સ્પોર્ટસ

પંડ્યાની સિક્સ સીધી કેમેરામેનને વાગી, મેચ બાદ હાર્દિકે શું કર્યું? જુઓ Video

અમદાવાદઃ ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ શુક્રવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં તોફાન મચાવ્યું હતું. તે સાઉથ આફ્રિકા સામે 5મા ક્રમે બેટિંગ ઉતર્યો હતો અને 16 બોલમાં ફિફ્ટી ફટકારી હતી. તેણે 25 બોલમાં 5 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી 252ના સ્ટ્રાઇક રેટથી 63 રન બનાવ્યા હતા. ઉપરાંત બોલિંગમાં પણ એક વિકેટ ઝડપી હતી.

હાર્દિકે તેની ઇનિંગની શરૂઆત શાનદાર અંદાજમાં કરી હતી. તેણે પહેલા બોલ પર જ ક્રિઝની બહાર નીકળીને કોર્બિન બોશના બોલ પર મિડ-ઓફ ઉપરથી એક વિશાળ સિક્સ ફટકારી હતી. આ ફ્લેટ સિક્સ બાઉન્ડ્રીની બહાર તો ગઈ, પરંતુ ત્યાં ટીમના ડગઆઉટ પાસે ઉભેલા એક કેમેરામેનને જઈને વાગી હતી. જેના કારણે કેમેરામેનને મેડિકલ ટ્રીટમેન્ટ આપવી પડી હતી. જોકે તે ઝડપથી સાજો થઈ ગયો હતો અને ફરીથી પોતાની ફરજ પર પરત ફર્યો હતો.

મેચ પૂરી થયા પછી તરત જ, હાર્દિક પંડ્યા તે કેમેરામેન પાસે ગયો, તેની તબિયત પૂછી અને તેને ગળે લગાવ્યો હતો. આ સ્ટાર ઓલરાઉન્ડર કેમેરામેનના ખભા પર આઈસ પેક લગાવતો પણ જોવા મળ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર અત્યારે જોરદાર વાયરલ થઈ રહ્યો છે.

મેચમાં શું થયું

ટોસ હાર્યા બાદ ભારતે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 231 રન બનાવ્યા હતા. અભિષેક અને સેમસને 63 રનની ઓપનિંગ પાર્ટનરશિપ કરી હતી. તિલક વર્માએ સૌથી વધુ 73 રન બનાવ્યા હતા. પરંતુ હાર્દિક પંડ્યા સર્વત્ર છવાઈ ગયો હતો, તેણે 25 બોલમાં 63 રનની વિસ્ફોટક ઈનિંગ રમી હતી. ભારતે આપેલા લક્ષ્યાંકને હાંસલ કરવા મેદાને ઉતરેલી સાઉથ આફ્રિકાની ટીમ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 201 રન બનાવી શકી હતી. ભારતનો 30 રનથી વિજય થયો હતો. સાઉથ આફ્રિકાને પાંચમી અને છેલ્લી રોમાંચક ટી-20માં હરાવીને ભારતે શ્રેણી 3-1થી જીતી હતી.

આ પણ વાંચો…અમદાવાદમાં હાર્દિકોત્સવઃ વરુણે પણ વટ રાખ્યો…

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button