સ્પોર્ટસ

અભિષેકના 100 રન પછી ઝિમ્બાબ્વે 100 રનથી હાર્યું

ઋતુરાજ અને રિન્કુની પણ આઇપીએલ સ્ટાઇલની ફટકાબાજી: મુકેશ-આવેશની ત્રણ-ત્રણ વિકેટ

હરારે: ભારતે રવિવારે ઝિમ્બાબ્વેને ટી-20 સિરીઝની બીજી મૅચમાં 100 રનના તોતિંગ માર્જિનથી હરાવીને 1-1ની બરાબરી કરી લીધી હતી. શનિવારે શ્રેણીની પહેલી જ મૅચમાં શુભમન ગિલના સુકાનમાં ભારતની ‘બી’ ટીમે 13 રનથી આઘાતજનક પરાજય જોવો પડ્યો એ પછી રવિવારે આ ભારતીય બૅટર્સે ટીમને જિતાડવાની જવાબદારી સ્વીકારી લીધી હતી અને ધમાકેદાર બૅટિંગ પર્ફોર્મન્સથી અને પછી અસરદાર બોલિંગથી ટીમને આસાન વિજય અપાવ્યો હતો. અભિષેક શર્મા (100 રન, 47 બૉલ, આઠ સિક્સર, સાત ફોર) આ મૅચનો સુપર-હીરો હતો. યજમાન ટીમ બરાબર તેના જેટલા જ રનના માર્જિનથી હારી ગઈ હતી.

ભારતે બૅટિંગ લીધા પછી બે વિકેટે 234 રન બનાવ્યા બાદ ઝિમ્બાબ્વેની ટીમ 18.4 ઓવરમાં 134 રનના સ્કોર પર ઑલઆઉટ થઈ ગઈ હતી.

ઝિમ્બાબ્વેની ટીમમાં ઓપનર વેસ્લી મેધેવીઅરના 43 રન હાઇએસ્ટ હતા. નવમા નંબરના બૅટર લ્યૂક જૉન્ગ્વેએ ચાર ફોરની મદદથી 33 રન બનાવીને ભારતના વિજયને વિલંબમાં મૂક્યો હતો. ભારતીય બોલિંગમાં આવેશ ખાન (3-0-15-3) અને મુકેશ કુમાર (3.4-0-37-3)ની પેસ બોલર્સની જોડીએ સૌથી સારું પર્ફોર્મ કર્યું હતું. શનિવારની મૅચમાં ચાર વિકેટ લેનાર સ્પિનર રવિ બિશ્ર્નોઈએ રવિવારે બે વિકેટ તેમ જ વૉશિંગ્ટન સુંદરે એક વિકેટ લીધી હતી.

શુભમન ગિલના સુકાનમાં ભારતની ‘બી’ ટીમે શનિવારે આ જ મેદાન પર ઝિમ્બાબ્વે સામે ટી-20 સિરીઝની લો-સ્કોરિંગ પ્રથમ મૅચમાં ફક્ત 102 રનમાં ઑલઆઉટ થઈને પરાજયની નામોશી સાથે ટી-20નું વિશ્ર્વવિજેતાપદ મેળવનાર ભારતનું નામ ડૂબાડ્યું ત્યાર બાદ ગિલની કૅપ્ટન્સીમાં ભારતીય ટીમે રવિવારે બીજી ટી-20 મૅચમાં ધમાકેદાર બૅટિંગ કરીને 20 ઓવરમાં બે વિકેટે 234 રન બનાવ્યા હતા. ઝિમ્બાબ્વે સામે ભારતનો આ હાઇએસ્ટ સ્કોર હતો. એમાં ઋતુરાજ ગાયકવાડ (અણનમ 77, 47 બૉલ, એક સિક્સર, અગિયાર ફોર)નો મોટો ફાળો હતો. તેની અને રિન્કુ સિંહ (48 અણનમ, બાવીસ બૉલ, પાંચ સિક્સર, બે ફોર) વચ્ચે ત્રીજી વિકેટ માટે 87 રનની અતૂટ ભાગીદારી થઈ હતી.

આ પણ વાંચો : ઝિમ્બાબ્વે સામેની બીજી ટી-20માં ભારતે બૅટિંગ લીધી, ગિલ-ઇલેવનમાં એક ફેરફાર

ભારતના બૅટર્સે આઇપીએલ સ્ટાઇલમાં દમદાર બૅટિંગ કરી હતી અને ઝિમ્બાબ્વેના બોલર્સની બોલિંગની ધુલાઈ કરી હતી તેમ જ યજમાન ટીમના ફીલ્ડર્સને ખૂબ દોડાવ્યા હતા.

આઇપીએલ-2024માં સનરાઇઝર્સ હૈદરાબાદ વતી ભારતના સ્ટેડિયમો ગજવનાર અભિષેકે 33 બૉલમાં 50 રન પૂરા કર્યા હતા અને પછી બીજા ફક્ત 13 બૉલમાં બીજા 50 રન બનાવીને 46 બૉલમાં સેન્ચુરી નોંધાવી હતી.
અભિષેક અને વનડાઉન બૅટર ઋતુરાજ ગાયકવાડ વચ્ચે બીજી વિકેટ માટે 12.4 ઓવરમાં 137 રનની ભાગીદારી થઈ હતી. અભિષેક 27મા રને હતો ત્યારે તેનો કૅચ છૂટ્યો હતો. અભિષેકે 88મા રને અને પછી 94મા રને છગ્ગો ફટકારીને પ્રથમ ઇન્ટરનૅશનલ સદી પૂરી કરી હતી અને પછી બરાબર 100 રનના પોતાના સ્કોર પર આઉટ થઈ ગયો હતો.

અભિષેક પછી ઋતુરાજ અને રિન્કુએ હરારેનું સ્ટેડિયમ ગજવી નાખ્યું હતું. ત્રણેય બૅટર્સે કુલ 14 સિક્સર અને 20 ફોર ફટકારી હતી.
ઝિમ્બાબ્વેના સાત બોલરમાં માત્ર બ્લેસિંગ મુઝરાબની અને વેલિંગ્ટન માસાકાદ્ઝાને એક-એક વિકેટ મળી હતી.
ભારતે ટૉપ-ઑર્ડર બૅટર સાંઇ સુદર્શનને ઇલેવનમાં સમાવીને પેસ બોલર ખલીલ અહમદને આરામ આપ્યો છે. યજમાન ઝિમ્બાબ્વેની ટીમમાં કોઈ ફેરફાર નથી કરાયો. સાંઇ સુદર્શનને ભારત વતી ડેબ્યૂ કરવાની તક મળી છે. જોકે તેની બૅટિંગ જ નહોતી આવી.

શનિવારે 31 રન બનાવ્યા બાદ વિકેટ ગુમાવનાર ખુદ કૅપ્ટન ગિલે કારમા પરાજયની જવાબદારી સ્વીકારી હતી અને કહ્યું હતું કે ‘અમે 116 રનના નીચા ટાર્ગેટ સામે હારી ગયા એનું મને દુ:ખ છે. મારે છેક સુધી ક્રીઝ પર ટકી રહેવું જોઈતું હતું.’ રવિવારની બીજી મૅચમાં ગિલ માત્ર બે રન બનાવીને આઉટ થઈ ગયો હતો.

હવે બુધવારે ત્રીજી મૅચ રમાશે. આ મૅચ અને ત્યાર બાદ રમાનારી વધુ બે મૅચ માટે ભારતીય ટીમમાં યશસ્વી જયસ્વાલ સહિત ત્રણ પ્લેયર ગિલની ટીમ સાથે જોડાઈ રહ્યા છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત