ધોની પરથી પ્રેરણા લઈને પાકિસ્તાનની નવી મહિલા કૅપ્ટન ભારતીય ટીમને પડકારશે…

કરાચીઃ રવિવાર, પાંચમી ઑક્ટોબરે (બપોરે 3.00 વાગ્યાથી) કોલંબોમાં હરમનપ્રીત કૌરના સુકાનમાં ભારતીય ટીમ સામે ટક્કર લેનાર પાકિસ્તાની ટીમની નવી સુકાની ફાતિમા સના જો આપણા ક્રિકેટ-લેજન્ડ મહેન્દ્રસિંહ ધોનીની માફક કૅપ્ટન કૂલ’ના અભિગમમાં જોવા મળે તો નવાઈ નહીં પામતા, કારણકે ખુદ ફાતિમાએ જ એક મુલાકાતમાં કહ્યું છે કે મારે એમએસ ધોનીની માફક કૅપ્ટન કૂલ બનવું છે.’
30મી સપ્ટેમ્બરે ભારત અને શ્રીલંકા દ્વારા સંયુક્ત રીતે મહિલાઓનો વન-ડે વર્લ્ડ કપ (World Cup) શરૂ થશે અને એમાં પાકિસ્તાનની ટીમના નેતૃત્વની જવાબદારી પેસ બોલિંગ ઑલરાઉન્ડર ફાતિમા સના (Fatima Sana)ને સોંપાઈ છે.
તેણે 34 વન-ડેમાં 45 વિકેટ લીધી છે અને 397 રન કર્યા છે. પાકિસ્તાની ટીમની તમામ મૅચો કોલંબોમાં રમાશે. પાકિસ્તાનની ટીમ ક્વૉલિફાયર્સમાં અપરાજિત હતી અને હવે વિશ્વ કપમાં એની પ્રથમ મૅચ બીજી ઑક્ટોબરે બાંગ્લાદેશ સામે રમાશે.
ફાતિમાએ પીટીઆઇ ભાષા (PTI BHASHA)ને મુલાકાતમાં કહ્યું, ` વર્લ્ડ કપ જેવી મોટી ટૂર્નામેન્ટમાં કૅપ્ટન્સી સંભાળવામાં શરૂઆતમાં થોડું નર્વસ થઈ જવાય, પણ મેં એમએસ ધોનીના અભિગમ પરથી પ્રેરણા લીધી છે.’

ફાતિમાએ હજી થોડા દિવસ પહેલાં જ પાકિસ્તાની ટીમના સુકાનની જવાબદારી મળી છે. તેણે પીટીઆઇને એવું પણ કહ્યું કે ` ધોનીએ ભારતીય ટીમની તેમ જ સીએસકે ટીમની કૅપ્ટન્સી સંભાળી હોય એવી ઘણી મૅચો મેં ટીવી પર જોઈ છે.
મેદાન પર કેવી રીતે તત્કાળ નિર્ણયો લેવા, મગજ ઠંડુ રાખીને કેવી રીતે નેતૃત્વ સંભાળવું અને પોતાના ખેલાડીઓને કેવી રીતે સપોર્ટ કરવો એ બધુ મેં ધોનીની કૅપ્ટન્સી પરથી શીખી લીધું છે.
મને નેતૃત્વની જવાબદારી મળી ત્યારે જ મેં નક્કી કર્યું હતું કે મારે ધોની જેવા સુકાની બનવું જ છે. મેં તેના ઇન્ટરવ્યૂ પણ જોયા છે અને એમાંથી પણ ઘણું શીખી છું. હું પાકિસ્તાની ટીમને સેમિ ફાઇનલમાં લઈ જવા દૃઢનિશ્ચયી છું.’
ધોની 2020માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્ત થયો હતો. પાકિસ્તાનની મહિલા ટીમ પાંચ વન-ડે વર્લ્ડ કપ રમી છે જેમાંથી 1997, 2013 અને 2017ના વિશ્વ કપમાં પાકિસ્તાની ટીમ એક પણ મૅચ નહોતી જીતી. 2022ના વર્લ્ડ કપમાં પાકિસ્તાની મહિલાઓ ફક્ત વેસ્ટ ઇન્ડિઝ સામે જીતી હતી અને તેમની ટીમ છેક છેલ્લા સ્થાને રહી હતી.
આ પણ વાંચો…હરમનપ્રીત, સ્મૃતિ, જેમાઇમા પ્રથમ વિશ્વ કપ ટ્રોફી જીતવા મક્કમ