કોચ ગૌતમ ગંભીરની આગેવાનીમાં ભારતીય ટીમે શ્રીલંકા સામેની T-20 શ્રેણી 3-0થી જીતી લીધી છે. ભારતીય ટીમે ત્રીજી ટી-20 મેચ સુપર ઓવરમાં જીતી લીધી હતી. પ્રથમ શ્રેણીમાં કોચ ગંભીરના ચોક્કસ નિર્ણયોએ વિશ્વ ક્રિકેટને વિચારવા મજબૂર કરી દીધું છે. T-20 શ્રેણીની ત્રીજી મેચમાં ભારતે જે રીતે મેચ ટાઇ કરીને સુપર ઓવરમાં જીતી લીધી એને લોકો ગંભીરની આક્રમક વ્યૂહરચનાનું પરિણામ જણાવે છે અને એના ખોબલે ખોબલે વખાણ કરી રહ્યા છે.
એક સમયે ભારતીય ટીમ મેચ હારવાની નજીક હતી પરંતુ કોચની વ્યુહરચના મુજબ રિંકુ સિંહ અને કેપ્ટન સૂર્યકુમારની બોલિંગે મેચમાં બધો ફરક પાડી દીધો હતો. આ બંને ખેલાડીઓએ મેચમાં બોલિંગ કરીને ભારત માટે મેચ ટાઈ કરી હતી. બંનેની બોલિંગે જ મેચનો પલટો કર્યો હતો. આ પછી, સુપર ઓવરમાં, વોશિંગ્ટન સુંદરે માત્ર એક રન આપીને ભારત માટે મેચ જીતી લીધી હતી.
સીરિઝની છેલ્લી મેચ 30 જુલાઈએ પલ્લેકેલેમાં રમાઈ હતી. અહીં ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમ 20 ઓવરમાં 9 વિકેટના નુકસાન પર 137 રન બનાવી શકી હતી. 137 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી વિપક્ષી ટીમે શાનદાર શરૂઆત કરી હતી,જે જોઇને લાગતું હતું કે તેઓ આ મેચ આસાનીથી જીતી જશે. પરંતુ ટીમ ઈન્ડિયાના કેપ્ટન સૂર્યકુમાર યાદવે ઈનિંગની છેલ્લી ઓવરમાં સમગ્ર ગેમ પલટી નાખી હતી. છેલ્લી ઓવરમાં વિપક્ષી ટીમને જીતવા માટે 6 રનની જરૂર હતી. પરંતુ શ્રીલંકા આ ઓવરમાં માત્ર 5 રન જ બનાવી શક્યું હતું અને બે વિકેટ પણ ગુમાવી દીધી હતી, જેને કારણે મેચ ટાઇ થઇ હતી અને સુપર ઓવરમાં ગઇ હતી.
‘સુપર ઓવર’માં પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાની ટીમ 3 બોલમાં પોતાની બંને વિકેટ ગુમાવીને 2 રન બનાવી શકી હતી. ભારતીય ટીમ વતી બેટિંગ કરવા આવેલા સૂર્યાએ પહેલા જ બોલ પર ચોગ્ગો ફટકારીને આ લક્ષ્યાંક હાંસલ કર્યો હતો.
ભારતીય ટીમની આ ઝળહળતી સફળતા માટે કોચ ગૌતમ ગંભીરના આક્રમક નિર્ણયો જવાબદાર છે. ક્રિકેટની નાડ પારખતા ગંભીરે સૂર્યાને T-20નો કેપ્ટન બનાવ્યો. ત્યારબાદ શુભમન ગિલને ODI અને T20નો વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. તે જ સમયે કોહલી અને રોહિત જેવા સિનિયર ખેલાડીઓને વનડે શ્રેણીમાં રમવા માટે બોલાવવામાં આવ્યા હતા. આ પછી ટી-20 સિરીઝની છેલ્લી મેચમાં સૂર્યા અને રિંકુએ બોલિંગ કરી અને હારેલી મેચ પલટી નાખી.
ભારતીય ટીમ હવે 2 ઓગસ્ટથી વનડે શ્રેણી રમશે. વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા દિગ્ગજ આ સીરીઝમાં જોવા મળશે.
Also Read –