટ થયો હતો.
એ પહેલાં, ઇંગ્લૅન્ડે જે 387 રન કર્યા હતા એમાં જૉ રૂટના 104 રન, બ્રાયડન કાર્સના 56 રન, જૅમી સ્મિથનું 51 રન, બેન સ્ટૉક્સ તેમ જ ઑલી પૉપનું 44-44 રનનું અને મિસ્ટર એક્સ્ટ્રાનું 31 રનનું યોગદાન હતું. કાર્સની અંતિમ વિકેટ સિરાજે લીધી હતી. આ દાવમાં બુમરાહે પાંચ તેમ જ સિરાજ-નીતીશ રેડ્ડીએ બે-બે તેમ જ જાડેજાએ એક વિકેટ લીધી હતી.
ઇંગ્લૅન્ડે લંચના વિશ્રામ સુધીમાં સાત વિકેટે 353 રન કર્યા હતા. જોકે લંચ વખતે 51 રન પર નૉટઆઉટ રહેલો વિકેટકીપર-બૅટ્સમૅન જૅમી સ્મિથ લંચ બાદ એ જ સ્કોર પર મોહમ્મદ સિરાજના બૉલ પર કાર્યવાહક વિકેટકીપર ધ્રુવ જુરેલને કૅચ આપી બેઠો હતો.
ખરેખર તો બ્રિટિશ ટીમના મિડલ ઑર્ડરે તેમ જ પૂછડિયાઓએ ભારતીય બોલર્સને સંઘર્ષ કરાવ્યો હતો. સ્મિથ અને પેસ બોલર બ્રાયડન કાર્સ વચ્ચે આઠમી વિકેટ માટે 84 રનની ભાગીદારી થઈ હતી. ગુરુવારની રમતને અંતે બ્રિટિશરોનો સ્કોર 4/251 હતો અને તેમણે લંચ સુધીમાં બીજી ત્રણ વિકેટના ભોગે બીજા 102 રન બનાવીને ભારતને વળતી લડત આપી હતી. જોકે લંચ પછી ફરી ધબડકો શરૂ થયો હતો.
જૅમી સ્મિથ પણ ઇનિંગ્સની શરૂઆતમાં પાછો ગયો હોત, પણ તેને બીજી સ્લિપમાં કે. એલ. રાહુલના હાથે જીવતદાન મળ્યું હતું. ત્યારે સ્મિથ માત્ર પાંચ રન પર હતો.
આપણ વાંચો: ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ કૅચ ઝીલવાનો જૉ રૂટનો વિશ્વવિક્રમ
જૉ રૂટે દ્રવિડ-સ્મિથને ઓળંગ્યા
જૉ રૂટે ગુરુવારના પોતાના 99 રનના સ્કોર પરથી રમવાનું શરૂ કર્યું હતું અને એક રન કરીને 37મી ટેસ્ટ સદી ફટકારી હતી. એ સાથે તેણે સૌથી વધુ સેન્ચુરી ફટકારનારાઓમાં 36-36 સદી કરનારા રાહુલ દ્રવિડ અને સ્ટીવ સ્મિથને ઓળંગી લીધા હતા.
બુમરાહે 11મી વાર રૂટને આઉટ કર્યો
જસપ્રીત બુમરાહે 11મી વખત રૂટની વિકેટ લીધી હતી. જૉ રૂટે ટેસ્ટ-ક્રિકેટમાં સૌથી વધુ 11-11 વાર બુમરાહ અને પૅટ કમિન્સની બોલિંગમાં વિકેટ ગુમાવી છે.
એક તબકકે બુમરાહે સાત બૉલમાં ત્રણ વિકેટ લીધી હતી અને એમાં એક સમયે તે હૅટ-ટ્રિક પર હતો. એ ત્રણ વિકેટમાં બુમરાહે બેન સ્ટૉક્સ (44 રન), જૉ રૂટ (104) અને ક્રિસ વૉક્સ (0)ને પૅવિલિયન ભેગા કર્યા હતા. બુમરાહે કુલ 74 રનમાં પાંચ વિકેટ લીધી હતી.