એક જ દિવસમાં ત્રણ સેન્ચુરી, ભારતનો વિજય લગભગ નિશ્ચિત થઈ ગયો...
સ્પોર્ટસ

એક જ દિવસમાં ત્રણ સેન્ચુરી, ભારતનો વિજય લગભગ નિશ્ચિત થઈ ગયો…

અમદાવાદઃ ભારતે (India) અહીં શુક્રવારે વેસ્ટ ઇન્ડિઝ (West Indies) સામે પ્રથમ ટેસ્ટમાં બીજા દિવસે ત્રણ સેન્ચુરિયન અને એક હાફ સેન્ચુરિયનની મદદથી 286 રનની સરસાઈ મેળવી હતી અને ટીમ ઇન્ડિયા હવે શનિવાર અથવા રવિવારે (ત્રીજા યા ચોથા દિવસે) એક દાવથી વિજય મેળવી જ લેશે એવું લાગી રહ્યું છે.

એ સાથે, ભારત વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (ડબ્લ્યૂટીસી)ના પૉઇન્ટ્સ-ટેબલમાં સ્થાન મજબૂત કરી લેશે. ઓપનર કે. એલ. રાહુલ (100 રન, 197 બૉલ, 12 ફોર), વિકેટકીપર ધ્રુવ જુરેલ (125 રન, 210 બૉલ, ત્રણ સિક્સર, 15 ફોર) અને રવીન્દ્ર જાડેજા (104 નૉટઆઉટ, 176 બૉલ, પાંચ સિક્સર, છ ફોર)એ ત્રણ આંકડામાં રન બનાવીને ભારતને 5/448નો તોતિંગ સ્કોર અપાવ્યો હતો. એમાં શુભમન ગિલ (50 રન, 100 બૉલ, પાંચ ફોર)નો પણ ફાળો હતો. વેસ્ટ ઇન્ડિઝે ગુરુવારે પ્રથમ દિવસે પહેલા દાવમાં ફક્ત 162 રન બનાવ્યા હતા.

રાહુલની આ 11મી અને જાડેજાની છઠ્ઠી ટેસ્ટ (Test) સદી હતી, જ્યારે ગુરુવારે ચાર કૅરિબિયન બૅટ્સમેનના કૅચ ઝીલનાર જુરેલે પહેલી જ વખત આંતરરાષ્ટ્રીય સદીની ઉજવણી કરી છે. આ ત્રણ બૅટ્સમેન અનોખો અભિગમ અપનાવીને રમ્યા હતા અને વેસ્ટ ઇન્ડિઝના છ બોલરને ખૂબ હંફાવ્યા હતા તથા ફીલ્ડર્સને દોડાવ્યા હતા. રાહુલ કરતાં જુરેલની સદી આક્રમક હતી અને જુરેલ કરતાં જાડેજા વધુ અગે્રસિવ વલણ અપનાવીને રમ્યો હતો. વેસ્ટ ઇન્ડિઝની બોલિંગ અસરહીન હતી અને મેદાન પર એના ખેલાડીઓમાં ઊર્જા જેવું ખાસ કંઈ દેખાતું નહોતું જેને કારણે ભારતીય ટીમ પ્રભુત્વ વધારવામાં સફળ રહી હતી.

રાહુલની ચાર ભાગીદારી, જાડેજા-જુરેલની 206ની પાર્ટનરશિપ

ભારતીય બૅટ્સમેનોમાં કુલ મળીને છ ભાગીદારી થઈ જેમાં રવીન્દ્ર જાડેજા અને ધ્રુવ જુરેલ વચ્ચેની 206 રનની ભાગીદારી સર્વશ્રેષ્ઠ હતી. તેમણે 331 બૉલમાં એ પાર્ટનરશિપ કરીને વેસ્ટ ઇન્ડિઝને એક ઇનિંગ્સના સંભવિત પરાજયની દિશામાં મોકલી દીધા હતા. જાડેજા-જુરેલ શુક્રવારે પાંચમી વિકેટ માટેની સચિન-લક્ષ્મણ વચ્ચેની 214 રનની ભારતીય ભાગીદારીનો વિક્રમ સહેજ માટે ચૂકી ગયા હતા.

શુક્રવારે છેલ્લે જાડેજા-વૉશિંગ્ટન સુંદર વચ્ચે 24 રનની અતૂટ ભાગીદારી થઈ એ પહેલાં રાહુલે ચાર જોડીદાર સાથે પાર્ટનરશિપ કરીને સૌથી મોટા આધારસ્તંભની ભૂમિકા ભજવી હતી. ગુરુવારે રાહુલ-યશસ્વી વચ્ચે 68 રનની તથા રાહુલ-સુદર્શન વચ્ચે બાવીસ રનની ભાગીદારી થઈ હતી. શુક્રવારે રાહુલ-ગિલ વચ્ચે 98 રનની અને રાહુલ-જુરેલ વચ્ચે 30 રનની પાર્ટનરશિપ થઈ હતી.

રાહુલની નવ વર્ષે ઘરઆંગણે સદી

કે. એલ. રાહુલે શુક્રવારે 2016ની સાલ બાદ ઘરઆંગણે ફરી એક વાર (ફક્ત બીજી વાર) ટેસ્ટ સેન્ચુરી ફટકારવામાં સફળતા મેળવી હતી. ડિસેમ્બર, 2016માં ચેન્નઈમાં તેણે ઇંગ્લૅન્ડ સામે પહેલા દાવમાં 199 રન કર્યા હતા. ત્યારે તે સ્પિનર આદિલ રાશીદના બૉલમાં જૉસ બટલરના હાથમાં કૅચઆઉટ થતાં એક રન માટે ડબલ સેન્ચુરી ચૂકી ગયો હતો. એ જ ઇનિંગ્સમાં કરુણ નાયર (અણનમ 303 રન) ટેસ્ટમાં ટ્રિપલ સેન્ચુરી ફટકારનાર સેહવાગ પછીનો ભારતનો બીજો ખેલાડી બન્યો હતો. રાહુલે 2016 પછી નવ વર્ષે ફરી ઘરઆંગણે ટેસ્ટ સેન્ચુરી ફટકારીને ભારતને વિજય તરફ મોકલ્યું છે.

આ પણ વાંચો…ભારતીય ક્રિકેટમાં 61 વર્ષ બાદ આવું બન્યું; કેએલની સદી અને શુભમનની અડધી સદી સાથે છે કનેક્શન

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button